અદાણી માટે આ કેસ અગ્નિ પરીક્ષા છે. બહુ લાંબી કાનૂની લડત લડવી પડશે : શું અદાણી જામીન મેળવી શકશે? આરોપો સાચા પુરવાર થયા તો ધરપકડ થઇ શકે : શું ભારત સરકાર આ મુદે કોઈ તપાસ કરશે? અને કેસ ચાલશે ત્યાં સુધી ભારતનું રાજકારણ ગરમ રહેવાનું : વિપક્ષ નરેન્દ્ર મોદી સામે આક્ષેપો કરતો રહેશે
ન્યુયોર્કની કોર્ટમાં અદાણી સામે ફરિયાદ થઇ છે અને એમની સામે વોરંટ નીકળ્યું છે. આ ઘટના ભારતનાં અર્થકારણ જ નહિ પણ ભારતના રાજકારણ માટે મહત્વ ધરાવે છે. કારણ કે, બીજા નંબરના ધનિક ગૌતમ અદાણી સામે આ ફરિયાદ છે અને અદાણી હવે માત્ર ભારતમાં જ નહિ વિદેશોમાં પણ ઔદ્યોગિક સામ્રાજય ધરાવે છે. આ કેસે વિપક્ષને એક મુદો પૂરો પાડી દીધો છે અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ભાજપ અને સરકાર પર હુમલા શરૂ કરી દીધા છે. અને ભાજપ માટે આ વેળા જવાબ દેવાનું આસાન નહિ બને કારણ કે, આ કેસ અમેરિકામાં થયો છે અને ત્યાની કોર્ટમાં ચાલવાનો છે.
આ કેસ શું છે અને એની ગંભીરતા કેટલી છે એ સમજી લેવાની જરૂર છે. આ કેસમાં અદાણી ગ્રીન અને એક બીજી મોરેશિયસની કંપની એજ્યોર પાવર કમ્પનીની સંડોવણી છે. અને એમના પર આરોપ છે એમણે સોલાર એનર્જી માટેના પ્રોજેક્ટ માટે 2200 કરોડની લાંચ ભારતમાં જુદા જુદા અધિકારીઓને આપી છે. 2019 અને 2020થી આ વાત શરૂ થાય છે. શરૂઆતમાં ભાવ વધુ હોવાથી કોઈ રાજ્ય કરાર માટે તૈયાર થયા નહોતા. અને પછી લાંચ આપવાની વાત આવે છે. મૂળ 12 ગીગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. અદાણી ગ્રીનને 8 ગીગાવોટ અને એજ્યોરને 4 ગીગાવોટ માટે મંજૂરી મળવાની હતી. અને પછી વાત સ્વીકારાઈ અને એમાં આંધ્રપ્રદેશ, ઓડીશા, જમ્મુ અને કશ્મીર, તામીલનાડુ અને છતીસગઢ રાજ્યો સાથે કરાર થયા. આ કરાર કેન્દ્રીય એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા થકી થયા છે.
હવે કોર્ટમાં કેસ એવો છે કે, આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓએ અમેરિકામાંથી જુદી જુદી નાણા સંસ્થાઓ પાસેથી રૂ. 11,000 કરોડ અને બોન્ડ થકી 6,254 કરોડ મેળવ્યા છે. અને એ વાત મહત્વની છે કે, અમેરિકામાં ફોરેન કરપ્ટ પ્રેક્ટીસ એકટ એવો કાયદો છે અને તપાસ બાદ જણાયું છે કે, આ પ્રોજેક્ટ મેળવવા બંને કંપનીઓ દ્વારા લાંચ અપાઈ છે અને અમેરિકાના રોકાણકારો સાથે છેતરપીંડી થઇ છે. આ પ્રોજેક્ટથી અદાણીને 20 વર્ષમાં 16,881 કરોડનો નફો થવાનો હતો પણ લાંચ અપાઈ અને ખોટી માહિતી પણ આપવામાં આવી છે એવો આરોપ છે. એફ્બીઆઈ દ્વારા તપાસ થઇ ત્યારે ખબર પડી કે, બંને કમ્પની વચ્ચે જે કોમ્યુનીકેશન થયું એ ડેટા ડીલીટ કરી દેવાયો છે. બંને વચ્ચે કોડવર્ડ દ્વારા વાત થતી હતી.
અને આ કેસમાં ગૌતમ અદાણી એમના ભત્રીજા સાગર, વિનીત જૈન કે જે એમની કંપનીનાં પૂર્વ સીઈઓ છે, આ ઉપરાંત અન્ય પાંચ નામો છે. પણ મહત્વની વાત એ છે કે, હવે શું? કેસના કારણે અદાણીને નુકસાન થવાનું શરૂ થઇ ચુક્યું છે. કેસના સમાચાર આવ્યા અને અદાણીના શેરોમાં 20 ટકા ગાબડું પડ્યું છે પણ બીજા દિવસે થોડી રીકવરી જોવામાં મળી પણ હવે અપ ડાઉન ચાલશે. બીજું કે કેન્યાએ એના એરપોર્ટ સંચાલનનો કરાર હતો એ રદ કરી નાખ્યો છે. અને એ કરાર 700 મીલીયન ડોલર હતો. કેસ થયા બાદ તુરંત કેન્યા સરકારે કરાર રદ કર્યો છે. અદાણીના વિદેશોમાં ઘણા બધા પ્રોજેક્ટ છે અને કેવી અસર થશે એ જોવાનું છે.
એક બીજી વાત યાદ રાખવા જેવી છે કે, વોરંટ નીકળ્યું એટલે અદાણીની ધરપકડ થાય એમ નથી. અદાણીએ આરોપો નકારી તો દીધા છે અને કહ્યું છે કે, આ માત્ર આરોપ છે એ સિદ્ધ થયા નથી. પણ વાત અહી પૂરી થતી નથી. એમના સામે આરોપ મુકાયા છે એમને પડકારવા પડશે. જામીન માટે અરજ કરવી પડશે. અને ન્યુયોર્ક કોર્ટમાં બાત ના બની તો અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે. અને આરોપો સિદ્ધ થયા તો પ્રત્યાર્પણ નીચે અદાણીની ધરપકડ થઇ શકે છે. પણ એ પહેલા લાંબી કાનૂની પ્રક્રિયા ચાલશે. એમાં કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે અને ત્યાં સુધી આ કેસ ગુંજતો રહેશે.
અદાણી સામે હિન્ડબર્ગ દ્વારા કેટલાક આક્ષેપો મુકાયા હતા અને એમાં સેબી પર પણ આરોપો હતા પણ એ મુદે સેબી દ્વારા તપાસ કરાઈ અને ક્લીન ચીટ અપાઈ. અમેરિકામાં કેસ છે એ ત્યાં લડવો પડશે. અને એ આસાન નથી હોતું. આ માટે અદાણી બહુ મોટાપાયે તૈયારીઓ કરવી પડશે. આ કેસ એમના માટે આબરૂ નો સવાલ છે. આમે ય એમની સામે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ આક્ષેપો કરતા આવ્યા છે. અત્યાર સુધી એ બચતા આવ્યા છે પણ આ કેસ અમેરિકામાં થયો હોવાથી એમની કસોટી થવાની છે અને સતત આક્ષેપો માટે તૈયાર રહેવું પડશે.
રાહુલ ગાંધીએ તો આક્ષેપો શરૂ કરી દીધા છે. અને કહ્યું છે કે, ભારતમાં જ અદાણીની ધરપકડ થવી જોઈએ પણ થશે નહિ કારણ કે એમની પાછળ નરેન્દ્ર મોદી ઉભા છે. ભાજપે જવાબ આપવાની કોશિશ કરી છે અને જે તે વેળાની કોંગ્રેસ કે અન્ય વિપક્ષી સરકાર હતી ત્યારે કરાર થયા છે પણ ભાજપ એ વાત ભૂલી ગયો કે, કેન્દ્રીય એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા થકી રાજ્યો સાથે કરાર થયા છે એટલે કેન્દ્રની એજન્સી પણ શંકાના ઘેરામાં આવે છે. અને આ જ વાત આંધ્રના પૂર્વ સીએમ રેડ્ડીએ કહી છે કે, સીધો રાજ્યએ કરાર કર્યો નથી.
અને એનાથી પણ મહત્વની વાત એ છે કે, અમેરિકામાં કેસ થયા બાદ અને 2200 કરોડની લાંચ સરકારી અધિકારીઓને અપાઈ છે એવો આરોપ છે એ મુદે ભારત સરકાર કે એની એજન્સીઓએ કોઈ પ્રતિભાવ આપ્યો નથી. શું કોઈ તપાસ અદાણી સામે થઇ શકે છે ? તપાસ કરવી જોઈએ? આવા પ્રશ્નો પુછાય એ સ્વાભાવિક છે. અદાણીને ભારતમાં સરકારી પ્રોજેક્ટ મોટી સંખ્યામાં મળ્યા છે અને સતત આક્ષેપો થતા આવ્યા છે કે, મોદી સરકાર અદાણીની તરફેણ કરે છે અને એ માટે નિયમોને તાક પર મુકે છે. પણ ભાજપ એવા આક્ષેપોને નકારતો આવ્યો છે પણ અમેરિકામાં થયેલા કેસ ભાજપ અને મોદી સરકાર માટે ય મુશ્કેલીઓ સર્જી શકે છે. અને આરોપ સાચા ઠર્યા તો ભારત સરકાર શું કરશે? આવા કેટલાય સવાલોનાં જવાબ મળવા બાકી છે. ભારતના ઇતિહાસમાં કોઈ ભારતીય કંપની સામે આવડો મોટો લાંચ કેસ અમેરિકામાં થયાનો કદાચ આ પહેલો દાખલો છે. અને હા, મોદી અને અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો છે શું એની અસર આ કેસ પર પડી શકે છે? હા, અમેરિકી પ્રમુખ પાસે સત્તા છે કે, કોઈ કેસને એ રદ કરી શકે છે. પણ એમ તો ટ્રમ્પનાં દીકરા સામે ય કેસ છે અને એ રદ થયો નથી. એટલે અદાણી સામેનો કેસ ટ્રમ્પ કેસ પાછો ખેંચે એવી શક્યતા નથી. અદાણીએ કાનૂની લડત આપવી જ રહી.