રાજકોટ સહિતના ચહેરોમાંથી ચુનંદા અધિકારીઓને અમદાવાદનું તેડું : અનેક તર્ક વીતર્ક
રાજકોટ, તા. 9
છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં અને રાજ્યમાં આવકવેરા વિભાગની સાથોસાથ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહત્વનું એ છે કે આ દરોડામાં ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી અને બેનામી વ્યવહારો પણ વિભાગના હાથે લાગે છે. ત્યારે સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં કારણકે વિવિધ શહેરો માંથી ઇન્વેસ્ટિગેશન વિંગના ટોચના અધિકારીઓને દરોડામાં સામેલ કરવા માટે અમદાવાદ બોલાવી લેવામાં આવ્યા હોવાનું હાલ મનાઈ રહ્યું છે.
મહત્વનું એ છે કે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના ચુનંદા અડધા ડઝન કેટલા અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને અમદાવાદનું પણ તેડું આવ્યું છે. હાલ મળતી માહિતી મુજબ અને અમદાવાદ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે જો સરચ ઓપરેશન યોજાશે તો દસથી બાર જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવશે જેને લઈને હાલ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને સંબંધિત વિભાગના અધિકારીઓને પણ તાકીદ કરી દેવાયા છે. હવે જોવાનું એ રહ્યું કે જો આજે આવકવેરા વિભાગની ટીમ ત્રાટકે તો કેટલા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે છે. હાલ એ વાતનો અંદાજ લગાવો કપરો છે કે, આજે કયા ક્ષેત્રના વેપારી અથવા તો ઉદ્યોગપતિ પર દરોડા પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિભાગ દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા અને અભ્યાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજે જો દરોડા પાડવામાં આવશે તો આવકવેરા વિભાગને ધારી સફળતા મળે તેવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે બીજી તરફ હાલ જે ટાર્ગેટ આપવામાં આવેલો છે તેને પહોંચવા માટે અને તેને પૂર્ણ કરવા માટે હવે આવકવેરા વિભાગ પાસે માત્ર સર્ચ ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ હોય તો પણ નવાઈ નહીં.