તું ભાવનગર રોડ પર સ્ત્રી સાથે વાત કરતો’તો અમે જોયો છે, હવે થોરાળા પોલીસ સ્ટેશને લઇ જવો પડશે, કેસ થશે કહી નાણા પડાવ્યા
લાખણકાનો ભાવેશ રાજકોટ ભાભીને દાખલ કર્યા હોઇ ખબર કાઢવા આવ્યા બાદ અમુલ સર્કલ તરફથી ભાઇના ઘરે જતો હતો ત્યારે નંબર વગરના વાહન પર આવેલા બે શખ્સે પોલીસના નામે રોફ જમાવી પચ્ચીસ હજાર પડાવ્યા: યુવાને દવાખાનાના કામે આવ્યો છે તેમ કહેતાં દયા ખાઇને બે હજાર પાછા દઇ દીધા!
થોરાળા પોલીસે વર્ણનને આધારે બે શકમંદને ઉઠાવી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
રાજકોટ: શહેરમાં અવાર-નવાર નકલી પોલીસ રોફ જમાવી લોકોને ડરાવી ધમકાવી તોડ કરી જતી હોય છે. તાજેતરમાં બસ સ્ટેશન પાછળની હોટેલમાંથી યુવતિ સાથેનીકળેલા યુવાનનો પીછો કરી તેને બ્લેકમેઇલ કરી કેસ કરવાની ધમકી દઇ તોડ કરનાર નકલી પોલીસ ઝડપાઇ ગયો હતો. ત્યાં વધુ એક વખત બે નકલી પોલીસે ભાવનગર રોડ અમુલ સર્કલ પાસે ચોટીલાના લાખણકાના યુવાનને આંતરી તું અહિ શું રખડે છે? તું ભાવનગર રોડના મકાને સ્ત્રી સાથે વાત કરતો હતો એટલે તને પકડ્યો છે, હવે કેસ થશે તેમ કહી ડરાવી તેની પાસેથી પચ્ચીસ હજાર પડાવી લઇ તેમાંથી બે હજાર પાછા આપી દીધા હતાં. થોરાળા પોલીસ સુધી વાત પહોંચતા બંને લેભાગુ નકલી પોલીસ બનેલા શખ્સને શોધી કાઢી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની વિગતો પર નજર કરીએ તો ચોટીલાના લાખણકાના યુવાનને તે રાજકોટ તેના ભાભીને ડિલીવરી આવી હોઇ રૈયા રોડની હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ હોસ્પિટલે રોકાયા બાદ ગ્રીનલેન્ડ ચોકડીએ આવેલા ભાઇના ઘરે એક્ટીવા પર જતો હતો ત્યારે ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક તેને નંબર વગરના ટુવ્હીલર પર આવેલા બે શખ્સે આંતરી અહિ શું રખડે છે, તું ભાવનગર રોડ પર એક મકાને સ્ત્રી સાથે વાત કરતો હતો એટલે અમે તને પકડ્યો છે, હવે કેસ થશે, પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી ડરાવી પૈસા માંગી ડેકીમાંથી 25 હજાર કાઢી લીધા હતાં. યુવાને પોતે દવાખાનાના કામે આવ્યો છે તેમ કહેતાં નકલી પોલીસે દયા દાખવતા હોય તેમ પચ્ચીસમાંથી બે હજાર પાછા પણ આપી દીધા હતાં!
ઘટનાની જાણ થતાંં થોરાળા પોલીસે ચોટીલાના લાખણકા ગામે સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતાં અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં ત્રીસ વર્ષના ભાવેશભાઇ વિઠ્ઠલભાઇ ખોરાણી નામના યુવાનની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી બંને શકમંદને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. ભાવેશભાઇએ જણાવ્યું હતું કે મે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. હું પરિવાર સાથે રહુ છું અને મારા માોટ ાભાઇ કેતનભાઇ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ ભાડાના મકાનમાં રહે છે. મારા ભાભી ધરણીબેનને ડિલીવરી આવી હોઇ તેમને રૈયા રોડની પાયલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
ભાવેશભાઇએ આગળ જણાવ્યું હતું કે 25/1ના બપોરે બે વાગ્યે હું અને મારા કાકા વાલજીભાઇ તથા કાકી જસુબેન અને મારા બહેન અર્ચનાબેન ગામડેથી રાજકોટ હોસ્પિટલે આવ્યા હતાં. અહિ સાંજ સુધી રોકાયા હતાં. બાદમાં મારે ભાઇ કેતનના ઘરે આરામ કરવા જવું હોઇ સાંજે સાતેક વાગ્યે હોસ્પિટલેથી નીકળ્યો હતો. મેં ખર્ચ માટે જરૂર પડે એ માટે રૂા. 25 હજાર એક્ટીવાની ડેકીમાં રાખ્યા હતાં. ફરતો ફરતો હું ચુનારાવાડ ચોકમાં પહોંચતા ત્યાંથી ભાવનગર રોડ અમુલ સર્કલ તરફથી 80 ફુટ રોડ પર જતાં સાંજે સાડા આઠેક વાગ્યે મારા વાહનની પાછળ ડબલ સવારીમાં નંબર વગરના બ્લુ કલરના એક્સેસ પર બે શખ્સ આવ્યા હતાં અને મને રોકીને ‘તું અહિ શું રખડે છે?’ તેમ પુછ્યું હતું.
આથી મેં તેને હું હોસ્પિટલેથી મારા ભાઇના ઘરે જાઉ છું તેમ કહેતાં મજબૂત બાંધાવાળા શખ્સે-અમે પોલીસમાં છીએ, તું ચુનારાવાડ ચોકમાં આવેલા એક મકાનની ડેલી પાસે ઉભેલી સ્ત્રી પાસે ગયો હતો, જેથી તારી પાછળ આવીને તને પકડ્યો છે, હવે તારા પર કેસ કરવાનો છે, તારે અમારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે. તેમ કહેતાં હું ગભરાઇ ગયો હતો અને કહેલુ કે-મારા ભાભી હોસ્પિટલમાં દાખલ છે, મારે ત્યાં જવું પડે તેમ છે. તમારી રીતે જે થતું હોય તે પુરુ કરો. ત્યાર પછી બંનેએ મને કહેલુ કે તારા ગૂગલ પે એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તેમ પુછતાં મેં તેને 4500 જેવા છે તેમ જણાવતાં પાતળા બાંધાવાળા શખ્સે મારા એક્ટીવાની ડેકી ખોલીને જોતાં અંદર 500ની નોટોનું 25 હજારનું બંડલ હોઇ તે ઉઠાવી લીધુ હતું અને કહ્યું હતું કે જો કેસ થવા દેવો ન હોય તો આ રૂપિયા અમને આપી દે.
જેથી મેં તેને આ રકમ મારા ભાભીની સારવાર માટે જરૂર પડશે તેમ કહી પાછા આપી દેવાનું કહેતાં બંનેએ મને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોલીસ સ્ટેશને લઇ જવાનું કહેતાં હું ડરી જતાં તેને પૈસા લઇ જવાનું કહેતાં તેણે ડેકીમાંથી રૂપિયા લઇ લીધા હતા. એ પછી મજબૂત બાંધાના શખ્સે તારે દવાખાનાનું કામ છે તો આ બે હજાર પાછા રાખ તેમ કહી બે હજાર આપી 23 હજાર લઇ લીધા હતાં. હું ત્યાથી નીકળી ગયા બાદ સર્વિ રોડ પર જઇને એક અજાણ્યા ભાઇ ઉભા હતાં તેને વાત કરતાં એ ભાઇએ કહેલુ કે પોલીસની ખોટી ઓળખ આપી તારી પાસેથી કદાચ પૈસા લઇ ગયા હશે તું પોલીસને ફોન કર અથવા ચુનારાવાડ ચોકમાં થોરાળા પોલીસ સ્ટેશને જઇને ફરિયાદ કર.
ભાવેશે આગળ જણાવ્યું હતું કે ત્યારબાદ મેં 100 નંબરમાં ફોન કરતાં ગાડી આવી હતી અને મને પોલીસ સ્ટેશને લઇ જતાં મેં બંને શખ્સનું વર્ણન પોલીસને જણાવ્યું હતું. પણ મારા ભાભી હોસ્પિટલમાં હોઇ મારે ત્યાં પહોંચવું હોઇ મેં ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી. બીજા દિવસે મે ફરીથી પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધાઇ હતી. થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.આર. ડોબરીયા, પીએસઆઇ સી. વી. ચુડાસમાએ ગુનો નોંધતા ડી. સ્ટાફ ટીમે બે શકમંદ શખ્સને સાણસામાં લઇ પુછપરછ શરૂ કરી છે. વધુ ભેદ ખુલવાની પણ શક્યતા છે.