ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા, અહેવાલોને નકારી કાઢ્યા
નવીદિલ્હી, તા. 20
ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે સુવર્ણ મંદિર સંકુલમાં કોઈ હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરવામાં આવી નથી. સોમવારે, ભારતીય સેનાએ મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે અમૃતસરના દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ખાતે હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરવામાં આવી છે. સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે ત્યાં કોઈ હવાઈ સંરક્ષણ બંદૂક કે કોઈપણ સંબંધિત સંસાધનો તૈનાત કરવામાં આવ્યા નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની બદલો લેવાની કાર્યવાહી બાદ અમૃતસરના સુવર્ણ મંદિરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવાના વિરોધાભાસી અહેવાલો વચ્ચે, સેનાએ સ્પષ્ટતા કરી છે કે પવિત્ર મંદિરમાં કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી ન હતી.
ભારતીય સેનાએ મંગળવારે કહ્યું કે સુવર્ણ મંદિરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવાના મીડિયા અહેવાલોનું ખંડન કરવામાં આવ્યું છે. સેનાએ સ્પષ્ટતા કરી કે શ્રી દરબાર સાહિબ અમૃતસર (સુવર્ણ મંદિર) ખાતે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી કે અન્ય કોઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે એક મીડિયા રિપોર્ટમાં સેનાના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન તરફથી બદલો લેવાની ધમકીને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિરમાં વાયુ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી હતી. આ પછી, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય ગ્રંથીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે મંદિરમાં વાયુ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવામાં આવી નથી.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે 7-8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે મંદિરની બહારની લાઇટો બંધ કરવા અને બંદૂકો તૈનાત કરવાની પરવાનગી મુખ્ય ગ્રંથિ પાસેથી મળી હતી. મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ એમ પણ કહ્યું કે સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ અને ઈંૠ-70 બંદૂકોની મદદથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, જેના કારણે સુવર્ણ મંદિર સહીસલામત રહ્યું.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરજિંદર સિંહ ધામી અને મુખ્ય ગ્રંથી જ્ઞાની રઘબીર સિંહે સોશિયલ મીડિયા પર ફરતા આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. ધામીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે બ્લેકઆઉટ માટે ફક્ત બહારની લાઇટ બંધ કરવાની વિનંતી કરી હતી, જેનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ બંદૂકો તૈનાત કરવાની કોઈ વાત થઈ ન હતી. પરંતુ સેના સુરક્ષા માટે વ્યવસ્થા કરી રહી છે.