પોલીસને વાહનો મૂકીને ભાગી જવું પડ્યું : પહેલા એક મહિલાના ઘરે સોડા બોટલના ઘા કર્યા બાદ પોલીસ પર કર્યો હુમલો : વાહનોમાં કરી તોડફોડ : જુદા જુદા બે ગુન્હા દાખલ
રાજકોટ, તા.4
રાજકોટમાં સમયાંતરે પોલીસના અસ્તિત્વ સામે પડકાર રૂૂપ ઘટનાઓ બની રહી છે. બુટલેગરો ફાટીને ધૂમાડે ગયા હોય તેમ પોલીસનો ડર રહ્યો નથી. પહેલા ખાખી સામે એકીટસે જોવાની પણ કોઈનામાં હિંમત નહોતી ચાલતી, આજે પોલીસ પર હુમલા થાય છે, બખેડા થાય છે, પોલીસને જીવ બચાવવા નાસવું પડે છે. અને હા, આવું બધું બિહાર જેવા રાજ્યમાં થતું હોય તો સામાન્ય કહેવાય પણ હવે રંગીલા રાજકોટમાં આવી ઘટના બની રહી છે. આ વાતની સાબિતી આપતી અને પોલીસ માટે શરમરૂૂપ ઘટના ગઈકાલે સાંઢીયા પુલ નજીકના સ્લમ કવાર્ટરમાં પ્રનગર પોલીસ સાથે બની ગઈ. એક મહિલાના ઘરે અમુક શખ્સોએ સોડાબોટલના ઘા કરી આતંક મચાવ્યાની જાણ પરથી પોલીસ ત્યાં પહોચી પણ કહેવાય છે કે લુખ્ખાગીરી વચ્ચે આતંક મચાવનાર તત્વોએ પોલીસના વાહનોમાં પણ ધોકા ફટકારી નુકશાન પહોચાડતા એક તબક્કે પોલીસને વાહનો મૂકી નાસી જવું પડ્યું હતું.
દરમિયાન મોડેથી મળતા અહેવાલ મુજબ ફરિદાબેન શેખની ફરિયાદ નોંધ્યા બાદ પાંચ શખ્સો પૈકીના સમીર ઉર્ફે ધમોની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટના પર નજર કરીએ તો શહેરના રૂૂખડિયા પરા, મેલડીમાતાજીના મંદિર પાસે રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખએ પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ તરીકે માજીદ ભાણું, સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધામો, સાહિલ ભૂરો અને એક અજાણ્યો શખ્સ એમ તમામના નામ આપ્યા છે.
ફરિયાદમાં ફરીદાબેને જણાવ્યું છે કે, આજથી એક વર્ષ પહેલા તેણીના જમાઈ શબીરના નાના ભાઈ અનવરને બજરંગવાડી વિસ્તારમાં રહેતા માજીદ અને તેન મિત્રો સાથે માથાકૂટ થયેલ હતી જે વાતનો ખર રાખીને તા. 3 ની રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ ફરીદાબેન પોતાના ઘરે હતા ત્યારે તેમના દીકરા સાજીદના નામે કોઈ જોર જોરથી બહાર બૂમો પાડતું હતું. જે સાંભળી બહાર આવતા માજીદ અને તેના મિત્રો સાવન, સમીર, સાહિલ તેમજ એક અજાણ્યો શખ્સ એમ ચારેયને સાજીદનું શું કામ છે તેવું ફરીદાબેને પૂછતા આ ચારેય શખ્શો કહેવા લાગ્યા હતા કે ” તમને બધાને બહુ હવા છે તેમ કહીને પોતાના નેફામાંથી છરી કાઢી, બતાવી ગાળો ભાંડવા લાગ્યા હતા.
આ સમયે ફરીદાબેને ગાળો બોલવાની નાં પડતા જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્શોએ પોતાની પાસે રહેલી કાચની બોટલોના ઘા કરવા લાગ્યા હતા.જો કે પોલીસને બોલાવી લેતા ચારેય શખ્શો નાસી છૂટ્યા હતા.આ બનાવની ફરીદાબેને ફરિયાદ નોંધાવતા પ્રનગર પોલીસના પ્રો.પીએસઆઈ જે.એમ.જાડેજા દ્વારા ચારેય શખ્શોની શોધખોળ આદરાઈ છે.બીજીબાજુ માજીદ આણી મંડળીના 12-13 શખ્શો સામે નોંધાયેલા ગુન્હાની વિગતો જોઈએ તો, પ્રનગર પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રીયાઝ્ભાઈ મહમદભાઈ ભીપોત્રાએ સરકાર તરફે ફરિયાદી બની પ્રનગર પોલીસમાં માજીદ રફીક ભાણું અને તેની સાથેના 10થી 12 શખ્શો સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં રીયાઝ્ભાઈએ જણાવ્યું છે કે, તા. 4 ના રોજ રાત્રીના તેઓ એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા તેમ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે સાડા બારેક વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનેથી સર્વેલન્સ સ્કોડના પો.કો. તોફીક્ક્ભાઈ દાદુભાઈએ ટેલીફોનીક જાણ કરીને રૂૂખડિયા પરા વિસ્તારમાં માથાકૂટ થઇ હોય, બીજો કોઈ બનાવ બને તે પહેલા બંદોબસ્ત માટે રૂૂખડિયાપરા, મેલડી માતાજીના મંદિર પાસે જવા કહ્યું હતું.
દરમિયાન ઉપરોક્ત સ્ટાફ મેલડી માતાજીના મંદિર પાસે પહોચતા ત્યાં પીઆઈ પી.આર.ડોબરિયા તેમજ પીએસઆઈ બેલીમ તેમજ તોફીકભાઈ મંધરા હાજર હતા.
ત્યાં જઈને મામલો જાણતા એવું જાણવા મળ્યું હતું કે, મજીદ આણી મંડળીએ ફરીદાબેન નામની મહિલાના ઘરે આતંક મચાવ્યો હતો. તે તમામ આરોપીની શોધખોળ માટે જામનગર રોડ પર સાંઢીયા પુલ, સ્લમ ક્વાર્ટર કમિટી ચોક ખાતે પોલીસ કાફલો પહોચતા માજીદ ભાણું સહિતના 10-12 શખ્શો ત્યાં ટોળું વાળીને ઉભેલા જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે લઘુમતિ સમાજની મહિલાના ઘરે આતંક મચાવનાર તેમજ પ્ર.નગરના પોલિસ સ્ટાફ પર હુમલો કરનાર આરોપી માજીદ ભાણુ ગુજસિટોકનો આરોપી છે તેમજ અગાઉ નાના-મોટા અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ જણાવે છે.
પોલીસ હોય તો શું થઇ ગયું ? અમે આ વિસ્તારના ડોન છીએ તેમ કહી માજીદ સહિતની ટોળકીનો પોલીસ પર હુમલો
પોલીસ કાફલો રૂૂખડિયા પરામાંથી સાંઢીયા પુલ પહોચતા ત્યાં ઉભેલા માજીદને બોલાવતા તેમણે કહ્યું હતું કે ” તું પોલીસવાળો હોય તો શું થઇ ગયું ? અમે આ વિસ્તારના ડોન છીએ તેમ કહી પોલીસ સ્ટાફ સાથે ઝગડો કરવા લાગ્યો હતો અને અનેક વખત સમજાવવા છતાં માજીદ સમજ્યો ના હતો અન એંગ્ર બોલાચાલી કરી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો ? તેવું કહ્નીને રીયાઝભાઈ સાથે ઝપાઝપી પર ઉતરી આવીને વાંસામાં ઢીકો મારી દીધો હતો.
આ સમયે સહ કર્મચારી મયુરરાજસિંહે તેમને છોડાવતા માજીદ આણી મંડળીના સાગરીતોએ બેફામ ગાળો ભાંડી છુટા પથ્થરના ઘા કરવા લાગ્યા હતા.
એટલુજ નહિ બંને પોલીસ કર્મચારીના બાઈકો પર પથ્થરના ઘા, ધોકા મારી તોડફોડ કરવા લાગતા એક તબ્બકે વાહનો મુકીને પોલીસને ભાગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
બનાવની ફરિયાદ પરથી પીએસઆઈ જે.એમ જાડેજાએ માજીદ ભાણું સહીતના 12-13 શખ્શો સામે બીએનએસ 121(1), 324(4), 352, 189(2), 191(2), 190,125, જીપી એક્ટ 135 મુજબ ફરજમાં રુકાવટ કરી, ગેરકાયદેસર મંડળી રચી, પોલીસને મુંઢ માર મારી બાઈકમાં નુકશાની કરી, છુટ્ટા પથ્થરના ઘા મારી, લાકડાના ધોકા વતી આતંક મચાવવા સબબ ગુન્હો નોંધાવતા પોલીસે તમામ શખ્શોની ધરપકડની કવાયત આદરી છે.
મહિલાની ફરિયાદમાં સમીર ઉર્ફે ધમાની ધરપકડ
ફરિદાબેન શેખની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે પાંચ શખ્સો સામે ગુન્હો નોંધી તમામની શોધખોળ આદરી હતી તે દરમિયાન પોલીસે સમીર ઉર્ફે ધમા નામના શખ્સની ધરપકડ કરીને અન્ય ચારની શોધખોળ ચાલુ રાખી છે.