પૂના GST કૌભાંડના “વોન્ટેડ” આરોપી રાહુલ બારૈયાને પોલીસે ઝડપી લીધા બાદ જવા દીધો ? બાવીસ લાખના તોડની ચર્ચા
એક રાત્રી અને આખો દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ મંગળવારે સાંજે “બાઈજ્જત” છૂટકારાની ચર્ચાથી ચકચાર
રાજકોટ,તા.9,
શહેર પોલીસની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં ઘંટેશ્ર્વર પાસે 10 પેટી, મવડી રોડ પરથી 10 પેટી અને રાજનગર (લક્ષ્મીનગર) પાસેથી 22 પેટી દારૂ ઝડપાયા બાદ કેસનાં ગોટાવાળી દિધાની પોલીસ બેડામાં થતી ચર્ચા હજુ શમી નથી ત્યાં જ સોમવારે સરધાર પાસેથી પૂનાના 5 થી 8 હજાર કરોડના જીએસટી કૌભાંડનો ફરાર આરોપી મનાતા ‘રાહુલ’ને પકડી લીધા બાદ એક રાતને એક આખો દિવસ લોક-અપમાં રાખ્યા બાદ 22 લાખ જેવા તોડ કરાયા બાદ જવા દેવાયાની ચર્ચાથી ખળભળાટ મચ્યો છે.
એમ કહેવાય છે કે ‘ઘર ફુટે ઘર જાય’ તેવી ઉક્તિ મુજબ સાગ્રીતે જ બાતમી આપી દેતા ગત ઓકટોબર 2024માં પૂનામાં ઝડપાયેલ આઠેક હજાર કરોડના જીએસટી કૌભાંડના ડઝનેક આરોપી માહેનો એક આરોપી મનાતો રાહુલ નામના શખ્સને શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચના સિંહ જેવુ નામ ધરાવતા પોલીસ અધિકારીએ સરધાર આઉટ પોસ્ટ પાસેથી ઈનોવામાંથી ઝડપી લઈ મુખ્ય મથકે લઈ આવીને દોઢ દિવસ રાખી અંતે 22 જેવા આંકડાથી જવા દેવાયાનું મનાય છે.
ગત ઓકટોબર માસમાં પૂના ખાતે નોંધાયેલા જીએસટી કૌભાંડનો ફરાર મનાતો આરોપી રાહુલ પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદથી સાળંગપુર દર્શન કરી રાજકોટ આવી દીવ-સોમનાથ અને દ્વારકાના પ્રવાસે જવાનો હતો પરંતુ પોલીસને મળેલ મનાતી સચોટ બાતમીના આધારે સરધાર નજીક તેને ઝડપી લેવાયો હતો.
એમ કહેવાય છે કે રાહુલનો પરિવાર રાત્રે એક હોટલમાં રોકાયો હતો અને રાહુલ પોલીસ કસ્ટડીનો ‘ઓન-એ-ઓન’ મહેમાન બન્યો હતો.
એમ કહેવાય છે કે પ્રથમ અડધા ખોખાની માંગણી થઈ હતી પરંતુ બાદમાં પંદર લાખમાં મામલો સેટ થયો હતો પરંતુ બીજા દિવસે સવારે પોલીસનો મૂડ ફર્યો હતો અને સેટીંગ ફગાવાયાનું પોલીસ બેડામાં છાના ખૂણે ચર્ચાય છે.
ચર્ચાતી વિગતો મુજબ આખી રાત પોલીસનો મહેમાન બનેલા રાહુલે ફરી જાણકારોને કામે લગાડયા અને એમ કહેવાય છે કે અંતે મંગળવારે સાંજે રાહુલને છુટકારો 22 લાખમાં પડયો હતો. ચર્ચાતી વિગતો મુજબ પૂનાનો વોન્ટેડ મનાતો રાહુલ થોડો સમય પહેલા મુંબઈમાં પણ પોલીસના હાથે પકડાયો હતો અને એ સમયે પણ તેને છુટકારો પાંચેક લાખમાં પડયાનું મનાય છે.
પોલીસ અને રાહુલ વચ્ચેન કથિત તોડકાંડમાં રાહુલના રાજકોટના સાગ્રીતોએ મહત્વની ભૂમિકા ભજવ્યાનું પોલીસ બેડામાં ચર્ચાય છે. વોન્ટેડ આરોપી રાહુલ કયા કેસમાં વોન્ટેડ હોવાનું મનાય છે તે અંગે રાજકોટ મિરરે તપાસ કરતાં એવું મનાય છે કે..
ઓટો રિક્ષા ચાલકના નામે નોંધાયેલ પુણે સ્થિત નકલી કંપનીની તપાસ કરતા,GSTઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DGGI)ના અધિકારીઓએ રૂ. 5,000 કરોડથી રૂ. 8,000 કરોડ સુધીના મોટા નકલી GST પેઢીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. DGGI, પુણે ઝોનલ યુનિટના અધિકારી રૂષિ પ્રકાશ (39)એ પુણે શહેરના કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાવી હતી. મુખ્ય આરોપી, સુરત, ગુજરાતના રહેવાસી અશરફભાઈ ઈબ્રાહીમભાઈ કાલાવડિયા (50) પર 246 નકલી GST કંપનીઓ ખોલવાનો આરોપ છે, જેનો ઉપયોગ કરીને તેણે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે કલવાડિયાની સાથે પોલીસે નીતિન બર્જ, ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, ઉલ્હાસ નગરના અમિત તેજબહાદુર સિંહ, રાહુલ બરૈયા, કૌશિક મકવાણા, જિતેન્દ્ર ગોહેલ અને અન્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420, 465 હેઠળ ગુનો નોંધ્યો છે.IPC, 467, 471, 120 (B), 34 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, ઓક્ટોબર 2023 માં, DGGI ટીમે પુણેમાં પૂણે સોલાપુર હાઇવે પર ગિર્ની શેવાલવાડી સ્થિત ’પઠાણ એન્ટરપ્રાઇઝિસ’ના ઑનલાઇન એકાઉન્ટ્સમાં શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા હતા. તપાસ દરમિયાન ડીજીજીઆઈને જાણવા મળ્યું કે પઠાણ એન્ટરપ્રાઈઝ આ સ્થાન પર અથવા અન્ય કોઈ જગ્યાએ હાજર નથી. જો કે, તે ગુજરાતના ભાવનગરના રહેવાસી પઠાણ શબ્બીરખાન અનવર ખાનના નામે નોંધાયેલું હતું. જ્યારે DGGI ટીમે ખાનને શોધી કાઢ્યો, ત્યારે તે એક ઓટો રિક્ષા ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું, જે તેના નામે નોંધાયેલી કંપની વિશે સંપૂર્ણપણે અજાણ હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે પઠાણ એન્ટરપ્રાઈઝ કંપનીના ચોક્કસ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી ઘણી નકલી GST કંપનીઓ નોંધાયેલી હતી. શંકાસ્પદ રેકોર્ડની તપાસ કરતી વખતે, તપાસ ટીમને ગુજરાતના રાજકોટમાં એક ICICI બેંક એકાઉન્ટ મળ્યું, જે જીત કુકડિયાના નામે નોંધાયેલું હતું. જોકે, GST અધિકારીઓએ કુકડિયાની તપાસ કરતાં તે ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું અને આરોપી કૌશિક મકવાણા અને જીતેન્દ્ર ગોહેલ માટે આ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. કુકડિયાએ પોતે આ બેંક ખાતામાંથી ક્યારેય કોઈ નાણાકીય વ્યવહાર કર્યો નથી.
ઉપરોકત વિગતો જોતા જીએસટી વિભાગ અને પૂના પોલીસ માટે ફરાર મનાતા મહત્વના આરોપી રાહુલને પૂના પોલીસના હવાલો કરવાના બદલે જવા દેવાયાની વાત જો સાચી હોય કે ઉપરોકત વિગતોમાં તથ્ય હોય તો રાજકોટ પોલીસ માટે આ વધુ એક શરમજનક ઘટના હશે.
એમ કહેવાય છે કે રાહુલ બટુકલાલ બારૈયાના રાજકોટમાં ઘણા સાગ્રીતો છે અને તેનું જીએસટી કૌભાંડના મુળીયા રાજકોટ ગોંડલ સહિતના વિસ્તારો સાથે જોડાયેલા છે. રાહુલને પોલીસના સંકજામાંથી છોડાવવા માટે શહેરના અમુક બુટલેગર કે જુગાર કલબના સંચાલકોએ પ્રયત્ન કર્યાનું મનાય છે.