વિજ કર્મચારીઓ સામે સીનસપાટા કરનારા 4 સામે ફોજદારી
આરટીઓ પાછળ શિવમ્ સોસાયટીમાં પીજીવીસીએલના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા: બી-ડિવીઝન પોલીસે એફઆઇઆર દાખલ કરી
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 10
રાજકોટ: શહેરમાં પીજીવીસીએલના બે કર્મચારી સાથે તેઓ વીજ બીલ નહિ ભરનારા ગ્રાહકનું વીજ કનેક્શન કટ કરવા આરટીઓ કચેરી પાછળના વિસ્તારમાં ગયા ત્યારે ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં ચારેય સામે એફઆઇઆર દાખલ કરાવવામાં આવી છે. બબ્બે મહિનાનું લાઇટ બીલ નહિ ભરનારા આ ચારેયને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવાનું અને ડખ્ખો કરવાનું ભારે પડી ગયું હતું.
આ ઘટના આરટીઓ કચેરીની પાછળ શિવમનગરમાં બની હતી. વિજ કનેકશન કાપવા માટે ગયેલા પીજીવીસીએલના બે કર્મચારી સાથે માથાકુટ કરી અપમાનીત કરનારા મકાન માલીક સહિત ચાર વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આટકોટ ગામમાં લીમડી પીપડી ચોક પંચાયત ઓફીસ પાસે રહેતા જયંતીભાઇ ગોવિંદભાઇ દાફડાએ બી-ડીવીઝન પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી છે. જેમાં આરોપી તરીકે માકેટીંગ યાર્ડ પાસે આરટીઓ ઓફીસની પાછળ શિવમનગર શેરી નં. 5 માં રહેતા રાહુલ દિનેશભાઇ મકવાણા, દિનેશ ભીમજીભાઇ મકવાણા તથા બે પુત્રના નામ આપ્યા છે. પોતે ગુજરાત વિદ્યુત બોર્ડ નીગમ કંપનીમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. પોતાની નોકરી દરમ્યાન કોઇ ગ્રાહકે વીજબીલ ભરેલ ન હોઇ તે ગ્રાહકનું વીજ કનેકશન કટ કરવાની કામગીરી કરે છે. પોતાની સાથે અન્ય કર્મચારીઓ પણ હોય છે.
દરમિયાન જયંતિભાઇ અને તેની સાથે તુષારભાઇ સુરેશભાઇ ચોટલીયા (રહે. સરદારનગર સોસાયટી) બંને ચુનારાવાડ ચોક દુધ સાગર રોડ પર રણછોડનગર સબ ડીવીઝન ખાતે હતા. ત્યાં જે ગ્રાહકે વીજબીલ ભરેલું ન હોઇ તે ગ્રાહકોનું લીસ્ટ લઇ આર.ટી.ઓ. ઓફીસ પાછળ શીવમનગર-5માં ગ્રાહક મીરાણી વિશનદાસ વીરૂમલ નામનું વીજકનેકશન હોઇ જેના છેલ્લા બે મહિનાનું લાઇટ બીલ તથા તે પહેલાના રૂા. 4459 ભરવાના બાકી હોઇ અને અવારનવાર કર્મચારીઓ રૂબરૂ જઇ બીલ માંગવા જવા છતા ભરતા ન હોઇ અને રાહુલ આ મકાનમાં રહેતો હોઇ અગાઉ પણ તેની પાસે લાઇટબીલ- લેવા ગયા ત્યારે રાહુલ અને તેના પરીવારે ગાળો આપી ઝધડો કર્યો હોઇ ફરીથી સ્ટાફ સાથે તેનું વીજ કનેકશન કાપવા માટે ગયા ત્યારે રાહુલે કહેલ કે હું વકીલ છું અને મારૂનામ રાહુલ દિનેશભાઇ મકવાણા અને તમે આવી રીતે આમારૂ લાઇટ કનેકશન કટ ન કરી શકો કહી માથાકુટ કરી હતી.
આથી જયંતિભાઇએે તમે ઘણા સમયથી લાઇટ બીલ ભરેલ નથી તેથી વીજ કનેકશન કાપવાનું છે.
કહી પોતાની સાથેના કર્મચારી તુષારભાઇએ તેનું વીજ કનેકશન કાપી નાખ્યુ હતું તે દરમ્યાન રાહુલ તેના પિતા દિનેશ અને તેના બે ભાઇઓ આવી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી શેરીમાં માણસો ભેગા કરી ગાળો બોલવા લાગ્યા હતા પોતે ગાળો બોલવાની ના કહેતા રાહુલે પોતાને ધકકો મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો દીધી હતી. તેમજ ધમકી આપી હતી. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના માર્ગદર્શનમાં હેડ કોન્સ હિતેષભાઇ જોગડા તથા રાઇટર રાજાભાઇએ સ્થળપર પહોંચી ચારેય વિરૂધ્ધ એટ્રોસીટી અને ફરજમાં રૂફાવટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.