જૂનાગઢમાં નેશનલ રેફરલ સેન્ટર-વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ કર્યો, સાથે કોઈમ્બતુરમાં માનવ-વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે રેફરલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી
રાજકોટ, તા. 3
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL)ની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે 16મી એશિયાટિક સિંહની વસ્તીનું મૂલ્યાંકન મે મહિનામાં હાથ ધરવામાં આવશે.વડાપ્રધાને જૂનાગઢમાં નેશનલ રેફરલ સેન્ટર-વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ કર્યો હતો અને રિવર ડોલ્ફિન પરના પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. વધુમાં, તેમણે તમિલનાડુના કોઈમ્બતુરમાં માનવ-વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે રેફરલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી.
આ પહેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સ્થિત ગીર નેશનલ પાર્કમાં લાયન સફારીની મજા માણી હતી. આ મુલાકાતમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અન્ય ગઇઠક સભ્યો પણ હાજર હતા વડાપ્રધાન મોદીએ ’ડ’ પર એક પોસ્ટમાં કહ્યું કે એશિયાટિક સિંહની વસ્તી વધી છે, અને આમાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓનું યોગદાન પ્રશંસનીય છે. તેમણે કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા સમયની ઘણી યાદો તાજી થઈ ગઈ.
કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન હેઠળ રૂ. 2,900 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે અને હાલમાં તેઓ રાજ્યના નવ જિલ્લાના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વસવાટ કરે છે અને 20.24 હેક્ટર જમીનમાં નેશનલ રેફરલ સેન્ટરની સ્થાપના સાથે જૂનાગઢ જિલ્લાના નવા પીપળ્યા ખાતે આધુનિક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન, તેમણે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી સ્થિત વંતરા વાઇલ્ડલાઇફ સેન્ટરની મુલાકાત લીધી હતી.
મીટિંગ દરમિયાન, મોદીએ દેશમાં પ્રથમ વખત કરવામાં આવેલ નદી ડોલ્ફિન અંદાજનો અહેવાલ રજૂ કર્યો, જેમાં કુલ 6,327 ડોલ્ફિનનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. તેમાં 8 રાજ્યોમાં 28 નદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 8,500 કિલોમીટરથી વધુનું અંતર કાપવા માટે 3150 દિવસ ફાળવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે, ત્યારબાદ બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ છે.
પ્રોજેક્ટ લાયન માટે રૂ. 2900 કરોડની મંજૂરી
વડા પ્રધાન NBWLના હોદ્દેદાર અધ્યક્ષ છે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન બોર્ડના ઉપાધ્યક્ષ છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ’એશિયાટિક સિંહોના નિવાસસ્થાનને બચાવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.’ પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં વાઘ, ચિત્તા, ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવોની કેટલી ઊંડી પ્રશંસા કરીએ છીએ.
વન્યજીવન ટ્રેકિંગ માટે મોનિટરિંગ સેન્ટરની સ્થાપના
“સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, સાસણ ખાતે વાઇલ્ડલાઇફ ટ્રેકિંગ માટે હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને અત્યાધુનિક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે,” રિલીઝમાં જણાવાયું છે. બૃહદ ગીર પ્રદેશમાં રેલ્વે ટ્રેક પર સિંહોની હિલચાલને કારણે સંભવિત અકસ્માતોને રોકવા માટે રાજ્ય સરકારે રેલ્વે સાથે મળીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ તૈયાર કરી છે. તેનાથી આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
