હે સોમનાથ મહાદેવ…
ગુજરાતની વહીવટી તાકાત અને સરકારની તાકાત સોમનાથ દાદાના સાનિધ્યમાં ચિંતન કરી રહી છે. ત્રીદિવસીય ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી સહીત પ્રધાનો-સચિવોથી માંડીને કલેક્ટર-ડીડીઓ પણ બેઠકમાં હાજર છે. આ હાઈપાવર બેઠક ગણાય. બેઠકમાં ગુજરાતની ભાવિ અને વર્તમાન સ્થિતિ અને દિશા અંગે ગંભીરતાથી ચિંતન થઇ રહ્યું છે. આપણે સોમનાથ દાદાને પ્રાથના કરીએ આ બેઠક પ્રભાવી, ઉર્જાવાન અને પરિણામલક્ષી બને.
ગુજરાત વિકસિત,સમૃદ્ધ અને આગળ પડતું રાજ્ય ગણાય છે. રાજ્યના દરેક ખૂણે ખૂણે ધમધોકાર વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. અનેક બાબતોમાં ગુજરાત દેશ- દુનિયા માટે પ્રેરક છે. મોદીજી અને અમિત શાહ જેવા તાકાતવર ગુજરાતી વ્યક્તિત્વો રાષ્ટના નિર્ણાયક પદ પર છે. મોસાળે જમણ અને માં પીરસનાર જેવી સ્થિતિ હાલ ગુજરાત માટે છે. આ સ્થિતિમાં ગુજરાત દેશ-વિદેશમાં ઝગમગે તે સ્વાભાવીક બાબત છે.
દરેક યુગમાં દૈવી સાથે રાક્ષસી તાકતો પણ કાર્યરત રહી છે. વર્તમાનમાનમાં ગુજરાતમાં નકારાત્મક તાકાતનું અસ્તિત્વ રાજ્ય માટે ચિંતા અને પડકાર ગણાય. ડ્રગ્સથી માંડીને દારુ સુધીના ભયાવહ નશાની ગેરકાયદે પ્રવૃત્તિ ક્રૂર પ્રકારના ગુન્હામાં વધારો થતા વહીવટી તંત્રના શંકાસ્પદ વ્યવહારો રાજ્યની મુખ્ય સમસ્યા બની ગઈ છે. પેટા સમસ્યામાં રાજ્યના દરેક ખૂણે વિધર્મીઓ અને અસામાજિકોની ઝેરીલી દ્રષ્ટિ અગ્રેસર છે. આ ઉપરાંત આર્થિક- સામાજિક-ધાર્મિક પડકારો પણ છે.
ઊંડાણથી ચિંતન કરતા એવું સમજાય છે કે, કોઈક તાકાત ગુજરાતમાં અરાજકતા ફેલાવવાથી માંડીને રાજ્યને અકારણ બદનામ કરવા જોર-શોરથી સક્રિય છે.
આ તમામ પ્રકારના પડકારોનો સામનો ગુજરાત સરકાર કરી જ રહી છે. ધારાસભા ગૃહમાં શાસક ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. રાજકીય તાકાતએ નિર્ણયો થઈ જ રહ્યા છે. નિર્ણયોના અમલમાં અધિકારીવર્ગ માંડીને વહીવટી તંત્રની ભૂમિકા ચિંતનનો વિષય છે. વહીવટી તંત્રને જવાબદાર બનાવવું ગુજરાતની મુખ્ય જરૂૂરિયાત છે. નિર્ણાયક પદે મોટાભાગના અધિકારીઓ પરપ્રાતીય છે, જેને ગુજરાતના ઈતિહાસ, પરંપરા, રાજ્યનો સ્વભાવ વિશેષતા-મર્યાદાનો વધારે ખ્યાલ ન હોય એ સ્વાભાવીક છે. આવા અધિકારીઓ પાસે કાર્ય કરાવવું એ પણ સામાન્ય પડકાર નથી.
આ તમામ પ્રકારનો સામનો કરવા શાસકો સક્ષમ છે. પોઝીટીવ તાકતોની અછત નથી, ભરપુર છે, પરંતુ આ ઉર્જાઓ યોગ્ય દિશામાં ગતિ કરે અને નિશ્ચિત ફોકસ પર પ્રહાર કરે તે જરૂૂરી છે. ચિંતન શિબિર સમગ્ર ગુજરાત માટે કલ્યાણકારી સાબિત થાય અને ગુજરાતમાં સુવિધા સાથે સુખકારી પણ વિકસે તેવી સોમનાથ દાદાને પ્રાથના છે.
