લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓનો ખાતમો.
નવીદિલ્હી, તા. 13
ઑપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ફરી એકવાર હરકતમાં આવ્યા છે. મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પછી થોડી વારમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર શોપિયાના જામ્પાથ્રી કેલર વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પહેલો આતંકી શાહિદ અહમદ શોપિયાંના ચોટિપોરા હીરપોરાનો રહેવાસી હતો. તે 08 માર્ચ, 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો હતો. બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયાના વાચીમાં સ્થળાંતરિત મજૂરની હત્યામાં સામેલ હતો. ત્રીજો આતંકવાદી આમીર અહેમદ ડાર હતો જે 28 વર્ષનો હતો.
સુરક્ષા દળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના શોપિયાના જામ્પાથ્રી વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. આ આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. સુરક્ષા દળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાને ચારે બાજુથી ઘેરી લીધો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું હતું કે પહલગામ હુમલા પછી, પાકિસ્તાની અને બાંગ્લાદેશી હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા હતા. તેમાંથી ફક્ત 150 જ સફળ થયા.સુરક્ષા દળોથી ઘેરાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન સુરક્ષા દળોએ પણ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી. સતત ગોળીબાર થઈ રહ્યો હતો. આખરે એક આતંકવાદીને ગોળી વાગી અને તે નીચે પડી ગયો. આ સમય દરમિયાન બે આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેમને પણ ઠાર કર્યા હતા.
ત્રણેય આંતકવાદીઓને ઠાર ખર્યા બાદ શોધખોળ દરમિયાન, સુરક્ષા દળોને મોટી માત્રામાં દારૂગોળો, હથિયારો અને ઘણા ગુપ્ત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંકળાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી હોવાથી ઑપરેશન ચાલુ રાખવામાં આવશે.