અપમૃત્યુનો સિલસિલો યથાવત: છ ઘટનાઓમાં બાળક, યુવાન, મહિલાઓનો ભોગ લેવાયો
નવજાત દિકરી દૂધ પીતી નહોતી અને રડતી હતી તેની ચિંતામાં પિતાએ આપઘાત કર્યો: એક પરિણીતા માટે અગનજ્વાળા મોત બની: મહિલા અને યુવાનના બેભાન હાલતમાં થયા મૃત્યુ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા. 13
અલગ અલગ બનાવોમાં અપમૃત્યુના છ કિસ્સા પોલીસ ચોપડે ચડ્યા હતાં. જેમાં દોઢ વર્ષના એક માસુમ બાળકને હસતાં રમતાં સાવ અચાનક મોત મળી ગયું હતું. રમતાં રમતાં તેણે દવા છાંટેલા કપાસના છોડને અડી લીધા બાદ ઝેરી દવાવાળા હાથે રોટેલો ખાઇ લેતાં મોત થયું હતું. બીજા બનાવમાં એક પિતાએ પુત્રી દુધ પીતી ન હોઇ અને સતત રડતી હોઇ તેની ચિંતામાં જીવ દીધો હતો. ત્રીજા બનાવમાં એક મહિલાને અગનજ્વાળા ભરખી ગઇ હતી. તો મહિલા અને યુવાનના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતાં. હાર્ટએટેકથી મોતથી ઘટના પણ યથાવત રહી હતી. જેમાં બેંકના મેનેજરની જિંદગીની સફર ખતમ થઇ ગઇ હતી.
ઘટનાઓ પર નજર કરીએ તો ટંકારાના ખાનપુરમાં શૈલેષભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના પરિવારના દોઢ વર્ષના બાળકે રમતાં રમતાં કપાસમાં દવા છાંટી હોઇ તેના છોડવાને હાથ અડાડ્યા બાદ ઝેરી દવાવાળા હાથે રોટલો ખાતાં ઝેરી અસર થતાં મોત થયું છે. વધુ માહિતી અનુસાર ખાનપુરમાં રહેતાં એમપીના રાકેશભાઇ વસુનીયાનો પુત્ર ઉસ્તમ કે જે દોઢ વર્ષનો છે તેને ગત નવમી તારીખે વાડીએ ઝેરી અસર થતાં ટંકારા, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેેડાયેલ. ગત રાતે તેનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઉસ્તમે રમતાં રમતાં કપાસના છોડને હાથ લગાવ્યા હતાં, છોડમાં ઝેરી દવા છાંટેલી હતી. બાદમાં આ બાળકે દવાવાળા હાથેથી રોટલો ખાધો હતો અને ઝેરી અસર થઇ હતી. તેમ પરિવારજનોએ કહ્યું હતું. મૃતક ઉસ્તમ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો.
બીજા બનાવમાં રાજકોટના સરધાર નજીકના ઉમરાણી ગામની સીમમાં આવેલી હકાભાઈ બકુતરાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા બાવીસ વર્ષના શિવા રાજુભાઈ વાસકેલ નામના યુવકે રાત્રીના સાડા આઠેક વાગ્યે હાજતે જવાનું કહીને ખેતરથી નજીકમાં જઇ કપાસમાં છાંટવાની મોનોકોટો નામની ઝેરી દવા પી લીધી હતી. એ પછી તે ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોએ તપાસ કરતાં તેના મોઢામાંથી દવાની ગંધ આવતી હોઇ તે દવા પી ગયાનું જણાતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર યુવક સાતેક મહિનાથી વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કામ કરતો હતો. સંતાનમાં લક્ષ્મી નામની દીકરી છે જે બે ત્રણ દિવસથી દૂધ પીતી નહોતી અને સતત રડતી હતી. તેણીને દવાખાને લઇ ગયા પછી પણ દૂધ પીવાનું ચાલુ ન કરતાં અને રડવાનું બંધ ન કરતાં તેની ચિંતામાં આ પગલુ ભરી લીધુ હતું.
ત્રીજા બનાવમાં જેતપુરના ભોમધારમાં રહેતી ત્રીસ વર્ષની શ્યામાબેન રાકેશ વર્મા ગત સાતમી તારીખના રોજ દાઝી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. શ્યામાબેન રાતે અગિયારેક વાગ્યે ગેસ ચાલુ કરવા જતાં ગેસ લિક થયેલો હોઇ ભડકો થતાં દાઝી ગઇ હતી. તેણી મુળ યુપીની વતની હતી. તેનો પતિ બોઇલર કંપનીમાં કામ કરે છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે.
બીજી તરફ હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાનો સિલસિલો પણ જેમનો તેમ રહ્યો હતો. વધુ એક બનાવમાં એક પરિવારે સ્વજન ગુમાવ્યા છે. રૈયા રોડ પર શાંતિ નિકેતન રેસીડેન્સી સામે આલાપ ગ્રીન નજીક શુભમ્ ડુપ્લેક્સમાં રહેતાં છેતાલીસ વર્ષના ભાવેશભાઇ જેરામભાઇ ભુવા સાંજે એકાએક ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. વધુ માહિતી અનુસાર ભાવેશભાઇ ભુવા આરડીસી બેંકની મવડી બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
જ્યારે આસ્થા ચોક રેલનગર લોર્ડ ક્રિષ્ના સોસાયટી-2માં રહેતાં ત્રેપન વષૃના હીનાબેન રાજેન્દ્રસિંહ જાડેજાને પેરેલીસીસ આવ્યો હોઇ તેમજ બીજી બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે. અન્ય એક બનાવમાં રણછોડનગર ભીમા લુણાગરીયા શેરીમાં પેડક રોડ પર રહેતાં ઓગણચાલીસ વર્ષના વિપુલભાઇ નટવરભાઇ કેરવાડીયા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. તે અપરિણીત હતાં અને એક વર્ષથી કેનસરની બિમારી લાગુ પડી હતી. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. આ તમામ બનાવોમાં હોસ્પિટલ પોલીસ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા અને ધર્મેન્દ્રભાઇ હુદડે જરૂરી કાર્યવાહી કરી હતી.