ડ્રાફ્ટ બજેટમાં ટાઉન પ્લાનિંગ શાખા માટે નવતર આયોજન : રોડ વિસ્તૃતિકરણ ન સાથોસાથ નવી ટીપી બનાવવા માટે પણ મુસદ્દો તૈયાર
રાજકોટ,.તા. 3
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કચેરીનો સૌથી મહત્વનો ભાગ અથવા તો કહી શકાય કે જે કામગીરી હોય તે એ છે કે શહેરનો શું આયોજિત વિકાસ થાય એટલું જ નહીં શહેરના લોકોને આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા પાણી અને લાઈટ ની સાથો સાથ ગટર જેવી સુવિધાઓ યોગ્ય રીતે મળતી હોય. વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાની તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી તેમાં રાજકોટના લોકોને ઘણો ખરો લાભ મળી શક્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ જુદા જુદા હેતુઓના અનામત પ્લોટ ની જમીન જેમકે ગરીબોના આવાસો તથા હાઉસિંગ જમીન ની સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કૂલ હોસ્પિટલ ગાર્ડન પાર્કિંગ વગેરે માટે અનામત પ્લોટની જમીન ફાળવી છે. બીજી તરફ ગ્રીન ઈનીસીએટીવ ના ભાગરૂૂપે અર્બન ફોરેસ્ટ માટેના અનામત પ્લોટની જમીન તેમજ રાજકોટ મહાનગરપાલિકાની આવક ના સ્ત્રોત માટે રહેણા તેમજ વાણિજ્ય હેતુના વેચાણ કરવા અંગેના પ્લોટ્સની જમીન પણ મળી છે. એટલું જ નહીં ઓછી આવક ધરાવતા નાગરિકો માટે આવાસો બનાવવા જરૂૂરી અનામત પ્લોટની પણ ફાળવણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે. શહેરીકરણના વધતા જતા વ્યાપને ધ્યાને લઇ વર્ટિકલ ડેવલોપમેન્ટ તરફ લોકો વળે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સિટી એરિયા “એ” સિવાયના વિસ્તાર માટે હાલ અમલમાં છે તેનાથી વધુ સેલેબલ એફ.એસ.આઈ.ની જોગવાઈ અમલમાં લાવવામાં આવેલ છે. આમ થવાથી રહેણાંક માટે જોઈતી જમીન ઉપર બોજો ઘટશે અને લોકોને પ્રમાણમાં સસ્તા રહેણાંક મળી શકશે. વેસ્ટ ઝોન સ્થિત બી.આર.ટી.એસ. પ્રોજેક્ટ માટે રિંગ રોડ લાગુ જમીનો માટે કુલ 4.00 જેટલી પેઈડ એફ.એસ.આઈ.ની મંજૂરી આપવામાં આવેલ છે. આ વિકાસ પરવાનગીઓની અરજીઓ થકી વર્ષ 2013 થી તા. 30 નવેમ્બર 2024 સુધી રૂૂ. 733.49 કરોડ ફી ની આવક થયેલ છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલે કે ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ઘણી મંદ પડી ગઈ છે અને જે કર્મચારી અને અધિકારીઓમાં જે જુસ્સો હોવો જોઈએ તે પણ જોવા મળતો નથી ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ઝડપભેર કામ કરવામાં આવે તે માટે એક યોગ્ય રોડ મેપ ઉભો કરવામાં આવશે જેના માટે જે સૂચિત બજેટ રજૂ કરવામાં આવ્યો તેમાં એક નહીં અનેક જોગવાઈઓ કરવામાં આવેલી છે જે રાજકોટના હિત માટે ખૂબ જરૂૂરી અને ઉપયોગી પણ છે.
વર્ષ 2025-26માં નવી ટી.પી. સ્કીમનાં આયોજન બાબત:
ડી.આઈ.એલ.આર. કચેરીમાંથી તાજેતરમાં મોટામવા વિસ્તારની 1 (એક) તથા ઘંટેશ્વર વિસ્તારની 1 (એક) સૂચિત ટી.પી. સ્કીમ બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ ચીફ ટાઉન પ્લાનર, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા મોકલાવેલ છે, જે મળ્યેથી તેનો ઈરાદો જાહેર કરીને નવી ટી.પી. સ્કીમ તૈયાર કરીને કલમ-48(1) હેઠળ સરકારમાં મંજૂરી અર્થે મૂકવામાં આવશે. આમ, ઉક્ત વિગતે જણાવેલ મોટામવા તથા ઘંટેશ્વર વિસ્તારમાં કુલ-2 (બે) નવી ટી.પી. સ્કીમ બનાવવાનું આયોજન છે. રૈયા વિસ્તારની-2, કોઠારિયા વિસ્તારની-4, માધાપર વિસ્તારની-ર તથા ઘંટેશ્વર વિસ્તારની-3 મળી કુલ 11 સૂચિત નગરરચના યોજનાઓનાં નિમતાણા મેળવવા માટે પેન્ડીંગ છે. જે મળ્યેથી મુખ્ય નગર નિયોજકના પરામર્શ અર્થે મોકલી આપવામાં આવશે.
હાલની ચાલુ ટી.પી. સ્કીમનાં સ્ટેટસ બાબતે:
રાજકોટ મહાનગરપાલિકાની કુલ 59 ટી.પી. સ્કીમ પૈકી 33 ટી.પી. સ્કીમ્સ તથા 7 ટી.પી. સ્કીમ્સ પ્રારંભિક મંજુર થઇ અમલમાં આવેલ છે અને આખરી મંજુર થવાની બાકી છે તેમજ 19 ટી.પી. સ્કીમ્સ મુસદ્દારૂૂપ મંજુર થઇ અમલમાં આવેલ છે અને પ્રારંભિક મંજુર થવાની બાકી છે. આ ઉપરાંત 6 મુસદ્દારૂૂપ નગર રચના યોજનાઓ સરકાર દ્વારા મંજુર કરવાની બાકી છે.
ત્રિકોણબાગથી માલવીયા ચોક સુધીના રોડનું થશે વિસ્તૃતીકરણ
ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીના 16.00 મી. હયાત સર લાખાજીરાજ રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત 22.00 મી. પહોળો કરવાનો થાય છે, જેના અસરગ્રસ્તોની સુનાવણી કરવામાં આવેલ છે અને જમીન સંપાદન કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.
લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ આવરી લેવામાં આવેલ અન્ય રસ્તાઓ:
લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત લક્ષ્મીનગરનાં નાળા પાસેના રોડ પાસેની જમીન તેમજ ટાગોર રોડથી એ.વી.પી.ટી. કેમ્પસની ઉતર તરફ રાજમંદિર ફૂડ ઝોન વાળો રોડ પહોળો કરવા માટે સંપાદન માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.”લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત લક્ષ્મીનગરનાં નાળા પાસેના રોડ પાસેની જમીન તેમજ ટાગોર રોડથી શ્રી વિરાણી હાઇસ્કૂલની દક્ષીણ તરફ વાળો રોડ પહોળો કરવા માટે સંપાદન માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.
ટાઉન પ્લાનિંગ દ્વારા નવા વર્ષમાં થનાર કામોની યાદી
- કાલાવડ રોડ વિસ્તૃતિકરણ:
કે.કે.વી. હોલથી રાજકોટ મહાનગરપાલિકાની હદે આવેલ મોટામવા સ્મશાન સુધીના કુલ અંદાજીત 2.25 કી.મી. લંબાઈનો “ગૌરવપથ કાલાવડ રોડ 30.00 મી.થી વધારીને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 36.00 મી. પહોળો કરવા માટેનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. મોટામવા સ્મશાનથી ન્યારી ડેમ એપ્રોચ રોડ સુધીના કાલાવડ રોડની પહોળાઈ 30.00 મી. માંથી વધારીને 45.00 મી. કરવા માટે જમીન સંપાદન કરી, અમલ કરવામાં આવશે. - જંકશન રોડ વિસ્તૃતિકરણ:
કુવાડવા રોડથી પોપટપરા નાલા સુધીના 15.00 મી. જંકશન રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત 18.00 મી. પહોળો કરવાનો થાય છે, જેના અસરગ્રસ્તોની સુનાવણી કરવામાં આવેલ છે અને જમીન સંપાદન કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.