આ રાજકોટ છે અહિના લોકો રંગીલા છે, મોજીલા છે અને મજાના છે: કાયદાને માન પણ આપે અને તોડે પણ ખરા!
દંડ ભરીને ડામ ખમશે પણ નિયમોનું પાલન નહિ જ કરે: ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે વર્ષભરની ટ્રાફિક પોલીસની કામગીરીનું સરવૈયુ રજુ કર્યુ
ખુશ થવા જેવી વાત એ કે આ વર્ષે જીવલેણ અને ગંભીર અકસ્માતો ઘટ્યા: ત્રણ સવારીના નિયમનો સોૈથી વધુ ભંગ થયો-47491 કેસમાં 50,42,800નો દંડ વસુલાયો હતો: બીજા નંબરે કાળા કાચની ફિલ્મો હટાવવાની કામગીરી અને ત્રીજા નંબરે રહી ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાની કામગીરી: આવા 9 હજારથી વધુ કેસમાં 22.27 લાખનો દંડ થયો વસુલ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.28
શહેર પોલીસ વાહન ચાલકોને તેઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે સતત દંડ ફટકારતી રહે છે. આમ છતાં ઘણાખરા વાહનચાલકો સુધરતા નથી. રાજકોટના અનેક વાહનચાલકો એવા હશે જેમને દંડ આપવો મંજુર છે પણ નિયમોનું પાલન કરવાનું તેમને ફાવતું નથી. આ અમે નથી કહેતાં પણ ટ્રાફિક પોલીસે આખા વર્ષ દરમિયાન જેટલા કેસ કર્યા છે અને જેટલો દંડ વસુલ્યો છે તેના આંકડા ઉપરથી સાબીત થઇ રહ્યું છે. શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા વર્ષ 2024માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ અધધધ 2,98,525 કેસ કરવામાં આવ્યા છે અને નિયમોના ભંગ સબબ વાહન ચાલકો પાસેથી અધધધ 6 કરોડ 98 લાખથી વધુનો દંડ વસુલાયો છે. બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરીને કારણે જીવલેણ અને ગંભીર અકસ્માતોમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘટાડો પણ નોંધાયો છે.
શહેર ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2023ની સરખામણીએ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા 2024 દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ અને અન્ય સરકારી એજન્સીઓના સંકલનમાં રહી માર્ગ પરના અકસ્માતો ઘટાડવા રોડ એન્જીનિયરીંગ અંતર્ગત લેવાયેલા સુધારાત્મક પગલા, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો અને એન્ફોર્સમેન્ટની ત્રીસ્તરીય કામગીરીના પરિણામરૂપે જીવલેણ અકસ્માતોમાં 9.3 ટકાનો ઘટાડો નોંધાયાનું વર્ષભરની કામગીરીની આંકડાકીય માહિતી સાથે વિગતો રજુ કરી હતી. તેમણે કહ્યું હતું કે આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે નિયમભંગના અલગ અલગ 2,98,525 કેસોમાં કુલ રૂા. 6,98,57,800નો દંડ વસુલ કર્યો છે.
ટ્રાફિક પોલીસે કેવી કામગીરી કરી તેના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષે 151 ફેટલ એક્સીડન્ટ સર્જાયા હતાં જેમાં 15નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગંભીર અકસ્માતોની સંખ્યા 203 રહી હતી, જેમાં 2023ની સરખામણીએ 16 અકસ્માત ઓછા નોંધાયા હતાં. જ્યારે સામાન્ય અકસ્માતોમાં પણ 28નો ઘટાડો નોંધાયો હતો. આમ જુદા જુદા હેડ હેઠળના અકસ્માતના બનાવોમાં 12.71 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એન્ફોર્સમેન્ટ કામગીરી અંતર્ગત કાળા કાચવાળી ફિલ્મો હટાવવાના 16922 કેસ કરી ટ્રાફિક પોલીસ દ્વારા 31,77,500નો દંડ વસુલવામાં આવ્યો હતો. 2023ની સાલ કરતાં કાળા કાચના 3216 કેસ વધુ નોંધવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાના 9243 કેસ નોંધાયા હતાં. જેમાં 22,27,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. લાયસન્સ વગરના 3085 કેસમાં 2,87,500નો દંડ વસુલાયો હતો.
આવા કેસો પણ ગત વર્ષની સરખામણીએ 2088 વધુ નોંધાયા હતાં. આ ઉપરાંત ત્રણ સવારીના 47491 કેસમાં 50,42,800નો દંડ વસુલાયો હતો. ગત વર્ષની સરખામણીએ 3 સવારીના 20,732 કેસ વધુ નોંધાયા હતાં. આ ઉપરાંત હેલ્મેટ વગર ટુવ્હીલર ચલાવવાના 18630 કેસમાં 37,94,000નો દંડ કરવામાં આવ્યો હતો. આવા કેસોની સંખ્યામાં 7607નો વધારો આ વર્ષે નોંધાયો છે. સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાના 32662 કેસ નોંધાયા હતાં. જે ગયા વર્ષની સરખામણીએ 14071 વધુ હતાં. આવા વાહન ચાલકો પાસેથી 91,73,000નો દંડ સરકારી તિજોરીમાં જમા લેવાયો હતો.
આ ઉપરાંત ટ્રાફિક નિયમન ભંગના અન્ય ગુનાઓમાં પરચુરણ કાગળો, નંબર પ્લેટ વગરના વાહનો અને કેસોમાં અનુક્રમે 23449, 7579 અને 23178 કેસો વધુ નોંધાયા છે. આમ કુલ 1,02,902 કેસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ નોંધવામાં આવ્યા હતાં અને કુલ દંડ રૂા. 6,98,57,800 વસુલવામાં આવ્યો હતો. તેવુ ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું.
આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસ અંતર્ગત જુદી જુદી સ્કૂલો, કોલેજો અને કોમ્યુનિટી હોલમાં વર્ષ દરમિયાન 95 કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમન વિશે સમજ આપવામાં આવી હતી. આવા કાર્યક્રમો પણ ગત વર્ષની સરખામણીએ 19 વધુ યોજાયા હતાં. આ ઉપરાંત ટ્રાફિક ડ્રાઇવ, દબાણ હટાવ ડ્રાઇવ, આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત ડ્રાઇવ, ક્ષમતા કરતાં વધુ મુસાફરોની અવર-જવર કરતાં વાહનો સામેની ડ્રાઇવ અને હોસ્પિટલ ઇમર્જન્સી સંદર્ભે ગ્રીનકોરીડોર બંદોબસ્તની પણ નોંધપાત્ર કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી જુદા જુદા રસ્તાઓ, સર્કલની રી-ડિઝાઇનીંગની કામગીરી થકી ટ્રાફિક સમસ્યા ઘટાડવાની કોશિષ કરવામાં આવી હતી. ફેટલ અકસ્માતોના કેસમાં ઘટના સ્થળની વિઝીટ કરી અકસ્માતો પાછળ શું કારણભુત બન્યું? તે અંગેની વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં એસીપી જે. બી. ગઢવી અને ટ્રાફિક બ્રાંચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરની તમામ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
