મહાકુંભ જઈ રહેલી કારને સોનભદ્ર નજીક નડ્યો અકસ્માત
વારાણસી, તા.2
ઉત્તર પ્રદેશના સોનભદ્રથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં વારાણસી-શક્તિનગર નેશનલ હાઇવે પર રવિવારે (2 ફેબ્રુઆરી) સાંજે સાડા સાત વાગ્યે આસપાસ ટ્રેલર અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીરરૂૂપે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો છત્તિસગઢથી મહાકુંભમાં જઇ રહ્યા હતા.છત્તિસગઢથી સાત લોકો એક કાર લઇને પ્રયાગરાજ મહાકુંભમાં જઇ રહ્યા હતા. જોકે, વારાણસી-શક્તિનગર નેશનલ હાઇવે પર એક ટ્રેલર ચાલકે ટ્રેલર પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે પછી ટ્રેલર અનિયંત્રિત થઇ ગયું હતું અને ડિવાઇડર પાર કરીને કાર સાથે ટકરાયું હતું. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારનું કચ્ચરઘાણ થઇ ગયું હતું. કારમાં સવાર કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે બીજા ત્રણ લોકો ગંભીરરૂૂપે ઇજાગ્રસ્ત થયા હતા. બીજી બાજુ, ટ્રેલર ચાલકનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત આ અકસ્માતમાં પગપાળા જઇ રહેલા એક વ્યક્તિનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જે પછી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનામાં મૃતકોની ઓળખ સનાઉલ્લા ખલીફા (40), રવિ મિશ્રા (45), ઉમાશંકર પટેલ (40) તરીકે થઇ છે. આ ઉપરાંત અન્ય ત્રણ મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.