ધોળે દિવસે વાડીના રૂમમાંથી સોનાના દાગીના ચોરાયા: પાછુ તાળુ લગાવી દેવાયું
કુવાડવાના ખીજડીયાની ઘટનામાં જાણભેદુ સામેલ હોવાની શંકાએ તપાસ: બીજી તરફ એલસીબી ઝોન-2 ટીમે ડિટેક્શન કરી બે વાહન ચોરનારા શખ્સને પકડ્યો
રાજકોટ: શહેરમાં તસ્કરોએ ફરીથી પોલીસને પડકાર ફેંકવાનું ચાલુ કરી દીધુ છે. બે દિવસ અલગ અલગ ચોરીઓની ત્રણ ઘટનાઓ બન્યા પછી વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ધોળા દિવસે ચોરી થઇ છે. રાજકોટના કુવડવા તાબેના ખીજડીયા ગામમાં આ બનાવ બન્યો છે. જેમાં વાડીના મકાનમાં રહેતો પરિવાર બપોરે જમીને તાળુ મારી ચાવી ઓસરીમાં લટકાતી થેલી અંદર મુકી ખેતરમાં કામે વળગ્યો ત્યારે ચોર તેનું કામ બતાવી ગયો હતો અને પોતા બે લાખના સોનાના દાગીના તાળુ ખોલીસને ઉઠાવી ગયો હતો. જાણભેદુની સંડોવણીની શંકા પરથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિગતો પર નજર કરીએ તો કુવાડવાના ખીજડીયા ગામની સીમમાં ધોળે દિવસે મકાનમાં ચોરી થઇ છે. તસ્કરો ઘઉંની કોઠીમાં રાખેલા રૂા. 1,71,000ની કિંમતના સોનાના દાગીના ચોરી ગયા હતાં. જો કે ચોરી કર્યા બાદ કોઠીને અને બહાર રૂમને ફરી તાળુ મારી દીધુ હતું. આ જોતાં જાણભેદૂની સંડોવણી હોવાની શંકાએ તપાસ શરૂ થઇ છે. આ બારામાં કુવાડવા રોડ પોલીસે મુળ ચોટીલાના ચિરોડા-ઠાંગા ગામના અને હાલ ખીજડીયાની સીમમાં રહેતાં છત્રીસ વર્ષના શામજીભાઇ મંગાભાઇ ચાવડાની ફરિયાદ નોંધી છે. શામજીભાઇએ જણાવ્યું છે કે હું છેલ્લા સાતેક વર્ષથી ગોપાલસિંહ પ્રભાતસિંહ રહેવરની વાડી ભાગમાં રાખી વાવણી કરુ છું. મારી સાથે મારા પત્નિ જસુબેન, બે દિકરી, બે દિકરા રહે છે. તેમણે આગળ કહ્યું હતું કે અમે વાડીમાં તુવરે વીણવાના કામમાં રોકાયા હતાં. બપોરે દોઢેક વાગ્યે વાડીના મકાને જમીને ફરી હું અને મારા પત્નિ તુવેર વીણવા ગયા હતાં.
અમે ફરી વાડીમાં ગયા તે વખતે અમે તાળુ મારીને ચાવી ઓરસીના એક થેલામાં મુકી હતી. બાદમાં ત્રણેક વાગ્યે ચા પીવાનો ટાઇમ થતાં મારી દિકરી શિતલ ચા બનાવવા વાડીના રૂમે ગઇ ત્યારે તેણે ફળીયામા઼ ચાંદીના સાંકળા જોતાં ચોરી થયાની ખબર પડતાં તેણે અમને જાણ કરી હતી. અમે તપાસ કરતાં ઓસરીમાં ટીંગાળેલી થેલી અંદરથી ચાવી મળી હતી. તેનાથી તાળુ ખોલીને અંદર ગયા હતા. અમે રૂમમાં એક કોઠી અંદર રોકડ, દાગીના રાખતા હતાં. તેમાં પણ તાળુ મારીને ચાવી ત્યાં જ રાખતા હતાં.
આ કોઠીનું તાળુ પણ બંધ હોઇ ખોલીને જોતાં અંદર રાખેલા બોક્સમાંથી સોનાનો હાર 1,26,000નો, સોનાનું પાંદડુ 3500નું, સોનાનો ચાંદલો 5000નો, ટીનની ડબ્બીમાં રાખેલ સોનાની બુટી 36000ની, નાકનો દાણો 1000નો મળી કુલ રૂા. 1,71,000ના દાગીના ગાયબ હતાં. શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજયાના માર્ગદર્શન હેઠળ આસી સબ ઇન્સ. કે. એચ. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ચોરીમાં કોઇ જાણભેદૂ સામેલ હોવાની શંકાએ ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની પોલીસને આશા છે.
બીજી તરફ પોલીસે ડિટેક્શન કર્યુ હતું. વાહન ચોરીના બે ગુનાનો ભેદ એલસીબી ઝોન-2 ટીમે ઉકેલી ગાંધીગ્રામ શેરી નંબર નવમાં રહેતાં છવ્વીસ વર્ષના રાજન દિપકભાઇ ચોૈહાણને દોઢસો ફુટ રીંગ રોડ શિતલ પાર્ક પાસેથી પકડી લીધો છે. તેની પાસેથી રૂા. 1,20,000ના બે ચોરાઉ એક્ટીવા કબ્જે કર્યા છે. આ શખ્સ અગાઉ પણ વાહન ચોરીમાં પકડાયો હતો અને જેલમાં ગયો હતો. હાલમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હોઇ ખર્ચા કાઢવા માટે ફરી બે વાહન ચોરી કરી લીધા હતાં. પણ તેને વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો. ચોરીના ગુના ઉકેલવા એલસીબી ઝોન-2 ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી રાજન ચોૈહાણને એક્ટીવા સાથે પકડી પુછતાછ કરી કાગળો આરસી બૂક માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. આકરી પુછતાછમાં વાહન ચોરાઉ હોવાનું કબુલ કર્યુ હતું.
ત્યારબાદ પોલીસે રાજનનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં તે અગાઉ પણ બે ગુનામાં પકડાયાનું ખુલ્યું હતું. વિશેષ પુછતાછ થતાં તેણે આ એક્ટીવા તેમજ અન્ય એક એક્ટીવા ચોરી કર્યાનુ઼ કબુલતાં બંને વાહન જપ્ત કરી તેની ધરપકડ કરાઇ હતી. આ વાહનો યુનિવર્સિટી પોલીસની હદમાંથી ચોરી કર્યા હતાં.
વધુ વિગત મુજબ રાજન દસ દિવસ પહેલા જ વાહન ચોરીના ગુનામાં છુટ્યો હતો અને હવે લગ્ન આવી રહ્યા હોઇ પૈસાની જરૂર હોઇ ફરીથી બે વાહન ઉઠાવી લીધા હતાં. પણ વેંચી શક્યો નહોતો. હાલમાં તે તેના પિતા સાથે કારખાનામાં મજૂરી કરે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી ઝડપાયેલા શખ્સની વધુ પુછપરછ યથાવત રાખી હતી.