રાજકોટ, તા. 24
મહાનગરપાલિકા નું ફૂડ વિભાગ છેલ્લા ઘણા સમયથી આક્રુ વલણ અપનાવી રહ્યું છે ત્યારે ગઈકાલે જુના માર્કેટિંગ યાર્ડમાં ધરતી ટ્રેડર્સ નામની પેઢીમાંથી કપાસિયા તેલનો નમુનો ફેલ થતાં આરોગ્ય વિભાગ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા અને તે બાબતે તજવીજ પણ શરૂૂ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરટીઓ કચેરી પાસે આવેલા જુના યાર્ડમાં રહેલી ધરતી ટ્રેડર્સ નામની પેઢીમાંથી આસોપાલવ પ્રીમિયમ ક્વોલિટી રિફાઇન્ડ ઓઇલ નો નમુનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યારે પૃથકરણ રિપોર્ટમાં બીઆર ટેસ્ટ રીડિંગ અને આયોડિનનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ માત્રામાં આવ્યું હતું તથા તેલમાં મિક્સ કરવાની વસ્તુના પ્રમાણ ની ધારણા પણ ઓછી મળી હતી જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ રિપોર્ટ ના આધારે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એડિશનલ કલેક્ટર સમક્ષ કેસ મૂકવામાં આવશે તેવું ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. પુડ વિભાગની ટીમે સેફટી વાન સાથે શહેરના કેડી ચોક થી રણછોડદાસ બાપુ આશ્રમ સુધીના વિસ્તારોમાં ખાદ્ય ચીજ નું વેચાણ કરતા 14 ધંધાર્થીઓ ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 14 નમૂનાની ચકાસણી પણ કરવામાં આવી હતી સાથોસાથ ચાર વ્યાપારીઓ જેવા કે તિરૂૂપતિ બાલાજી ચીકી, ગુરુદેવ ચીકી, બાલાજી ચાઈનીઝ પંજાબી તથા મહાકાળી પાણીપુરીનો સમાવેશ થાય છે જેઓને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી.
જુના માર્કેટિંગ યાર્ડના ધરતી ટ્રેડર્સ પાસેથી લેવામાં આવેલા કપાસિયા તેલનો નમુનો ફેલ, કેસ એડિશનલ કલેક્ટર સમક્ષ મુકાશે
આ ઉપરાંત ભારત પ્રોવિઝન સ્ટોર, શ્રી રામ ચીકી, ન્યુ ડાયમંડ સિંગ, ભગવતી ફરસાણ, ત્રિલોક ખમણ, ગાયત્રી ખમણ, લીંબુ સોડા, મુરલીધર ડિલક્સ તથા શ્રીરામ ડેરી પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખાદ્ય તેલનો વેપાર કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ ચીજ વસ્તુઓના નમુના પણ લેવામાં આવ્યા ત્યારે ગઈકાલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 150 ફૂટ રોડ તથા ઓમ નગર સર્કલ પાસેના ગેલ કોમ્પલેક્ષમાં ગુરુકૃપા એજન્સીમાંથી ગાયત્રી સિંગતેલ અને કેસરી સિંગતેલના નમુના લેવામાં આવ્યા તો બીજી તરફ યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે સોમનાથ એપાર્ટમેન્ટમાં ગાયત્રી ટ્રેડિંગમાંથી પણ ડબ્બામાંથી જાનકી રિફાઇન્ડ સિંગતેલનો નમુનો લેવામાં આવ્યો. હાલ આ તમામ નમૂના ને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે પરંતુ એ વાત સાચી છે કે આજ દિન સુધી તેલના વેપાર કરતાં વ્યાપારીઓ દ્વારા તેલમાં કોઈ ભેરસેર કરવામાં આવતું નથી તે અંગે હાલ તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય તેલ વિક્રેતાઓ અને ડિસ્ટ્રીબ્યુટર ઉપર તવાય બોલાવશે તેવું હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા જે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેને ધ્યાને લઈ હાલ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે નક્કર પગલા લેવામાં આવ્યા તેનાથી અનેકવિધતાઓમાં ફફડાટ મચી ગયો હતો.