રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર : રાજ્યના બધા જ કમિશનરેટમાં આગામી 30 એપ્રિલ સુધીમાં અમલીકરણ કરવા તાકીદ
અમદાવાદ, તા. 30
ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે, ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં એફ.આઈ.આર.થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે. અમિતભાઈ શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી 30 એપ્રિલ, 2025 સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું 100 ટકા અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ.તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂૂરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતી લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ. અમિતભાઈ શાહે ગુજરાતમાં ઝીરો એફ.આઈ.આર.ને 100 ટકા એફ.આઈ.આર.માં બદલવાના કાર્યની સરાહના કરતાં કહ્યુ કે, એવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ જેમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ(CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે. તેમણે ગુજરાત (CCTNS) 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા ફોજદારી કાયદાઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં દેશમાંથી લાંબા સમયથી ફરાર હોય તેવા ભાગેડુ આરોપીઓ સામે આવી ટ્રાયલની શરૂૂઆત થવી જોઈએ.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, નેશલન ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના મહાનિદેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.