આટકોટ-રાજકોટમાં SMCના બે દરોડા: લાખોનો દારૂ પકડાયો
આટકોટ પાસે ટેન્કરમાંથી આઠસો પેટી મળી, ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રકના ચોરખાનામાંથી બોટલોનો જથ્થો મળ્યો: એકમાં ડ્રાઇવર-કલીનર ભાગી ગયા, બીજામાં પકડાઇ ગયા
રાજકોટ: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પ્યાસીઓ અને બૂટલેગરો પોતપોતાની રીતે પોતાની રીતે દારૂની હેરફેર કરી લેતાં હોય છે. દારૂબંધીનો કડક અમલ કરાવવા પોલીસ તત્પર હોય છે આમ છતાં અમુક બૂટલેગરો સાંઠગાંઠથી કે પછી બીજા પેંતરા રચીને દારૂની બોટલો છુટક સપ્લાયરો, પ્યાસીઓ સુધી પહોંચાડતા રહે છે. બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડી સમયાંતરે મસમોટો જથ્થો પકડી લેવામાં આવે છે. વધુ બે આવા દરોડામાં એસએમસીએ કામગીરી બતાવી છે. જેમાં આટકોટ પાસે ટેન્કરમાં છુપાવાયેલો એંસી લાખનો દારૂ પકડી લેવાયો છે. જો કે ડ્રાઇવર-ક્લીનર ભાગી ગયા હતાં. દારૂ દમણ તરફથી લાવવામાં આવ્યાની વિગતો ખુલી હતી. બીજા દરોડામાં એસએમસીની બીજી ટીમે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી હાઇવે પર એક ટ્રક સાથે બે શખ્સને ઝડપી લીધા હતાં. જેમાં ડ્રાઇવર કેબીનની પાછળ ચોરખાનામાં જથ્થો છુપાવેલો હતો.
પ્રથમ દરોડાની વિગતો જોઇએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આટકોટ પાંચવડા રોડ ઉપરથી ચોક્કસ બાતમીના આધારે દિવ દમણ તરફથી ટેન્કરના ખાનામાં છુપાવી સૌરાષ્ટ્રમાં આવતો આઠસો પેટી વિદેશી દારૂ જેની કિંમત અંદાજે એંસી લાખ તેમજ ટેન્કર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના આટકોટ પાસેથી વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આઠસો જેટલી વિદેશી દારૂની પેટી ટેન્કરમાં છુપાવી સૌરાષ્ટ્રના ડીલેવરી કરવા આવતા હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ચોક્કસ બાકીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ રાત્રે બાર વાગ્યાથી આટકોટ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વહેલી સવારે ત્રણ વાગ્યે આટકોટ-પાંચવડા ચોકડી પાસેથી ટેન્કરની તલાસી લેતા ટેન્કરના ખાનામાં છુપાવેલો જુદી જુદી બ્રાન્ડનો આઠસો પેટી દારૂ મળી આવ્યો હતો.
એસએમસીની ટીમ દ્વારા ટેન્કરને રોકવામાં આવતા ડ્રાઇવર અને કંડકટર બંને અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હોય માલ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે જાણવા મળ્યું નથી. ડ્રાઇવર ક્લીનર નાસી ગયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કર આટકોટ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યું હતું. આશરે 800 પેટી વિદેશી દારૂની કિંમત અંદાજે 80 લાખ રૂપિયા અને ટેન્કરની કિંમત 20 લાખ ગણી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ટેન્કર કોની માલિકીનું છે તે તપાસ કર્યા બાદ દારૂ ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાનો હતો તે તપાસ બાદ બહાર આવશે.
બીજી તરફ એસએમસીની અન્ય એક ટીમે ગ્રીનલેન્ડ ચોકડી મોરબી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીને આધારે એક ટ્રકને આંતરી તેમાં ડ્રાઇવર કેબીન પાછળ ઠાઠાના ભાગે ચોરખાનામાં છુપાવાયેલો રૂા. 1,55,635નો 104 બોટલ દારૂ જપ્ત કરી બે શખ્સની ધરપકડ કરી દારૂ, ટ્રક, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 7,20,635નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. આ બંને ટ્રાન્સપોર્ટનો માલ ભરી નાસિક ગયા હોઇ ત્યાંથી પરત આવતી વખતે દારૂની બોટલો ચોરખાનામાં છુપાવીને લાવ્યા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર એસએમસીની ટીમ દારૂના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એસ. વી. ગરચર, હેડકોન્સ. સંજયભાઇ ચાવડા, હેડકોન્સ. જયદેવભાઇ ગઢવીને મળેલી બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી હાઇવે પર શીવધારા રેસીડેન્સીના બસ સ્ટોપ નજીક ટ્રક આંતરી લીધો હતો. જો કે ટ્રકના ઠાઠામાં જોતાં તે ખાલીખમ્મ નજરે પડ્યું હતું. પરંતુ કેબીનમાં પણ કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું. પરંતુ આ ટ્રકમાં દારૂની બોટલો હોવાની પુરી બાતમી મળી હોઇ ઠાઠામાં જીણવટભરી તપાસ કરતાં કેબીનની પાછળના ભાગે ચોરખાનુ દેખાયુ હતું. તેની અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 104 બોટલો મળી આવી હતી. એસએમસીની ટીમે મનિષ પ્રભાતભાઇ હેરમા (રહે. એલ. પી. પાર્ક-2 કુવાડવા રોડ) તથા કલ્પેશ ઘનુભાઇ દેવાભાઇ દેવભડીંગજી (રહે. બેડીપરા ગંગેશ્ર્વર રોડ)ની ધરપકડ કરી હતી. મનિષ ટ્રકનો માલિક છે અને કલ્પેશ કર્મચારી છે. તેનો ટ્રક ટ્રાન્સપોર્ટના માલની હેરફેરમાં ચાલે છે. બંને માલ ભરી નાસિક ગયા બાદ પરત આવતી વખતે કેબીન પાછળ બનાવાયેલા મોટા ખાંચા-ચોરખાનામાં બોટલો છુપાવીને લાવ્યાનું રટણ કર્યુ હતું. આ અંગે બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. આમ આટકોટ અને રાજકોટમાં એસએમસીની ટીમોએ ત્રાટકી લાખોનો દારૂ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.