થોરાળા પોલીસને બાતમી મળી અને મુદ્દામાલ સાથે અફઝલને પકડી લેવાયો
રાજકોટ: શહેરમાં દારૂની હેરાફેરી ડામવા પીસીબી, ડીસીબીની ટીમો તેમજ જે તે પોલીસ સ્ટેશનની ટીમો પણ કાર્યવાહી કરે છે. ક્યારેક એલસીબીની ટીમોને પણ આવી કામગીરીમાં સફળતા મળી જાય છે. દરમિયાન થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે વોચ રાખી ઓટો રિક્ષા જીજે16એટી-4745ને અટકાવી તલાસી લેતાં અંદરથી રૂા. 24 હજારની વિદેશી દારૂની 48 બોટલો મળતાં કબ્જે કરી ચાલક સત્યાવીસ વર્ષના અફઝલ હારૂનભાઇ શાહમદાર (રહે. પાંજરાપોળ પાસે શાળા નં. 13 પાછળ ભાવનગર રોડ)ને પકડી લઇ દારૂ, રિક્ષા મળી રૂા. 1,04,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂની હેરાફેરી અટકાવવા અને આવી કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાએ સુચના આપી હતી.
થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ શખ્સ દારૂ ભરેલી રિક્ષા સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્ર્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નીનામા, કોન્સ. જયરાજસિંહ કોટીલા, રાકેશભાઇ બાલાસરા, સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી. આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તે મામલે તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી.