ગુંડા ગીરી પેપર મીલમાં ટોળકીનો હલ્લો સંચાલકનો હાથ ખેડવી નાંખ્યો
રાજકોટ વિશ્ર્વનગરના મીલ સંચાલક અને ભાગીદાર પર તેની અરડોઇની મીલમાં હુમલો: તેઓ પાણીનું ટેન્કર ગામના સરપંચ પાસેથી મંગાવતાં હોઇ રામકુ સહિતની ટોળકીને ન ગમતાં તોફાન મચાવ્યું: રાજકોટ રૂરલ પોલીસની ઢીલી નીતીને કારણે આ ટોળકી ઉફાણે આવ્યાનો આરોપ
રાજકોટ: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર કોઇને કોઇ શખ્સો દ્વારા ગુંડાગીરીનું પ્રદશર્ન કરવામાં આવતું હોય છે. આવા શખ્સો છાસવારે બીજા નિર્દોષ લોકો માટે ત્રાસરૂપ બની જતાં હોવાની ઘટનાઓ સમયાંતરે પોલીસ ચોપડે ચડતી રહે છે. દરમિયાન રાજકોટના કોટડા સાંગાણીના અરડોઇ ગામે પેપર મીલમાં ઘુસી જઇ આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતાં શખ્સની ટોળકીએ ધોકા, ધારીયાથી આતંક મચાવી મીલના સંચાલક, ભાગીદાર પર હુમલો કરી હાથ ખેડવી નાંખ્યો હતો, આંગળી ભાંગી નાંખી હતી અને વાહનમાં તોડફોડ પણ કરી હતી.
મીલ સંચાલકનો વાંક એટલો જ હતો કે તેઓ મીલ માટે પાણીનું ટેન્કર ગામના સરપંચ પાસેથી મંગાવતાં હતાં. હુમલાખોરોને આ વાત પસંદ ન હોવાથી આતંક મચાવી ભય ફેલાવ્યો હતો.
વિગતો પર નજર કરીએ તો રાજકોટ મવડી વિશ્ર્વનગરમાં રહેતાં અને કોટડા સાંગાણીના અરડોઇ ગામે ભાગીદારીમાં પેપર મીલ ચલાવતાં યુવાન અને તેના ભાગીદાર પર અરડોઇના શખ્સોએ કારમાં આવી મીલમાં ઘુસી ધારીયા, ધોકાથી હુમલો કરી પેપરમીલના સંચાલકનો ખભો ખેડવી નાંખી તેમજ હાથની આંગળી ભાંગી નાંખી ભાગીદારને પણ માર મારી તને તો રીબડા ચોકડીએ જ પતાવી દેવાનો હતો, તને ભડાકે દેવાો છે કહી ધમકી આપી જતાં જતાં બહાર પાર્ક કરેલા વાહનમાં પણ ધારીયાના ઘા મારી નુકસાન કરી આતંક મચાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. આ બનાવમાં ગોંડલના ચરખડીના વતની અને હાલ રાજકોટ વિશ્ર્વનરગ-4 પટેલ બોર્ડિંગ પાસે રહેતાં ચુમાલીસ વર્ષના મયુરભાઇ વિઠ્ઠલભાઇ મોવલીયા હુમલામાં ઘાયલ થતાં ગોંડલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
તેમણે કોટડા સાંગાણી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને અરડોઇ ગામની સીમમાં જય સોમનાથ પેપર મીલ ચલાવી વેપાર કરુ છું.
તા. 10ના સવારથી હું તથા મારા ભાગીદાર બકુલભાઇ વારડીયા તથા ગિરીશભાઇ કથીરીયા એમ બધા અમારી જય સોમનાથ પેપર મીલ ખાતે ઓફિસમાં હતાં. આ વખતે પોણા બે વાગ્યા આસપાસ અરોડો ગામના રામકુ બાવકુભાઇ માંજરીયા, તેની સાથે યુવરાજ, મજબુત અને બે અજાણ્યા એક સ્વીફ્ટ કાર જીજે03એનકે-8187 લઇને આવ્યા હતાં. ગાડી મારી સોમનાથ મીલ પાસે ઉભી રાખી રામકુભાઇએ ધારીયુ કાઢ્યું હતું. એ પછી મજબુતે પણ ધારીયુ કાઢ્યું હતું. બાદમાં યુવરાજ, બે અજાણ્યા પણ ઉતર્યા હતાં. આ બધાએ મીલ અંદર આવી ઝઘડો કરતાં મેં તથા બકુલભાઇ સહિતે તેને ઓફિસની સીડી પાસે રોકીને ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં.
પરંતુ આ વખતે રામકુભાઇએ અમારા ભાગીદાર ઓગણત્રીસ વર્ષના રશ્મીનભાઇ બકુલભાઇ વીરડીયાને જમણા હાથે ધારીયુ મારી દીધુ હતું. હું વચ્ચે પડતાં મને પણ ડાબા હાથે ધારીયાનો ઘા મારી દીધો હતો. યુવરાજ અને મજબુતે તથા બે અજાણ્યા શખ્સે ધોકાથી માર માર્યો હતો. આ બધા કહેવા માંડ્યા હતાં કે આજે તો આને ચારણી કરી દેવો છે, તને મારી નાખવો છે, ભડાકે દેવો છે.
આ ઉપરાંત એવુ પણ કહેલું કે રીબડા ચોકડીએ અમે રાહ જોઇને ઉભા હતાં, તને ત્યાં જ મારી નાખવો હતો. આ દરમિયાન મીલના માણસો ભેગા થઇ જતાં રામકુભાઇ સહિતના જતાં રહ્યા હતાં.
મને અમારી મીલના ભાગીદાર રશ્મીનભાઇને ઇજા થઇ હોઇ મારો ડ્રાઇવર અમને સારવાર માટે ગોંડલ લઇ ગયો હતો.
મને ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર થયાનું ડોક્ટરે નિદાન કર્યુ હતું. તેમજ ધોકો ખભામાં લાગતાં હાથ ખભેથી ખડી ગયો હતો. રશ્મ્ીનને પણ જમણા હાથે ઇજા થઇ હતી.
આ માથાકુટનું કારણ એવુ છે કે અમારી પેપર મીલમાં અમારે પાણીની જરૂર ઉભી થાય ત્યારે અરડોઇના સરપંચ અને અમારા સગા એવા નરસીભાઇ ખોડાભાઇ ગજેરા પાસેથી પાણીના ટેન્કર મંગાવીએ છીએ. હવે રામકુભાઇએ ટેન્કર લીધું હોઇ તેણે આ બાબતનો ખાર રાખી સરપંચનું નહિ અમારુ જ ટેન્કર મંગાવવાનું તેમ કહી માથાકુટ કરી પેપર મીલમાં ઘુસી આતંક મચાવ્યો હતો.
મયુરભાઇ મોવલીયાએ વધુમાં આક્ષેપો સાથે કહ્યું હતું કે આ રીતે આ લોકો સતત વર્ષોથી અમને હેરાન પરેશાન કરે છે. આ વખતે મીલમાં ઘુસીને આતંક મચાવાયો હતો. આ શખ્સો ખંડણી પડાવતાં હોવાના આક્ષેપો પણ મીલ સંચાલકે કરીને રૂરલ પોલીસ આવા શખ્સો સામે ઢીલી પડતી હોવાના આક્ષેપ પણ કર્યા છે.
એસપી આ મામલે કડક કાર્યવાહી કરી ફેકટરી સંચાલકોને કાયમી ત્રાસમાંથી છોડાવે તેવી માંગણી કરવામાં આવી હતી.