યુવાનને ચાર મિત્રોએ છરીના ઘા માર્યા: પતાવી દેવાનો પ્રયાસ
તું વિપુલીયા હારે શું કામ બેસે છે, એ અમારો દુશ્મન છે…કહીને તૂટી પડ્યા
રાજકોટ: શહેરમાં ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેના પર હુમલાની ઘટનાઓ બનતી રહે છે. વધુ એક વખત હત્યાની કોશિષનો બનાવ બન્યો છે. જેમાં એક યુવાન પર તેના જ ચાર મિત્રો છરીથી તૂટી પડ્યા હતાં. આ યુવાનને જેની સાથે મિત્રતા છે તેની સાથે હુમલાખોરોને ભળતું ન હોઇ તેના ખારને કારણે હત્યાની કોશિષનો આ બનાવ બન્યો હતો. કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક પાસે રહેતાં અને ઓનલાઇન કંપનીના ડિલીવરીમેન તરીકે નોકરી કરતાં યુવાનને તે રાતે નાના મવા રોડ પર નહેરૂનગરમાં મિત્રના લગ્નપ્રસંગમાં જમીને બહાર નીકળી બાજુની શેરીમાં પહોંચ્યો ત્યારે તેના જ જુના મિત્રો તૂટી પડ્યા હતાં અને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
ખૂનના પ્રયાસની આ ઘટના પર નજર કરીએ તો માલવીયાનગર પોલીસે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક પાસે આદર્શ વાટીકા સોસાયટીમાં રહેતાં બાવીસ વર્ષના યશ રાજેશભાઇ વરમોરાની ફરિયાદ પરથી નાના મવા રોડ નહેરૂનગરના કરણ બોરીચા, આરએમસી ક્વાર્ટરના શાહરૂખ કાસમ, જમાલ શેખ, સિકંદર ઉર્ફ સિકલો વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી ચારેયને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. યશ વરમોરાએ જણાવ્યું હતું કે હું ઓનલાઇન કંપનીના ડિલીવરીમેન તરીકે કામ કરી ગુજરાન ચલાવુ છું. ગુરૂવારે મારા મિત્ર વિક્રમસિંહ જાડેજા કે જે નાના મવા રોડ નહેરૂનગર–4માં રહે છે તેના લગ્ન હોઇ હું તેમાં હાજરી પુરવા મારા મિત્ર જયમીન ગાજીપરા સાથે ગયો હતો.
આ વખતે મારા મિત્રો કરણ બોરીચા, શાહરૂખ, જમાલ અને સિકંદર પણ લગ્નમાં આવ્યા હતાં. લગ્નમાંથી જમીને બહાર નીકળ્યા અને નહેરૂનગર-5માં પહોંચ્યા ત્યારે મારા જુના મિત્ર કરણ, શાહરૂખ સહિતના સામે મળ્યા હતાં. આ વખતે શાહરૂખે મને ઉભો રાખ્યો હતો. મારે વિપુલ બગથરીયા સાથે મિત્રતા હોઇ તેની સાથે શાહરૂખ, કરણ સહિતને ભળતું નથી. મને શાહરૂખ, કરણ સહિતે ઉભો રાખી કહેલું કે અમારે વિપુલ સાથે જુની અદાવત ચાલે છે, તું કેમ વિપુલ સાથે અવાર-નવાર બેસે છે? તેની સાથે તું કેમ સંબંધ રાખે છે? કહી ઝઘડો કર્યો હતો. એ દરમિયાન સાથેના કરણ, જમીલ, સિકંદર પણ ઉશ્કેરાઇ ગયા હતાં અને હુમલો કરી મને ઢીકાપાટાનો માર માર્યો હતો. તેમજ કરણ, સિકંદર સહિતે છરીથી હુમલો કરી મને મારી નાખવાના ઇરાદે માથા, શરીરે ઘા ઝીંકી દીધા હતાં.
દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. મને ગંભીર ઇજા પહોંચી હોઇ મારા મિત્રએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. માલવીયાનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ હત્યાની કોશિષની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેના કારણે આ ડખ્ખો થયો તે વિપુલ વિરૂધ્ધ અગાઉ ગુના નોંધાઇ ચુક્યાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.