હર્મીશની હત્યાનો આરોપી દોલતસિંહ સોલંકી ઝડપાયો
ગોંડલ ચોકડી પાસેથી PI એમ.એમ.સરવૈયા તથા ટિમે પકડી પાડયો
રાજકોટ મિરર, તા.1
શનિવારની રાત્રીના નીલકંઠ સિનેમા પાસે થયેલા યુવાનની હત્યામાં સંડોવાયેલા દોલતસિંહ સોલંકીને ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ. સરવૈયા સહિતના સ્ટાફે ગોંડલ રોડ પર, ચોકડી નજીકથી ઝડપી લીધો છે. આજે સોમવારે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે તેવું પીઆઈ સરવૈયા દ્વારા રાજકોટ મિરરની વાત દરમિયાન જણાવ્યું હતું.
શહેરના કોઠારીયા રોડ ખોડિયાર ટી સ્ટોલ અને ડોકટર મેઘાણીનાં દવાખાના પાસે આવેલા કોમ્પ્લેક્ષના ગેઇટ નજીક ઉભા રહેવા પ્રશ્ને થયેલી બોલાચાલીને લીધે ફાઈનાન્સર દોલતસિંહ સોલંકીએ 28 વર્ષના હર્મિશ હસુભાઈ ગજેરાની તેમના મોટાભાઈની નજર સામે જ શનિવારની રાત્રીના નીલકંઠ સિનેમા પાસે જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. જેને આજે ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ દેવપરામાં ખોડિયાર હોટલ પાસે હાર્મિશ હસુભાઈ ગજેરા (ઉ.વ.28-રહે.ગીતાંજલી સોસાયટી આનંદ નગર કોલોની પાછળ)ને ત્યાં નજીકમાં ઓફિસ ધરાવતા દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. પોલીસે હત્યાનો ભોગ બનનારના મોટાભાઈ રાધિક હંસરાજભાઈ ગજેરા ઉ.વ.30ની ફરિયાદ પરથી દોલતસિંહ ભાવસિંહ સોલંકી રજપૂત વિરૂધ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો.
વધુ માહિતી મુજબ કોઠારીયા રોડ નજીક આનંદનગર પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતો અને કોઠારીયા ચોકડી પાસે રામનગર નજીક અક્ષર હાર્ડવેર નામે પિતા અને ભાઈ સાથે કારખાનુ ચલાવતો હાર્મિશ ગજેરા. (ઉ.વ. 28) અને તેનો ભાઈ રાધિક ગજેરા (ઉ.વ.30) પાંચેક દિવસ પહેલા દેવપરામાં આવેલી ખોડિયાર ચાની હોટલે ચા-પાણી પીવા ગયા હતાં. તે હોટલ ઉપર દોલતસિંહ ઉર્ફે દોલુની ફાયનાન્સની ઓફિસ હોઈ અને તેણે પાર્કિંગમાં ડેલો બનાવ્યો હોઈ અહીં રાધિક અને હાર્મિશ હોટલ અને દોલતસિંહની ફાયનાન્સની ઓફિસ ત્યાં વચ્ચેના રસ્તે ઉભો હતા ત્યારે રસ્તા પર ઉભવું નહિ કહી દોલતસિંહ ઉર્ફે દોલુએ માથાકૂટ કરી હતી.
મૃતકના ભાઈ રાધિકની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવા અને હુમલાખોર દોલતસિંહને પકડવા કવાયત શરૂ કરી હતી.
હત્યાનો ભોગ બનનાર હાર્મિશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. બનાવથી મૃતકના પરિવારમાં શોક વ્યાપ્યો છે. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ આદરી હતી. ડીસીબી, એલસીબીની ટીમો પણ તપાસમાં સામેલ થઈ હતી.
દરમિયાન આજે દોલતસિંહ સોલંકીને ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ.સરવૈયા, સ્ટાફના એએસઆઈ નીલેશ મકવાણા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગઢવી તેમજ કોન્સ્ટેબલ નીલેશ પીરોજીયા સહિતના સ્ટાફે દોલતસિંહ સોલંકીને ગોંડલ રોડ, ચોકડી પાસેથી ભાગવાની ફિરાક દરમિયાન ઝડપી લીધો હતો. આ અંગે પીઆઈ સરવૈયાએ રાજકોટ મિરર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આરોપી દોલતસિંહની રાત આખી પૂછપરછ કરાશે, તપાસમાં કેવો સહકાર આપે છે તે વાતને આધીન આવતીકાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
દોલતસિંહ સોલંકી સામે ભૂતકાળમાં 15 ગુન્હા
નીલકંઠ સિનેમા પાસે હાર્મિશ ગજેરાનું ટીમ ઢાળી દેનાર ફાઇનાન્સર દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી (રહે. રણુજાનગર. શેરી નંબર 9, વિપુલ નિવાસ મકાન, કોઠારીયા મેન રોડ રાજકોટ) ને ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સહિતના સ્ટાફે દબોચી લીધા બાદ તેમનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવતા દોલતસિંહ સામે ભૂતકાળમાં 15 જેટલા ગુન્હા નોંધાયા છે. જેમાં 11 ગુન્હા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક, સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં એક ગુનાનો સમાવેશ થાય છે.
બંને ભાઈઓ જીવ બચાવવા ભાગ્યા પણ હર્મીશ હાથમાં આવી જતા મળ્યું મોત
દરમિયાન શનિવારે રાત્રે હાર્મિશ અને તેનો મોટોભાઈ રાધિક તે હોટલે ચા પાણી અને સીગારેટ પીવા ગયા હતાં ત્યારે દોલતસિંહ ઉર્ફે દોલુએ ફરી બોલાચાલી કરી હતી. બાદમાં તેને ઉભો રહે કહીને તેની ઓફિસે છરી લેવા ગયો હતો આ દરમ્યાન હાર્મિશ પણ ત્યાં આવતા ઓફિસમાંથી છરી લઈને ધસી આવેલા દોલતસિંહએ બંને ભાઈઓ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આથી બંને ભાઈઓ જીવ બચાવવા ત્યાંથી દોડયા હતા પરંતુ થોડે દૂર પાછળ દોડી રહેલા દોલતસિંહના હાથમાં હાર્મિશ પકડાઈ જતાં તેને છરીના ત્રણેક ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. હુમલા બાદ દોલતસિંહ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા હાર્મિશને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાતમી પરથી ઝડપી લેવાયો દોલતસિંહને
પી.આઈ મયુરધ્વજસિંહ સરવૈયાએ “રાજકોટ મિરર”ને જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ અર્જુનદેવ ગઢવી, તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિખિલભાઇ છગનભાઈ પીરોજીયાને ચોક્કસ બાતમી મળતા દોલતસિંહને ગોંડલ રોડ, ગોંડલ ચોકડી વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો.
દોલું સોલંકીને ઝડપી પાડનાર ટીમ
હાર્મિશ હંસરાજભાઈ ગજેરાને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર દોલતસિંહ સોલંકીને પકડી પાડવા માટે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ મયુરધ્વજ સિંહ સરવૈયા પીએસઆઇ એમ.એન વસાવા, જે.જે., ગોહિલ એએસઆઇ નિલેશભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નિખિલભાઇ પીરોજીયા, અરવિંદભાઈ ફતેપુરા, કરણભાઈ કોઠીવાર, રાજદીપસિંહ જાડેજા, રાહુલભાઈ ઠાકોર, હરદેવસિંહ ગોહિલ, અરજણભાઈ પરમાર, મયુરધ્વજસિંહ જાડેજા, પુષ્પરાજ સિંહ ગોહિલ, દેવાનંદભાઈ રામ, રાજેશભાઈ સાકરીયા તેમજ હોમગાર્ડ દીપકભાઈ ટાંક અને હાર્દિકભાઈ પીપળીયા રોકાયા હતા.
