રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે જ્યારે નિમણૂક થઈ તેના 14 દિવસ બાદ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખની થઈ હતી નિમણૂક
સાત આંકડાની વાતતો સદંતર ખોટી પણ તે સમયે ડીજેટલી પણ કોઈ સંપર્કમાં ન હતો : રા. લો ચેરમેન
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ ખેડૂતોના હિતમાં કાર્ય કરતી સંસ્થા કોઈ વિવાદ નથી
રાજકોટ તા. 29
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરી એક વખત પત્રિકા કાંડ જેવું ચિત્ર સામે આવ્યું છે પરંતુ એ વાત સાચી કે નકલમાં પણ અક્કલ નો ઉપયોગ કરવો જોઈએ. હાલ મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવે વિરુદ્ધ નનામા પત્રમાં ઘણી એવી ખોટી વિગતો લખવામાં આવી હતી એટલું જ નહીં તેવા પણ ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા પ્રભારી તરીકેની નિમણૂક બાદ ધવલ દવે દ્વારા સાત આંકડાનો વહીવટ કરી રાલો સંઘના ચેરમેનની નિમણૂક કરાવી હતી. આ બાબતની જાણ થતા ની સાથે જ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું.
નનામા પત્રમાં લખવામાં આવેલી વાતને નરેન્દ્રસિંહ જાડેજાએ એક જ ઝાટકે ખોટી પુરવાર કરી દીધી હતી અને પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે લાલો સંઘમાં તેમની નિયુક્તિ થઈ તે સમયે ધવલ દવે અથવા તો અલ્પેશભાઈ ઢોલરીયા પ્રમુખ તરીકે નિમાયા જ ન હતા. તેમની નિમણૂક બાદ એક સપ્તાહ પછી તેઓની નિયુક્તિ થઈ જેથી જે નનામો પત્ર મળી આવ્યો છે તે સંપૂર્ણ પાયા વિહોણો છે. બીજી તરફ રાજકોટ લોધિકા સંઘના નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં વિવાદિત પત્રિકા અને તેઓને ચૂંટાયેલા જાહેર કરતો ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરનો 2મે 2023નો પત્ર રજૂ કર્યો હતો. પત્ર રજુ કરતા ની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જ્યારે ચેરમેન તરીકે તેઓ ફરીથી ચૂંટાયેલા જાહેર થયા અને તે અંગેનો જે પત્ર રજૂ કરવામાં આવ્યો ત્યાર બાદ 14 દિવસ પછી પ્રદેશ ભાજપે રાજ્યના 41 શહેર તથા જિલ્લા પ્રભારીની નિમણૂક કરી હતી જેથી જે પત્રિકા માં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા અને ખોટા છે.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે રાજકોટ લોધીકા સંઘ ખેડૂતો માટેની એક એવી સહકારી સંસ્થા છે જે અત્યારના વિરાટ વટ વૃક્ષ બનીને ખેડૂતોની વહારે ઉભી છે ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ વલ્લભભાઈ પટેલ, સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ કલોલા, અને રા.લો સંઘના પૂર્વ જનરલ મેનેજર સ્વ.વી ડી પટેલ દ્વારા જે મહેનત કરવામાં આવી તેનાથી આ સંસ્થાએ એક અલગ જ અને આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે સંસ્થાને વિવાદના વંટોળમાં ઢસાડવાનું કૃત્ય કોઈએ ન કરવું જોઈએ અને તે અત્યંત દયનિય છે. સાથો સાથ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે જ્યારે તેઓ રીપીટ થયા ત્યારે જિલ્લા પ્રભારી તરીકે મહેન્દ્રસિંહ સરવૈયા અને જિલ્લા પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરિયા હતા તો મહામંત્રી તરીકે નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષ ચાંગીલાએ જવાબદારી સંભાળી હતી જેથી જે પત્રિકા માં આક્ષેપો કરવામાં આવ્યા છે તે અત્યંત પાયા વિહોણા અને બે બુનિયાદ છે. પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ એક પ્રશ્ન એવો પણ પૂછ્યો હતો કે શું આ અંગે કાયદાકીય પગલાં લેવામાં આવશે કે કેમ ત્યારે રા. લોના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ વિવાદ નહીં પરંતુ વિશ્વાસના માણસ છે અને કર્મના સિદ્ધાંતમાં પોતાનો રસ ધરાવે છે અને તે સિદ્ધાંત પર જ તેઓ કામ કરે છે.