શિક્ષણના વિકાસનું ગળું ઘોટતુ GCAS
યુનિવર્સિટી, કોલેજો ને પણ પોર્ટલ અંગે નથી પૂરતી વિગતો : યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો હજુ પણ એડમિશનમાં થશે ઘટાડો
રાજકોટ, તા. 5
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 શિક્ષણના માળખામાં ટેક્નોલોજીના સાથેના સમન્વયનું સમર્થન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સાંકળીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણક્ષેત્રે ઇન્ફર્મેશન ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (ૠઈઅજ) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની નોંધણીપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.
જી.સી.એ.એસ. ( GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ સર્વગ્રાહી પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત સાતત્યપૂર્ણ અનુભવની સહાય મળે તે માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ખુબજ સુચારુ રૂપે ઉપયોગ કરવામાં આવેલ છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ ના પોર્ટલથી ગુજરાતમાં આવેલ મુખ્ય યુનિવર્સિટિઓ, ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ, સરકારી કોલેજો, સરકારી અનુદાનિત કોલેજો, પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ વિવિધ ફાઇનાંસ કોલેજોને એક સ્થળે લાવવામાં આવેલ છે. જેથી ગુજરાતમાં આવેલ આર્ટસ, કોમર્સ, સાયંસ, રુરલ સ્ટડિઝ અને અન્ય તમામ સ્નાતક અને અનુસ્નાતક તેમજ વિવિધ ડિપ્લોમા અને સર્ટિફિકેશન અભ્યાસક્રમોની માહિતી એકજ સ્થાને પ્રાત્પ થઇ શકે છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંતર્ગત જે વિટમણાઓ ઊભી થઈ છે તેને દૂર કરવા માટે અનેકવિધ રજૂઆત રાજ્ય સરકાર અને યુનિવર્સિટી સ્તર ઉપર પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નક્કર નીવેડો આવ્યો નથી.
હજુ પણ કોલેજ અને વિદ્યાર્થીઓને નથી GCASનો અનુભવ
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન જેટલી પણ કોલેજો છે તેમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ લાગુ કરવામાં આવી છે જેનો હેતુ એક છે કે વિદ્યાર્થીઓને તેનો મહત્તમ લાભ મળે પરંતુ હજુ સુધી જે રીતે આ નવી પદ્ધતિનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી પરિણામ સ્વરૂપે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળની વિવિધ કોલેજો અને સલગ્ન ભવનોમાં જે સંખ્યા ઘટી રહી છે તેનું પણ આ એક મુખ્ય કારણ છે. આ અંગે યુનિવર્સિટીએ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જરૂરી છે ઓલટુ રાજ્ય સરકારે પણ ખાસ આ માટે તાલીમ આપવી અનિવાર્ય છે તો જ ભવિષ્યમાં આ અંગે કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં.
સરકારી અને અનુદાનિત કોલેજોમાં પણ વિવિધ જરૂરી વિષયોનો ઉમેરો સરકાર કરે તે આવશ્યક
હાલ સૌથી મોટો પ્રશ્ન જે ઊભો થઈ રહ્યો છે તે એ જ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ વિવિધ ભવનોમાં જગ્યાઓ ખાલી ખમ પડેલી છે ત્યારે આ જગ્યાને ભરવા માટે એટલે કે નવા શૈક્ષણિક સત્રમાં યુનિવર્સિટીએ એ તમામ વિષયોનો અભ્યાસક્રમ શરૂ કરાવો જોઈએ જે સરકારી અને અનુદાનિત કોલેજોમાં ચાલતો ન હોય. યુનિવર્સિટીમાં આવતા એટલે કે કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોતા નથી કે તેઓ ખાનગી કોલેજમાં અભ્યાસ કરે એટલે તેમની સર્વ પ્રથમ પસંદગી સરકારી અને અનુદાનિત કોલેજો જ હોય છે પરંતુ તેઓએ જે વિષયનો અભ્યાસ કરવો હોય તે ઘણા ખરા કિસ્સામાં શક્ય બનતું નથી અને પરિણામ સ્વરૂપે તેઓએ ન છૂટકે ખાનગી યુનિવર્સિટી અને ખાનગી કોલેજોનો સહારો લેવો પડે છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે પણ ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે અને આવશ્યક પણ છે.
ખાનગી યુનિવર્સિટીને પણ GCAS માં જોડાવી જોઈએ
શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે હાલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ માત્ર સરકારી અને અનુદાનિત કોલેજો માટે જ સીમિત છે પરંતુ ખરા અર્થમાં ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીને પણ આ પોર્ટલમાં જોડવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને ખૂબ સરળતા રહે. જેથી વિદ્યાર્થીઓને ક્યાં અને ક્યાં સબ્જેક્ટમાં અભ્યાસ કરવો છે તેની પણ તેઓને છૂટછાટ મળતી રહે. હાલ આ પોર્ટલ માં ખાનગી યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું નથી જે ઘણાખરા અંશે ગેર વ્યાજબી છે જેના પર યોગ્ય નિર્ણય લેવો ખૂબ જરૂરી અને આવશ્યક પણ છે.
