સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં ગત વર્ષે વ્યાપક અશાંતિ દરમિયાન આશરે 1,400 લોકો માર્યા ગયા
નવીદિલ્હી, તા. 12
બાંગ્લાદેશ સાત મહિનાથી વધુ સમયથી હિંસા અને રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. તાજેતરના વિકાસમાં, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે શેખ હસીનાની સરકાર ’માનવતા વિરુદ્ધ અપરાધો’ અને વિરોધ દરમિયાન મોટા પાયે હિંસા પાછળ છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં ગત વર્ષે વ્યાપક અશાંતિ દરમિયાન લગભગ 1,400 વિરોધીઓ માર્યા ગયા હતા. જેમાં હજારોની સંખ્યામાં જાનહાનિ થઈ હતી. આ પછી સ્થિતિ એટલી બગડી કે શેખ હસીનાને ઓગસ્ટ 2024માં દેશ છોડીને ભાગી જવું પડ્યું. હાલમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતે હજુ તેનો નિર્ણય લીધો નથી. યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેખાવકારો પર વ્યવસ્થિત હુમલા થયા હતા. સેંકડો ન્યાયવિહીન હત્યાઓ થઈ. આ બધા પાછળ શેખ હસીનાની સરકારનો હાથ હતો.
એએફપીના અહેવાલને ટાંકીને બહાર આવેલા યુએનના આ તપાસ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અંદાજિત 1400 પ્રદર્શનકારીઓના મોત થયા છે. અહેવાલો અનુસાર, હિંસા અને અશાંતિ દરમિયાન હજારો લોકો ઘાયલ થયા છે. ગયા વર્ષે, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત પ્રણાલીને નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂૂ થયા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો જોડાયા હતા. બાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી હિંસા અને અશાંતિ થઈ હતી.
દેખાવકારોએ શેખ હસીનાને હટાવવાની માંગ કરતા તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો, ત્યારબાદ હસીનાને ત્યાંથી ભાગવાની ફરજ પડી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટ વચ્ચે એ જાણવું પણ જરૂૂરી છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગત સપ્તાહે પણ હિંસા ફાટી નીકળી હતી. ઢાકામાં શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબ-ઉર-રહેમાનના નિવાસસ્થાને ભારે આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી.
