45 દિવસ સુધી ચાલનારા મહા કુંભ મેળામાં વિશ્વભરમાંથી કરોડો સનાતની હિન્દુઓ પ્રયાગરાજ આવશે : ઉભુ કરવામાં આવ્યું ગુજરાત પેવેલિયન
અમદાવાદ, તા. 21
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળાની મુલાકાત લઈ શકે છે. તેઓ સંગમ ખાતે અમૃત સ્નાન (અગાઉ શાહી સ્નાન તરીકે ઓળખાતું હતું) પણ લેશે, જ્યાં પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ મળે છે. 45 દિવસ સુધી ચાલનારા મહા કુંભ મેળામાં વિશ્વભરમાંથી કરોડો સનાતની હિન્દુઓ પ્રયાગરાજ આવે છે. ગુજરાતમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવી રહ્યા છે, જેના માટે વિશેષ ટ્રેનો અને ફ્લાઈટ્સ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને અમદાવાદ-પ્રયાગરાજ રૂૂટ પરના હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો કરવા અને પ્રયાગરાજ માટે વધુ ફ્લાઇટ્સ અને ટ્રેનો શરૂૂ કરવા માટે વિનંતી કરી છે. અમદાવાદ-પ્રયાગરાજ ફ્લાઇટમાં સીટોની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગુજરાતમાંથી હજારો લોકો પ્રયાગરાજ પહોંચવા માટે અમદાવાદ-વારાણસી અને અમદાવાદ-લખનૌ ફ્લાઇટ્સ પસંદ કરી રહ્યા છે. જેના કારણે આ તમામ રૂૂટ પર હવાઈ ભાડામાં વધારો થયો છે. હજારો લોકો રોડ માર્ગે પણ પ્રયાગરાજ જઈ રહ્યા છે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે. મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
બીજી તરફ ગુજરાતમાંથી લાખો ભાવિકો મહાકુંભમાં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે ઈખ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તા. 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે.