બાંધકામ નિયમિત કરવા 12,270 અરજીઓ આવી જેમાંથી 4,057 અરજીઓને જ મળી મંજૂરી જ્યારે 1461 અરજીઓ કરાઈ ના મંજૂર
આજ દિન સુધી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કેમ કરવામાં ન આવ્યો તેને લઈ ટાઉન પ્લાનિંગ વિભાગ ઉપર એક નહીં અનેક પ્રશ્નોનો મારો
રાજકોટ, તા. 23
ટીઆરપી અગ્નિકાંડ બાદ હાલ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીની સાથોસાથ ફાયર વિભાગની કામગીરીને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે એટલું જ નહીં હાલ મહત્વનું તો એ છે કે અત્યારે જે બિલ્ડીંગ માટેના જે પ્લાન પાસ થવા જોઈએ તે પણ યોગ્ય રીતે થઈ શકતા નથી અને તે કામગીરીમાં પણ સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટનો વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે બિલ્ડીંગો છે અથવા તો કોઈ પણ કામ જે મંજૂર કરવામાં આવ્યું હોય તેને પૂર્ણ કરવામાં આવે પરંતુ રાજકોટ શહેરમાં હાલજે રીયલ એસ્ટેટ ક્ષેત્રે જે વેગ પકડ્યો હતો તેને રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગની સાથોસાથ ફાયર વિભાગે મંદ કરી દીધો છે. હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં 2022 હેઠળ બાંધકામ નિયમિત કરવા માટે આશરે 12,270 અરજીઓ કરવામાં આવી હતી જેમાં કુલ 4,057 અરજીઓને મંજૂર કરવામાં આવી જ્યારે 1,461 અરજીઓને ના મંજૂર કરવામાં આવી છે.
આ ઇમ્પેક્ટ ફી બાબતની અરજી મુદ્દે જો ચર્ચા કરવામાં આવે તો 6,752 અરજીઓ હાલ સંપૂર્ણપણે પેન્ડિંગ છે. ત્યારે ઇમ્પેક્ટ પી ના કાયદા હેઠળ મહાનગરપાલિકાએ કુલ 7.92 કરોડની ઇમ્પેક્ટ ફી વસૂલી છે. ત્યારે જે પેન્ડિંગ અરજીઓ છે જેની સંખ્યા આશરે 6,000 થી વધુ છે તેને ક્યારે મંજૂર કરવામાં આવશે કારણ કે 6000 પેન્ડિંગ અરજી જો ઇમ્પેક્ટ ફીની હોય તો કામગીરી કઈ દિશામાં થઈ રહી છે અને આટલી મંદ શુકામે તેનો ખ્યાલ આ આંકડા પરથી જ આવી જાય પરંતુ આ અંગે કોઈ નક્કર આયોજન અથવા તો જવાબ મહાનગરપાલિકાના સંબંધ વિભાગના અધિકારીઓ પાસે નથી.
રાજકોટ નો વિકાસ હાલ આ બધાય કારણોસર ઘણો ખરો મંદ પડી ગયો છે ત્યારે આ અંગે મહાનગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે નિર્ણય લેવો ખૂબ જરૂૂરી છે તજજ્ઞનું માનવું છે કે 6,000 થી વધુ અરજીઓ જો ઇમ્પેક્ટ ફી માટેની પેન્ડિંગ હોય તો ખરા અર્થમાં મનપાએ કાતો આ તમામ અરજીઓને ના મંજૂર કરી દેવી જોઈએ અથવા તો કોઈ પણ ક્વેરી કાઢવી જોઈએ જેથી તે પ્રકરણ આગળ ચાલી શક્યા અને ખરા અર્થમાં જે તે મિલકત ધારકને પણ ખબર પડે કે કયા કારણોસર તેમની અરજીને નામંજૂર કરવામાં આવી છે અથવા તો તેઓએ જે ખૂટતા દસ્તાવેજો હોય તેને આપવાની ખબર પડે પરંતુ અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે તે જોતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ટાઉન પ્લાનિંગ વિભાગ કોઈપણ કામગીરી કરવામાં ઘણો સમય લગાડી રહ્યું છે અથવા તો આ વિભાગને કોઈ કામ કરવામાં જાણે રસ જ નથી. માત્ર ઇમ્પેક્ટ ફી નહીં પ્લાન પાસ કરવા માટેની ઘણી ખરી અરજીઓ હાલ પેન્ડિંગ છે તેના પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવ્યા અથવા તો જે તે ફાઈલોનો તાકીદે નિકાલ થાય તો આ પ્રશ્નનો નિવારણ શક્ય બનશે હાલ રાજકોટના રિયલ એસ્ટેટ વિભાગને મહાનગરપાલિકા પાસેથી જે અપેક્ષાઓ હતી તે પરિપૂર્ણ થઈ શકી નથી. ત્યારે હવે પ્રશ્ન એ છે કે જે મનપા પાસે ઇમ્પેક્ટ પી હેઠળ ની અરજીઓ આવેલી છે તેનો ઝડપભેર ની વેળો લાવવામાં આવે કારણ કે 6752 અરજીઓનો તાકીદે નિકાલ કરવો તે પણ સૌથી મોટી વાત છે પરંતુ હવે પ્રશ્ન એ જ થાય છે કે આટલી બધી અરજીઓને પેન્ડિંગ કયા કારણોસર રાખવામાં આવી અને જો રાખવામાં આવી તો આજ દિન સુધી કેમ તેનો નિકાલ કરવામાં ન આવ્યો. હાલ આ તમામ મુદ્દાઓ અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે અને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ઉપર આંગળી પણ ચીંધે છે.