GST ઇન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગ સંયુક્ત રીતે ડિજિટલ ડેટાનું કરશે અવલોકન
8 કરોડથી વધુની રોકડ તથા 50 કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા : દિવાળી બાદ રાજકોટ સર્ચ માટે હોટ ફેવરીટ
રાજકોટ, તા. 26
મોરબીના કેડા અને કામી ગ્રુપ ઉપર જીએસટી ઇન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળેલી બાતમીના આધારે આ જોઈન્ટ ઓપરેશનમાં જીએસટી ઇન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગને ખૂબ મોટી સફળતા પણ મળેલી છે. એટલું જ નહીં આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ મોરબી, રાજકોટ અને અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં વિભાગને ઘણી મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ બંને વિભાગને અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ સર્ચ ઓપરેશન માત્ર પૂં થઈ ગયું હોય તેવું નથી દિવાળી બાદ આવકવેરા વિભાગ તથા જીએસટી સંયુક્ત રીતે દરોડા પાડશે તેવું સંબંધિત વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. ચાઈનીઝ કંપની અન્ડર વેલ્યુ વ્યવહારો કરતું હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ આવકવેરા વિભાગ અને જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જ્યારે પુરાવાઓ મળ્યા ત્યારબાદ બંને વિભાગોએ સંયુક્ત રીતે સ્ટ્રાઈક કરી ગેરરીતે પકડી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ અને અમદાવાદ ખાતે કેડા ગ્રુપના ભાગીદારોને ત્યાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમા ઘણા બેનામી વ્યવહારો મળી આવ્યા છે એટલું જ નહીં ડિજિટલ રેકોર્ડ્સ પણ આવકવેરા વિભાગ અને જીએસટી ઇન્ટેલિજન્સ ને હાથ લાગ્યા હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશન હવે ફરી એક વખત દિવાળી બાદ હાથ ધરવામાં આવે તેવું પણ હાલ સંબંધિત વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કારણકે આ દરોડામાં અનેક નવા રહસ્યો બહાર આવ્યા છે જેના ઉપર તપાસ થાય તે ખૂબ જરૂરી છે.
આવકવેરા વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ દરોડામાં આવકવેરા વિભાગે આશરે 8 કરોડથી વધુની રોકડ રકમ તથા 50 કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે. સાથો સાથ અન્ય દસ્તાવેજોને પણ હસ્તગત કર્યા હોવાનું હાલ જાણવામાં આવી રહ્યું છે. બીજી તરફ જીએસટી ઇન્ટેલિજન્સ અને આવકવેરા વિભાગ દ્વારા જે ડિજિટલ પુરાવાઓ હાથ લાગ્યા છે તેનું પણ અવલોકન દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. ત્યારે છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ જે મંદ ગતિએ કામ કરતું હતું તે હવે એક્શન મોડમાં આવી ગયું છે એટલું જ નહીં દિવાળીના તહેવાર બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દરોડા પાડવામાં આવે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં જે માટે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા એક વિશેષ યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેના ઉપર હાલ કામગીરી ચાલતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આવનારા દિવસોમાં આવકવેરા વિભાગ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તેનો કોઈ અંદાજો નથી પરંતુ હાલ જે રીતે દરોડા નો સિલસિલો શરૂ થઈ ગયો છે તેને ધ્યાને લેતા વ્યાપારી આલમમાં ફફડાટ મચી ગયો છે અને તેઓને ડર છે કે હવે બીજો વારો કોનો હોઈ શકે. રાજકોટ આવકવેરા વિભાગને લાડાણી અને ઓર્બીટ ગ્રુપમાં જે સફળતા મળી છે તે બાદ હવેનું જે પણ ઓપરેશન હાથ ધરાશે તે પણ હાઈ પ્રોફાઈલ હોય તેવું સ્પષ્ટ સૂચિત થઈ રહ્યું છે અને આ માટે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર તૈયારીઓ કરી લીધી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે દિવાળી બાદ જ અનેક મોટા ધડાકા ભડાકા આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં.
