યુવાનનું હૃદય બંધ પડવાથી, વૃધ્ધાનું બોલેરોની ઠોકરથી મોત

હૃદય રોગના હુમલા, વાહન અકસ્માત, પડી જવાને કારણે ચાર પરિવારે ગુમાવ્યા સ્વજનો

રાજકોટમાં ઓગણચાલીસ વર્ષના નારાયણનગરના યુવાનને દિલ દગો દઇ ગયું: વેલનાથપરાના વૃધ્ધાનું હીટ એન્ડ રનમાં મોત થયુ : જેતપુરના વીસ વર્ષના યુવાન માટે કાર બની કાળ: પીઠડના વૃધ્ધ ઘરમાં પડી જતાં જીવ ગયો: ચક્ષુનુ દાન કરાયું

અણધાર્યા મૃત્યુની ઘટનાઓ રોજબરોજ નોંધાતી રહે છે. આપઘાત, વાહન અકસ્માત કે હૃદય રોગના હુમલાથી મૃત્યુ કે પછી અકસ્માતે દાઝી જતાં પડી જતાં મૃત્યુ થાય તો પોલીસે આકસ્મીક મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરતી હોય છે. શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ આ પ્રકારના મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. જે તે હતભાગી મૃતકના સ્વજનો પરિવારજનો આવા બનાવોને કારણે શોકમાં ગરક થઇ જતાં હોય છે. વધુ આવી ચાર ઘટના સામે આવી છે જેમાં રાજકોટના ઓગણચાલીસ વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવી જતાં મોત થયું છે. તો બીજા બે બનાવમાં મોરબી રોડ પર રહેતાં એક વૃધ્ધાનું હિટ એન્ડ રનની ઘટનામાં અને જેતપુરના એક યુવાનનું બાઇક સહિત અજાણી કારની અડફેટે આવી જવાથી મોત થયું છે. ચોથા બનાવમાં ઘરે ચાલતાં ચાલતાં પડી જતાં પીઠડ ગામના વૃધ્ધનું મોત થયું હતું. આ ચારેય કિસ્સામાં મૃતકોના સ્વજનો શોકમાં ડુબી ગયા હતાં.
પ્રથમ ઘટનાની વિગતો પર નજર કરીએ તો હાર્ટએટેક આવી જવાથી મોત થઇ જવાના બનાવો અટકતા જ નથી. વયોવૃધ્ધની સાથે સાથે યુવાનોના દિલ પણ તેમને દગો આપી રહ્યા છે. વધુ એક બનાવમાં ઓગણચાલીસ વર્ષના યુવાનનું હૃદય બેસી જતાં મૃત્યુ થયું છે. સહકાર નગર મેઇન રોડ પર નારાયણનગર-7માં રહેતાં ઓગણચાલીસ વર્ષના પ્રિતેશભાઇ દલસુખભાઇ વેકરીયા નામના યુવાન રાતે માર્કેટ યાર્ડ ખાતે હતાં ત્યારે તબીયત બગડતાં ઘરે આવી ગયા હતાં અને અચાનક બેભાન થઇ ગયા હતાં. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પ્રિતેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ડ્રાઇવીંગ કામ કરતાં હોઇ સાંજે યાર્ડ ખાતે ફેરા કરવા ગયા હતાં. તે વખતે છાતીમાં દુ:ખાવા જેવુ થતાં ઘરે આવી ગયા બાદ રાતે દસેક વાગ્યે વધુ તબિયત બગડતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ હૃદય ધબકારા ચુકી ગયું હતું.
બીજા બનાવમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં વૃધ્ધાનું હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ થયું છે. વૃધ્ધા કુદરતી હાજતે જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બોલેરો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. વેલનાથપરામાં રહેતાં પાંસઠ વર્ષના ખતુબેન બાબુભાઇ જામ સવારે ઘરેથી ચાલીને સામેની તરફ પટમાં કુદરતી હાજતે જવા નીકળ્યા ત્યારે રસ્તો ઓળંગતી વખતે અજાણી બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાયો હતો. મૃત્યુ પામનાર ખતુબેનને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવમાં બી-ડિવીઝનના પીએસઆઇ એ. બી. ચોૈધરીએ મૃતકના પુત્ર અકબરભાઇ બાબુભાઇ જામની ફરિયાદ પરથી અજાણી સફેદ રંગની બોલેરો પીકઅપના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
ત્રીજા બનાવમાં જેતપુરના ચાંપરાજપુર ફાટક નીક પાંચ દિવસ પહેલા અજાણી કારની ઠોકરે ચડી જતાં બાઇકચાલક જેતપુરના વીસ વર્ષના યુવાનને ગંભીર ઇજા થઇ હતી. તેનું મોત નિપજ્યું હતું.
જેતપુર પોપટપરા જંકશન પાસે રહેતો વીસ વર્ષનો ખુશાલ રાજેશભાઇ ભેડા નામનો યુવાન ગત ઓગણીસમીએ પોતાનું મોટરસાઇકલ હંકારીને જતો હતો ત્યારે ચાંપરાજપુર ફાટકથી આગળ દ્વારકાધીશ હોટેલ પાસે પહોંચતા અજાણી કારની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મૃત્યુ ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી જેતપુર પોલીસને જાણ કરી હતી.
ખુશાલ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે સ્ટુડિયોનું કામ કરતો હતો. સ્ટુડીયોનો સામાનની ડિલીવરી કરવા ચાંપરાજપુર ગામે ગયો હતો. ત્યાંથી તે પરત પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન અને આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ચોથા બનાવમાં જોડીયાના પીઠડ ગામે રહેતાં પાંસઠ વર્ષના વૃધ્ધનું ઘરે ચાલતાં ચાલતાં પડી જતાં મૃત્યુ થયું છે. તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જો કે હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇની પ્રેરણાથી સ્વજનોએ મૃતકના ચક્ષુનું દાન કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતું. પીઠડ ગામે રહેતાં પાંસઠ વર્ષના શામજીભાઇ મનજીભાઇ સરવૈયા નામના વૃધ્ધ ગત બાવીસમી તારીખે ઘરે ચાલતી વખતે પડી જતાં મુંઢ ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે મૃત્યુ થતાં સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે જોડીયા પોલીસને જાણ કરી હતી. તેમજ મૃતકના ચક્ષુનું દાન કરવા તેમના સ્વજનોને પ્રેરણા આપતાં સ્વજનોએ શામજીભાઇના ચક્ષુનું દાન કયું હતું.મૃત્યુ પામનાર શામજીભાઇ નિવૃત જીવન જીવતા હતાં. તેઓ આઠ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. ચારેય ઘટનાઓમાં સ્વજનો ગુમાવનારા પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:22 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech