ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલને ભારતના વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યું
નવીદિલ્હી, તા. 31
ભારતે સોમવારે ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક) – એક સરકારી માલિકીની એરોસ્પેસ અને સંરક્ષણ કંપની – એ બ્લેકલિસ્ટેડ રશિયન શસ્ત્ર સપ્લાયરને સંવેદનશીલ ટેકનોલોજી વેચી હતી જેનો લશ્કરી ઉપયોગ થઈ શકે છે. વિદેશ મંત્રાલયે આ અહેવાલને “તથ્યપૂર્ણ રીતે ખોટો અને ગેરમાર્ગે દોરનારો” ગણાવ્યો અને તેના પર “રાજકીય લાભ માટે મુદ્દાઓ ઉભા કરવાનો અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો” આરોપ મૂક્યો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “રિપોર્ટમાં ઉલ્લેખિત ભારતીય કંપનીએ વ્યૂહાત્મક વેપાર નિયંત્રણ અને અંતિમ-વપરાશકર્તા પ્રતિબદ્ધતાઓ પરની તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું કડક પાલન કર્યું છે. વ્યૂહાત્મક વેપાર પર ભારતનું મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું તેની કંપનીઓ દ્વારા વિદેશી વ્યાપારી સાહસોને માર્ગદર્શન આપે છે.” મંત્રાલયે “પ્રતિષ્ઠિત મીડિયા આઉટલેટ્સને આવા અહેવાલો પ્રકાશિત કરતા પહેલા મૂળભૂત યોગ્ય તપાસ કરવા વિનંતી કરી, જેને આ કિસ્સામાં અવગણવામાં આવી હતી.”
આ મામલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક) તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે ન્યૂ યોર્ક ટાઈમ્સે 28 માર્ચે એક લેખ પ્રકાશિત કર્યો – ’યુકે રિફોર્મ પાર્ટીના મુખ્ય દાતાએ શસ્ત્રોમાં વપરાતા ભાગો રશિયન સપ્લાયરને વેચ્યા.’ રિફોર્મ યુકે પાર્ટીનું નેતૃત્વ નિગેલ ફેરાજ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ એરોસ્પેસ ઉત્પાદક એચઆર સ્મિથ ગ્રુપે એચએએલ દ્વારા રશિયાને લગભગ 2 મિલિયન મૂલ્યના ટ્રાન્સમીટર, કોકપીટ સાધનો અને અન્ય સંવેદનશીલ ટેકનોલોજી મોકલી હતી. યુક્રેન યુદ્ધ પછી બ્રિટન અને અમેરિકાએ કહ્યું છે કે રશિયાને આ વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ છે.
