રાજ્યના ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઔદ્યોગિક ઇકો સિસ્ટમ બેઠકમાં આવ્યા અનેક સૂચનો : જંત્રીદારની વિસંગતતાને દૂર કરવા રજૂઆત
રાજકોટ , તા. 9
ગઈકાલે રાજ્યના ઉદ્યોગમંત્રીના વડપણ હેઠળ ઔદ્યોગિક ઇકો સિસ્ટમ અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ખજાનચી હાજર રહ્યા હતા અને હાલ રાજકોટ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ ક્ષેત્રે જે પ્રશ્નો સામે આવ્યા છે તે અંગે અને સૂચનો પણ આપ્યા હોવાનું માલુમ પડ્યું છે. ગુજરાત રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વ્યાપ અત્યંત વધુ છે ત્યારે મનરેગા યોજનાને એમ.એસ.એમ.ઈ સેક્ટર સાથે મર્જ કરવામાં આવે જેથી લઘુ અને મધ્યમ ઉદ્યોગને યોગ્ય પ્રોત્સાહન મળી રહે એટલું જ નહીં મનરેગાના લાભાર્થીઓને પણ અનેકવિધ રીતે લાભ થાય તે અંગે સૂચનો રાજ્ય સરકારમાં કરવામાં આવ્યા છે અને આ મુદ્દે ઉદ્યોગ મંત્રી દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમના દ્વારા સરકારમાં આ અંગે ખાસ રજૂઆત કરવામાં આવશે.
બીજો સૌથી મોટો પ્રશ્ન રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે જે છે તે જીઆઇડીસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં પ્લોટની ફાળવણી તેમજ જંત્રીના દરમાં જે વિસંગતતાઓ જોવા મળે છે તેને દૂર કરવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે એટલું જ નહીં ઉદ્યોગ મંત્રી ની સાથોસાથ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને નુકસાન ન થાય તે હિતમાં જ નિર્ણય સરકાર લેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી તરફ રાજકોટ ખાતે લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે ભવન બનાવવામાં આવે અને તે માટે શહેર ખાતે વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ અપાય તે માટેની પણ અરજી કરવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મામલે પ્રપોઝલ તૈયાર કરવા માટે જણાવ્યું છે.
સમગ્ર રાજ્યમાં હાલ ડિફેન્સ ક્ષેત્ર સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે રાજકોટમાં અનેક પ્રોડક્ટ નું ઉત્પાદન થાય છે જે વાતની ગંભીરતાને ધ્યાને લઈ ડિફેન્સ પોલિસીમાં ઔદ્યોગિક એકમોને જંત્રીના 25% મુજબ જગ્યા આપવા માટે રાજકોટનો સમાવેશ થાય તે અંગે પણ માંગણી કરવામાં આવી છે.
બીજી તરફ જીઆઇડીસી માં ઉદ્યોગકારો માટે પીવાના પાણીના ભાવમાં જે દર વર્ષે 10% નો વધારો થતો ત્યાં અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે પણ હાલ અરજી રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવી.
ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની વાત અને મુદ્દો એ છે કે જ્યારે જીઆઇડીસીમાં કોઈ ઉદ્યોગકારોને પ્લોટ ટ્રાન્સફર કરવો હોય તો તે સમયે તેઓએ 5% થી 10% ટ્રાન્સફર ફી ભરવી પડે છે અત્યારે આ પ્લોટની પ્લીઝ ડીડ એટલે કે ભાડા કરાર કરતી વખતે પણ અગાઉ થયેલ ટ્રાન્સફરના કિસ્સામાં તે વખતની સ્ટેમ્પ ડ્યુટી ઉમેરીને ફી વસૂલવામાં આવે છે જે ખરા અર્થમાં ઉદ્યોગકારો ઉપર ડબલ માર પડે તેવી વ્યવસ્થા છે.
આ માટે ઉદ્યોગ મંત્રીએ પણ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુદ્દે સરકાર નિર્ણય લેશે અને ઉદ્યોગકારોને હેરાનગતિ ન થાય તે મુજબની કાર્યવાહી થશે.