મીની ફેક્ટરીમાં પામ તેલ-એસિડ-ફ્લેક્સથી બનતુ’તુ!
શહેર SOGએ શીતલ પાર્કના હિમતનગરમાં દરોડો પાડ્યો: એક વર્ષથી પરપ્રાંતના કારીગરોને કામે રાખી હાર્દિક ગુજરાત ફૂડઝના ઓઠા હેઠળ બનાવતો હતો શંકાસ્પદ પનીર
રાજકોટ: અમુક લેભાગુઓ પોતાને આર્થિક ફાયદો થતો હોય તો બીજા લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવા સુધીના ખોટા રસ્તાઓ અપનાવી લેતાં હોય છે. આદ્ય પદાર્થોને પણ ભેળસેળીયા, નકલી જેવા બનાવી સસ્તા ભાગે ધાબડવાના અને રોકડી કરવાના કારસ્તાનો અનેક વખત અગાઉ ખુલી ચુકયા છે. દરમિયાન શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંધીગ્રામ 150 રીંગ રોડ પર શિતલ પાર્ક પાસેના હિમતનગરમાં એક ઘરમાં ધમધમતી મીની ફેક્ટરી પર દરોડો પાડી શંકાસ્પદ પનીરનો 800 કિલો જેટલો જથ્થો અને સાધનસામગ્રી કબ્જે લીધા છે. પામોલીન તેલ, એસીડ, ફ્લેટ, દૂધ સહિતના મિશ્રણથી બનતું પનીર અસલી કરતાં ખુબ ઓછા ભાવે વેંચાતુ હતું. ફૂડ વિભાગ પરિક્ષણ કરી રિપોર્ટ આપે પછી આગળ કાર્યવાહી થશે.
વિગતો પર નજર કરીએ તો શહેરના ગાંધીગ્રામ શિતલ પાર્કમાં હિમતનગર-6માં ભાડાના મકાનમાં ગુજરાત ફૂડ્ઝ નામની મીની ફેક્ટરીમાં શંકાસ્પદ કે નકલી પનીરનું ઉત્પાદન થતું હોવાની માહિતી પરથી શહેર એસઓજીએ દરોડો પાડી અંદાજે 800 કિલોથી વધુનો શંકાસ્પદ પનીરનો જથ્થો, મશીનરી, પનીર બનાવવાની સામગ્રી કબ્જે કરી ફૂડ વિભાગને જાણ કરી છે. એકાદ વર્ષથી ભાડાના આ મકાનમાં મીની ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ભેળસેળીયુ કહી શકાય તેવુ પનીર બનાવી ઓરીજનલ કરતાં સસ્તા ભાવે આખા શહેરમાં છુટક જથ્થાબંધ વેપારીઓ મારફત વેંચવામાં આવતું હતું. શહેર એસઓજીને માહિતી મળી હતી કે ગાંધીગ્રામ 150 ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક નજીક હિમતનગર-6 મેઇન રોડના ખુણે ગુજરાત ફૂડ્સ નામની એક મીની ફેક્ટરી ચાલુ છે અને તેમાં શંકાસ્પદ રીતે પનીર બનાવવામાં આવે છે. આ માહિતી પરથી દરોડો પાડ્યો હતો.
એસઓજીની ટીમે ફેક્ટરીમાં તપાસ કરતાં મશીનરીમાં પનીરનું ઉત્પાદન કરવામાં આવતું જણાયું હતું. આશરે 800 કિલો જેટલુ પનીર બનીને તૈયાર હતું તે તથા સાધન સામગ્રી મળી 1. 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા કાર્યવાહી થઇ હતી. ફેક્ટરી સંચાલકે પોતાનું નામ હાર્દિક ઘનશ્યામભાઇ કારીયા જણાવ્યું હતું.
તે રાજકોટનો રહેવાસી છે અને એકાદ વર્ષથી તેણે આ મકાન ભાડે રાખી પનીરનું ઉત્પાદન કરી શહેરમાં અલગ અલગ વેપારીઓને છુટક જથ્થાબંધ વેંચાણ કરતો હતો. એસઓજીએ તપાસ કરતાં અહિ દૂધ, પામોલીન તેલ, સફેદ રંગના સ્ફટીક ફ્લેક્સ, એસિટીક એસિડ સહિતના ઉપયોગથી પનીર બનાવવામાં આવતું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બજારમાં અસલી ઓરીજીનલ પનીર 240થી વધુના કીલો લેખે વેંચાતુ હોય છે. જ્યારે હાર્દિક જે પનીર બનાવતો હતો તે તેને આશરે 130માં કિલો લેખે પડતું હતું અને તે ગામમાં 150 થી 180 કે એથી વધુના ભાવે વેંચાણ કરતો હતો. એકાદ વર્ષથી આ મીની ફેક્ટરી ધમધમતી હતી. એસઓજીએ આ મામલે ફૂડ વિભાગને જાણ કરી પનીરના નમુના લેવડાવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી સાથે હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ સહિતની ટીમે આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર કરી હતી.
આગળ તપાસ યથાવત રખાઇ છે. ફેકટરીમાં હાર્દિકે બહારના પ્રાંતના મજૂરોને કામે રાખ્યા હતાં. આ મજુરોને તે રોજ મુજબના રૂપિયા ચુકવતો હતો.
ખરેખર કેટલા સમયથી આ પનીરનું ઉત્પાદન થતું હતું? કોને કોને વેંચવામાં આવતું હતું? રાજકોટ સિવાય પણ સપ્લાય થતુ હતુ઼ કે કેમ? આ પનીર બનાવવામાં જે પદાર્થો વપરાય છે તે ખાદ્ય છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. ફૂડ વિભાગે નમુના લીધા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે શિતલપાર્ક હિમતનગરમાં ચકચાર મચી ગઇ છે.
લોકો સસ્તા ભાવનું સમજીને જે પનીર લઇ જતાં હતાં તે ખરેખર ખાવા લાયક છે કે કેમ? તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.