10 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ : ભાજપ પર આરોપ લગાવ્યો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ વકફ સુધારા બિલ સ્વીકારવાનો આગ્રહ કરે છે
નવીદિલ્હી, તા. 24
વકફ સુધારા બિલને લઈને શુક્રવારે સંસદીય સમિતિની બેઠક મળી હતી. સભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી દળોએ બેઠકમાં આરોપ લગાવ્યો કે તેમને ડ્રાફ્ટ બિલમાં પ્રસ્તાવિત ફેરફારોનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો નથી. ભાજપના વરિષ્ઠ નેતા જગદંબિકા પાલની આગેવાની હેઠળની વકફ સુધારા બિલ પરની સંયુક્ત સમિતિ કાશ્મીરના ધાર્મિક વડા મીરવાઈઝ ઉમર ફારૂૂકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળના મંતવ્યો સાંભળશે. મીરવાઈઝને બેઠક માટે બોલાવતા પહેલા સમિતિના સભ્યોએ એકબીજા સાથે ચર્ચા કરી. આ દરમિયાન સભામાં હોબાળો થયો હતો. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વકફ સુધારા બિલ પરના અહેવાલને વહેલી તકે સ્વીકારવાનો આગ્રહ કરી રહી છે.
સભામાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે સભા સ્થગિત કરવી પડી હતી. થોડા સમય પછી, જ્યારે મીટિંગ શરૂૂ થઈ, ત્યારે મીરવાઈઝના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સમિતિ સમક્ષ હાજર થયું. તૃણમૂલ કોંગ્રેસના સભ્ય કલ્યાણ બેનર્જી અને કોંગ્રેસના સૈયદ નાસિર હુસૈન બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે સમિતિની કાર્યવાહી પ્રહસન બની ગઈ છે. તેમણે માગણી કરી હતી કે સૂચિત સુધારાઓ પર વિચારણા કરવા માટે 27 જાન્યુઆરીએ યોજાનારી બેઠક 30 જાન્યુઆરી અથવા 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવી જોઈએ.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષનું આચરણ સંસદીય પરંપરાની વિરુદ્ધ છે અને તેઓ બહુમતીના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુબેએ કહ્યું કે ’વક્ફનો મુદ્દો ખૂબ જ ગંભીર મામલો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો માટે. કારણ કે તે મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય છે. ઘણા લોકોને આ અંગે ચિંતા છે અને અમે આ ચિંતાઓને પોઈન્ટ બાય પોઈન્ટ કરવા માટે વિગતવાર મેમોરેન્ડમ તૈયાર કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દરમિયાનગીરી કરી હતી, ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી અને નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા એટલી વધી ગઈ કે અધ્યક્ષે હસ્તક્ષેપ કરવો પડ્યો અને અધ્યક્ષ જગદંબિકા પાલે હસ્તક્ષેપ કરતા જ વિપક્ષી સાંસદોએ તેમના પર પણ આરોપ લગાવવાનું શરૂૂ કર્યું. આ પછી અધ્યક્ષ જગદંબિકા પાલે સમિતિમાં હાજર 10 વિપક્ષી સાંસદોને સમિતિની બેઠકમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
વિપક્ષના આરોપોને ફગાવી દેતા જગદંબિકા પાલે કહ્યું કે વિપક્ષ તેમની વાત ન સાંભળવાનો અને ઉતાવળે કમિટીની બેઠક યોજવાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે બને તેટલા લોકોનું સાંભળવું જોઈએ. આ કારણોસર આ સમિતિનો કાર્યકાળ શિયાળુ સત્ર સુધીનો હતો. બજેટ સત્ર માટે તેમાં વધારો કરવામાં આવ્યો હતો, તેથી વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા છે.