વર્ષના છેલ્લે દિવસે ચોરટાઓ પરચો આપી ગયા: ત્રણ સ્થળેથી કર્યો હાથફેરો: પોલીસની દોડધામ

ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીને ત્યાંથી સાત લાખની ચોરી

ડો. યાજ્ઞિક રોડ પર કંપનીના વેરહાઉસમાંથી સાડા ત્રણ લાખના મોબાઇલ ફોન ચોરાઇ ગયા

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 31
રાજકોટ: શહેરમાં વર્ષના અંતિમ દિવસે ચોરટાઓએ પોતાની કામગીરીને વેગ આપી દીધો હતો. જામનગર રોડ પર વ્હોરા સોસાયટીમાં વ્હોરા વેપારીના બંધ મકાનને નિશાન બનાવી રોકડ દાગીના મળી 7 લાખ 22 હજારની માલમત્તા ચોરી જવાયા હતાં. આ પરિવાર વિદેશ ગયો હતો. સવારે ઘરે આવતાં જ ચોરીની જાણ થઇ હતી. આ ઘટનામાં એક ચોર કેમેરામાં કેદ થયો હતો. બીજી તરફ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર આવેલી કંપનીનીના વેર હાઉસ્માંથી 3,59,426ના મોબાઇલ ફોનની ચોરી થઇ છે. તો બીજી તરફ હીરાસર પાસે વીડીમાંથી ચોરટાઓ બે પાડી અને એક પાડો ચોરી ગયા હતાં. જો કે આ પશુઓની ચોરી કરનાર ત્રણ શખ્સો પકડાઇ ગયા હતાં.
ચોરીના બનાવોની પ્રથમ ઘટનાની વિગતો જોઇએ વધુ એક વખત બંધ મકાનમાં ત્રાટકી રોકડ, દાગીના ચોરી જતાં તપાસ શરૂ થઇ છે. જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલી ગાંધી સોસાયટીમાં રહેતાં દાઉદી વ્હોરા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી છે. આ પરિવાર વિદેશ ફરવા ગયો હતો. આજે વહેલી સવારે તેઓ પરત ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. એક શકમંદ સીસીટીવીમાં દેખાયો હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ હતી. વધુ વિગતો અનુસાર મુજબ ગાંધી સોસાયટી શેરી નં. 6માં રહેતાં અને લાતી પ્લોટ-7માં રાજ ટીમ્બર નામે લાકડાની લાતી ચલાવતાં વેપારી ખોજેમભાઇ પી. ભારમલે તેમના ઘરમાં ચોરી થયાની જાણ વહેલી સવારે કરતાં ગાંધીગ્રામ પોલીસની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. ખોજેમભાઇ ફીદાહુશેનભાઇ ભારમલએ જણાવ્યું હતું કે પોતે અને પરિવારના સભ્યો દિકરી વિદેશથી આવી હોઇ તેની સાથે પખવાડીયાથી વિદેશ ગયા હતાં. ફરીને આજે સવારે પરત ઘરે આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.
તસ્કરો મકાનના પાછળના ભાગનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા હતાં અને લોખંડના કબાટની તિજોરી તોડી તેમજ લાકડાના કબાટ ખોલી અંદરથી રોકડ દાગીના ચોરી ગયા હતાં. તેમજ બધા કબાટ વેરવિખેર કરી નાખ્યા હતાં. ખોજેમભાઇના કહેવા મુજબ રોકડ દાગીના મળી સાત લાખ બાવીસ હજારની ચોરી થઇ છે. બનાવની જાણ થતાં એલસીબી ઝોન-2 ટીમ પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં એક શકમંદ નજરે ચડ્યો હોઇ તે આ ચોરીમાં સામેલ હોવાની શક્યતા છે. જ્યાં ચોરી થઇ તે મકાન બહારથી હાથમાં પહેરવાના મોજા પણ મળી આવ્યા હતાં. આ મોજા તસ્કર પહેરીને આવ્યો હતો અને ચોરી કર્યા બાદ ફેંકી ગયો હતો. વધુ માહિતી અનુસાર ગાંધી સોસાયટી શેરી નં. 2માં પણ બીજા એક મકાનના દરવાજા તોડી ચોર અંદર ઘુસ્યા હતાં. જો કે આ મકાનમાં કોઇ રહેતું ન હોઇ અને કોઇ માલ મિલ્કત ન હોઇ ચોરને મહેનત માથે પડી હતી.
બીજી તરફ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા પારેખ એપાર્ટમેન્ટમાં ફ્લીપકાર્ટ કંપનીનું વેરહાઉસ હોઇ તેમાંથી કોઇ રૂપિયા 3,59,426ના મોબાઇલ ફોન નંગ ચોૈદ ચોરી જતાં આ વેરહાઉસના એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં રાજનગરના મહેશભાઇ મોહનલાલ રાઠોડે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ આઇ. એ. બેલીમે તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં બામણબોર રહેતાં પશુપાલકે પોતાના ગાય-ભેંસ સહિત 29 પશુ હીરાસર નજીક બંસલ પંપ પાછળ વીડીમાં ચરવા મુક્યા હતાં તેમાંથી બે પાડી અને એક પાડો ચોરાઇ ગયા હતાં. આ ચોરી કરનારા ત્રણ શખ્સોને મોલડી પોલીસે ડોસલીધુનાથી પકડી લેતાં એરપોર્ટ પોલીસે કબ્જો મેળવવા તપાસ શરૂ કરી છે. આ બનાવમાં એરપોર્ટ પોલીસે નવાપરા બામણબોરમાં રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં હરેશભાઇ રઘુભાઇ રાઠોડની ફરિયાદ પરથી થાનના સરાણીયા સમંદર રાજુભાઇ ચોૈહાણ, સાયલાના સાજન વીહાભાઇ પરમાર અને વાંકાનેરના રવિ રઘાભાઇ સિંધવ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે. હરેશભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પશુપાલન કરી ગુજરાન ચલાવુ છું. મારે 15 ભેંસો અને 14 ગાયો મળી 29 પશુ છે. આ બધા માલઢોરને હું બામણબોર ગામની વીડ વિસ્તારમાં બાંધી રાખુ છું.
તેમણે આગળ કહ્યું હતું કે ગત 25/12ના રોજ મારા માલઢોરને સાંજે સાતેક વાગ્યે બામણબોરની સીમની બાજુમાં હીરાસરના બંસલ પંપની પાછળના ભાગે આવેલ વીડમાં ચરાવવા મુકી આવ્યો હતો. જે તે વખતે નાની મોટી ગાયો ભેંસો મળી 29 ઢોર ત્યાં ચરવા મુક્યા હતાં. બાદમાં રાતે હું મારા ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે સવારે પાંચેક વાગ્યે ઢોર દોહવા જતાં એક પાડો જેની ઉમર ચાર વર્ષ છે તથા બે પાડી જેની ઉમર બબ્બે વર્ષની છે તે જોવા મળ્યા નહોતાં. આથી મેં આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ મારા આ પશુ મળી આવ્યા નહોતાં. દરમિયાન મને જાણવા મળ્યું હતું કે 29મીએ મોલડી પોલીસે ડોસલીધુના ગામેથી માલઢોર ચોરવા આવેલા શખ્સોને પકડ્યા છે. આથી હું મોલડી પોલીસ સ્ટેશને જતાં એ શખ્સોએ મારા પાડા-પાડી ચોરી લીધાનું પોલીસ સમક્ષ કબુલ કર્યુ હતું. આ શખ્સોના નામ સમંદર રાજુભાઇ ચોૈહાણ, રવિ રઘાભાઇ સિંધવ અને સાજન વિહાભાઇ પરમાર હતાં. આ ત્રણેયએ કહ્યું હતું કે તેણે મારા ત્રણ માલઢોર વેંચી દીધા છે. જેની કિમત આશરે પચાસ હજાર હતી. એરપોર્ટ પોલીસ મથકના હેડકોન્સ. પી.જી. ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:22 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech