દબાણ કરનારાઓની યાદી મહેસુલ વિભાગ પાસે તૈયાર : ધડાધડ હાથ ધરવામાં આવશે ડિમોલિશન
રાજકોટ, તા. 10
રાજ્ય સરકારને દબાણોની એક નહીં અનેકવિધ ફરિયાદો મળી હતી જેને લઇને તાકીદે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી જેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણો દેખાય અથવા તો સામે આવે તો તેને દૂર કરી દેવાય આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી ત્યારે ફરી એક વખત ગઈકાલે રેવન્યુ વિભાગ દ્વારા વાવડી વિસ્તારમાં આવેલી સરકારી જગ્યા પર જે દબાણ કરવામાં આવ્યું તેને દૂર કરવામાં આવ્યું હતું અને આશરે 25 કરોડની જગ્યા ખુલી કરાવવામાં આવી હતી. વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારની અનેક મિલકતોની યાદી વિભાગ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે ત્યારે ભવિષ્યમાં એટલે કે આગામી દિવસોમાં તીવ્ર વેગથી દબાણો દૂર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી રેવન્યુ વિભાગ દ્વારા એ તમામ ઉપર નજર રાખવામાં આવી છે કે જેમના દ્વારા ગેરકાયદે દબાણ ઊભા કરવામાં આવ્યા હોય ત્યારે ફરી એક વખત ગઈકાલે વાવડીમાં કહી શકાય કે 25 કરોડની જગ્યા દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.વાવડીમાં રેવન્યુ તંત્રની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા કાચા-પાકા મકાનોનાં ડિમોલીશન દરમ્યાન દબાણકર્તાઓએ રેવન્યુનાં સ્ટાફ સાથે ઉગ્ર માથાકૂટ કરી અને ચાલુ ડિમોલીશને વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા થોડો સમય આપવામાંગ કરતા ડિમોલીશનમાં વિઘ્ન સર્જાયું હતું છતાં તંત્રએ ડિમોલીશનની કાર્યવાહી યથાવત રાખી હતી.
ગેરકાયદે બંધાઇ ગયેલા 51 મકાનોનાં દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ-હટાવવા માટે નોટીસો ફટકારી હતી. પરંતુ નિયત સમયમાં દબાણો નહીં હટાવાતા આજરોજ રેવન્યુ રૂૂડા અને આરએમસી દ્વારા સંયુક્ત રીતે વાવડી સર્વે નં. 149 અને ટીપીમાં આવેલી પાંચ હજાર ચો.મી. જેટલી અને અંદાજીત રૂૂા.25 કરોડની કિંમતની સરકારી જમીન પરથી દબાણો હટાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરમ્યાન આ દબાણ હટાવ ઝુંબેશ સમયે રાજકોટ તાલુકા, મામલતદારના સ્ટાફને દબાણકર્તાઓ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું અને ઉગ્ર માથાકૂટ સર્જાઇ હતી.
મળતી માહિતી મુજબ દબાણ દૂર કરતાં સમયે સ્થાનિકો દ્વારા ઉગ્ર બોલાચાલી પણ કરવામાં આવી હતી ત્યારે આ વાતને શાંત પાડવા માટે રાજકોટ પ્રાંત બે અધિકારી મહેક જૈન ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમની રજૂઆત અને માંગણીને સાંભળી હતી એટલું જ નહીં તેઓએ આશ્વાસન પણ આપ્યું હતું
શહેર અને જિલ્લામાં અનેક દબાણો છતાં કેમ અધિકારીઓના નજરે પહેલા કેમ ન આવ્યા
વહીવટી વિભાગની સાથોસાથ રેવન્યુ ક્ષેત્રના તજજ્ઞ જણાવી રહ્યા છે કે શહેર અને જિલ્લામાં અનેક સરકારી જગ્યાઓ પર દબાણ થયા છે છતાં પણ ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓને કેમ એ દબાણ પહેલા નજરમાં ન આવ્યા જો તે સમયે એક્શન લેવામાં આવ્યા હોત તો આજે આ પરિસ્થિતિ ઉભી ન થાત પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો મહેસુલ વિભાગ અને રેવન્યુ તંત્ર પર ઉભા થઈ રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અનેકવિધ સ્થળો પર ગેરકાયદે દબાણ ઊભા થઈ ગયા છે જેની યાદી કલેકટર વિભાગ પાસે પણ છે છતાં ભૂતકાળમાં અધિકારીઓને પણ આ અંગે તમામ માહિતી હતી છતાં તેમના દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.