શાકભાજીના સતત વધી રહેલા  ભાવોથી ગૃહિણીઓ તૌબા તૌબા

તબિયતને ટનાટન રાખતાં લીલા શાકભાજીના ભાવોમાં શિયાળાના આગમને પણ કોઇ રાહત નહિ

ભાવોમાં ભકડો કરવા પાછળ કોણ કારણભુત? તેનો રસપ્રદ સર્વે થયો હોલસેલર્સ અને રિટેલર્સ કરી જાય છે દાવઃ ખેડૂતોને મળે છે મામુલી ભાવ

રાજકોટ મિરર તા. 31

રાજ્યભરમાં છેક નવરાત્રી સુધી અને ત્યારબાદ પણ વરસાદે વરસવાનું ચાલુ રાખતાં જગતાત પર આફત આવી પડી હતી. અનેકના ઉભા પાક નષ્ટ થઇગયા હતાં તો અનેક ખેડૂતોના તૈયાર મોલ તણાઇ ગયા હતાં. પાછોતરા વરસાદને કારણે રાજ્યભરમાં શાકભાજીના ભાવોમાં પણ ભડકો બોલી ગયો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં અને ખાસ કરીને તહેવારના દિવસો વખતે કોઇને કોઇ કારણોસર શાકભાજીના ભાવો વધી જતાં જોવા મળે છે. શાકભાજી ભાવ આખું વર્ષ હવે ન પોષાય તે રેન્જમાં આવી ગયા હોવાથી ત્રસ્ત પ્રજાને લૂંટવા માટે વેપારી આલમ રોજને રોજ કોઈને કોઈ બહાના હેઠળ શાકભાજીના ભાવમાં ભડકો કરી રહ્યા છે. શિયાળાના આરંભે પણ શાકભાજીના ભાવો ન ઘટતાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો છે.

વિગતો જોઇએ ત શાકભાજી અને ફળ બજારના સરવે થતાં ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને 70 ટકા રકમ સેરવી લેતા હોવાની હકીકત જાહેર કરી તે વાસ્તવમાં બહાર આવી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એપીએમસીમાં ખેડૂતો વેપારીઓને હાથે લૂંટાઈ રહ્યા હોવાની એક ફરિયાદ કરી છે. શાકભાજીના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ફુગાવાનો દર પણ ઊંચો જઈ રહ્યો છે. આ સીઝનમાં કમોસમી વરસાદ અને પાકના ઓછા ઉતારાને નામે બુમરાણ મચાવીને શાકભાજીના ભાવમાં ભડકો કરી દેવામાં આવ્યો છે. એક જમાનો હતો જ્યારે ચોમાસામાં અને શિયાળામાં શાકભાજી એકદમ નીચા આવી જતાં હતા, પરંતુ છેલ્લા થોડા વરસોથી શાકભાજીના ભાવ શિયાળાની કે ચોમાસાની સીઝનમાં પણ ઊંચા જ રહે છે.

પરંતુ  તેની સામે ખેડૂતોની આવકમાં અપેક્ષા પ્રમાણેનો વધારો થતો નથી. કારણે વધારેમાં વધારે ફાયદો હોલસેલર્સ અને રિટેઈલર્સ જ ખાઈ જાય છે. તેનાથીય આગળ વધીને વાત કરીએ તો વચોટિયાઓ કે કમિશન એજન્ટ્સ પણ ખેડૂતની આવકમાંથી થોડોગણો હિસ્સો પડાવી લેવાની કવાયત કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ઓક્ટોબર મહિનાના ત્રણ અઠવાડિયા સુધી બટાકાનો હોલસેલ માર્કેટમાં છૂટક સરેરાશ કિલોદીઠ ભાવ રૂ.21નો રહ્યો છે. તેની સામે બટાકાના છૂટક ભાવ કિલોદીઠ એરિયા પ્રમાણે રૂ. 50થી 60ના બોલાયા છે.   વઘુ માલ વેચી દેવા માગતા અને વઘુ ટર્નઓવર કરવા માગતા છૂટક વેપારીઓ રૂ.100ના અઢી કિલો બટાકા વેચતા હોવાનું પણ જોવા મળ્યું છે.

આમ હોલસેલમાં બટેકાના સરેરાશ કિલોદીઠ રૂ.21ના ભાવ સામે છૂટકમાં 150 ટકા ઊંચા રૂ. 50ના સરેરાશ ભાવ જોવા મળ્યા છે. એપીએમસીમાં ઓક્ટોબરના પહેલા ત્રણથી સાડાત્રણ અઠવાડિયા રોજની બટેકાની સરેરાશ આવક 25000 ક્વિન્ટલની રહી છે. આ જ રીતે ડુંગળીનો સરેરાશ રૂ. 34થી  37ના ભાવ સામે છૂટક બજારમાં ડુંગળીના રૂ. 80ના ભાવ બોલાયા છે.  સાવ કચરા જેવા દેખાલા ફુલાવરના નંગદીઠ રૂ.50થી 70 ખંખેરી રહ્યા છે.ટામેટાંના સરેરાશ રૂ. 66ના કિલોદીઠ ભાવ સામે છૂટક બજારમાં રૂ. 120થી 140 જેટલા લઈ રહ્યા છે. હોમ ડિલિવરી આપતી કંપનીઓના માલની ગુણવત્તા ખરાબ હોય તો તેમજ તેના માલના વજન પણ ઓછા હોવાની ફરિયાદ છે. આ સંજોગોમાં આમ આદમીને શાકભાજી ન પરવડે તેવી રેન્જમાં આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો ચાર માસની મહેનત પછીય નથી કમાતા તેનાથી ઘણું વધારે એપીએમસીના વેપારીઓ ચાર કલાકમાં કમાઈ લે છે. આ સંજોગોમાં ખેડૂતો પાસેથી ખરીદવાના ભાવ અને છૂટકમાં વેચાતા ભાવ વચ્ચેનો ગાળો નિશ્વિત કરી આપવો જોઈએ. અન્યથા આમઆદમી વેપારીઓના ખેલમાં લૂંટાતા જ રહેશે. શાકભાજી હોલસેલના ભાવ છૂટક ભાવ પર નજર કરીએ તો રિંગણ-ભુટ્ટા રૂ. 24, રૂ.60થી 80, રવૈયા રૂ.24, રૂ. 60થી 80, ટામેટાં-રૂ.60, રૂ. 120થી140, દૂધી-રૂ.60 તથા રૂ.70થી 80,  કોબી-રૂ.18 રૂ. 60થી 80, ભીંડા-રૂ.25, રૂ.120 કે વઘુ, સરગવો-રૂ.75, રૂ150 કે વઘુ તથા ફુલાવર જથ્થાબંધ એક કિલોના રૂ.46 તથા છુટક રૂ. 70 નંગના ભાવ બોલાઇ રહ્યા છે. આમ શાકભાજીના ભાવ શિયાળાનો આરંભ થવા છતાં નહિ ઉતરતાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:53 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech