સંસ્કારી નગરી રાજકોટની ખેવના ન કરનાર જવેલર્સની આબરૂના થયા ધજાગરા !
હોટેલ કમ્ફર્ટના રૂમ નં-105માં ચાલતો હતો ટોકન વડે જુગાર 12 લાખ રોકડા સહિત કુલ 63 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ મિરર, તા.27
ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટથી બે કારમાં પોણો ડઝન શખ્શો જુગાર રમવા આવ્યા છે અને એ લોકો માતબર રકમ નીચે કારમાં રાખી હોટેલના રૂમ નંબર 105માં ટોકનથી જુગાર રમી રહ્યા છે. રાત્રીના સવા વાગ્યે બાતમી બાદ પોલીસે કમ્ફર્ટ હોટેલમાં ત્રાટકતા ત્યાં હોટેલમાં નીચે પાર્કિંગમાં ચિરાગ અને ગોપાલને પીઆઈ વાય.કે.ગોહિલ અને સ્ટાફે દબોચ્યા બાદ રૂમ નંબર 105 માં રમતા નવ શખ્શોને ઝડપી લીધા હતા.
દરોડા દરમીયાન રજનીકાંત દેત્રોજા નામના શખ્સનું નામ ખુલ્યા બાદ પોલીસે તેમની પણ અટક કરી હતી. બીજીબાજુ પકડાયેલા મોટા માથા હોવાથી ભલામણોના ફોન ધણધણતા કહેવાય છે કે પોલીસે તમામ આરોપીઓને સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસ મથકમાંથી જામીન પર મુક્ત કરી દીધા હતા.
ટંકારા નજીકની હોટેલમાં ચાલતા જુગારધામ પર પોલીસે ત્રાટકીને રાજકોટના શિલ્પા જવેલર્સ વાળા ભાસ્કર પારેખ સહીત 9 પંટરોને કાર, 8 મોબાઈલ અને રોકડ 12 લાખ મળી રૂ. 63.15 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતા ચકચાર જાગી છે. જ્યારે મોરબીના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ટે દરમિયાન મોરબી ટંકારા હાઇવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાં અલગ અલગ નામથી રૂમ ભાડેથી રાખી અમુક શખ્શો હોટલ બહાર સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી જીજે 03 કેસી 1400માં રાખી અલગ અલગ કલર અને તેના પર અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટિકના કોઈન વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. દરમિયાન પોલીસે બાતમીવાળી હોટેલના પાર્કિંગમાં દરોડો પાડતા ત્યાં ઉભેલી બે કાર મળી આવતા તેમાં બેઠેલા બે શખ્શોની સધન પુછપરછ કરવામાં આવતા જુગારધામ ચાલતું હોવાનું બંનેએ કબૂલતા તેમજ કારમાંથી રોકડ પણ મળી આવી હતી. દરમિયાન પોલીસ હોટેલના રૂમ નં-105 માં ત્રાટકતા ત્યાં પ્લાસ્ટિક કોઈન વડે જુગાર રમતા નવ શખ્શ પકડાઈ ગયા હતા.
જેમાં જુગાર રમવા માટે બહારથી માણસો લઇ આવનાર ડ્રાઈવર ગોપાલ રણછોડ સભાડ ઉ.વ. 27 (રહે. મા શક્તિ વૈશાલી નગર 4, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ), જુગારી શખ્શોના પૈસા સાચવનાર ડ્રાઈવર ચીરાગ રસીક ધામેચા ઉ.વ. ર4 (રહે.માતૃકૃપા શેરી નંબર 1, ગાંધીગ્રામ, રાજકોટ), કમ્પફર્ટ હોટલમા તેના ડ્રાઈવરના નામથી રૂૂમ બુક કરી જુગાર રમનાર રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ. 46( રહે. ગામ ખરેડી તા.કાલાવડ જી. જામનગર). રવિ મનસુખ પટેલ ઉ.વ.3ર (રહે- મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, મોરબી), વિમલ રામજીભાઇ પાદરીયા ઉ.વ.43, (રહે. તિરૂૂપતિ નગર સોસાયટી 1, રૈયા રોડ, રાજકોટ) ભાસ્કર પ્રભુ પારેખ( રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ,રાજકોટ), કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.39, (રહે. આર. કે.પાર્કની બાજુમા રાણી ટાવર, પાછળ કાલાવડ રોડ, રાજકોટ), શૈલેષ ગંગદાસ ઠુંમર ઉ.વ. 49, (રહે.શ્રીજી પાર્ક સોસાયટી, સત્યસાંઈ રોડ, રાજકોટ) તેમજ નિતેષ નારણ ઝાલરીયા, ઉ.વ. 45 (રહે. ઉમા પાર્ક સોસાયટી,અવની રોડ, મોરબી)નો સમાવેશ થાય છે. જ્યારે રજનીકાન્ત ભરત દેત્રોજા (રહે ચિત્રકુટ સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી)
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ 12 લાખ, ફોર્ચ્યુનર કાર 2 કીમત રૂ 50 લાખ, મોબાઈલ નંગ 8 કીમત રૂ 1,15,000 સહીત કુલ રૂ 63,15,000 નો મુદામાલ જપ્ત કર્યો છે.
અત્રે એ નોંધનિય છે કે, ટંકારામાં થોડા દિવસો પહેલા સ્ટેટ મોનીટરીંગ સેળ દ્વારા ડુપ્લીકેટ ઓઈલનું કૌભાંડ પકડી પાડ્યું હતું. હવે હોટેલમાંથી જુગારધામ પકડાતા ચકચાર જાગી છે.
ભાજપ અગ્રણી સહિત કમ્ફર્ટ હોટેલના પાંચ ભાગીદારો
રાજકોટ મિરર, તા.27ઃ ટંકારા નજીકના વીરપર પાસે આવેલી કમ્ફર્ટ હોટેલના પાંચ ભાગીદારો હોવાનું કહેવાય છે. જેમાં ત્રિભોવન પટેલ, રૂૂપેશ કારિયા કે જે મોરબી ભાજપના અગ્રણી આગેવાન સહિત પાંચની ભાગીદારી આ હોટેલમાં હોવાનું મનાય છે.
પોલીસની પ્રેસનોટમાં જુગારીયાઓના નામ સરનામામા ભુલ જાણી જોઇને કે પ્રિન્ટીંગ મિસ્ટેક ? ભાસ્કરને ભાસર અને સરનામુ પણ જુનુ : જયારે રાજકોટના વિમલ રામજીભાઇ પાદરીયાને દર્શાવાયો વિલભાઇ રાજીભાઇ પટેલ એ પણ મોરબી નિવાસી
દરોડા સમયે પોલીસે કબજે કરેલો મુદ્દામાલ
500ના દરની નોટો રોકડ રકમ રૂૂપિયા 12,00,000/-, રૂ. 25-25 લાખની 2 કાર જેમાં ફોર્ચુનર કાર જીજે 0 કેસી 1400 અને જીજે 03 એમએચ 7021, રૂ.1.15 લાખના 8 મોબાઈલ, અલગ અલગ કલર તથા અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટીકના કોઈન 225 કોઈન મળી કુલ મુદ્દામાલરૂ. .63,15,000નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ટંકારા પો.સ્ટે.ના પો.ઈન્સ. વાય.કે.ગોહિલ તથા અ.હે.કો. મહિપતસિંહ હરીસિંહ, સાહીદભાઈ સિદ્દીકી, અ.પો.કો. દશરથસિંહ ધનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીરાજસિંહ, બીપીનકુમાર અમરસીભાઈ તેમજ આ.પો.કો. સોયેબભાઈ ગુલામભાઈ દ્વારા કરવામાં આવી હતી.
ટંકારામાં જુગટુ રમતા ઝડપાયેલી ટોળકી રાજકોટમાં પણ પકડાઈ હતી પરંતુ તગડી રકમ દઈ છટકી ગયાની ચર્ચા
રાજકોટ,તા.27ઃ ટંકારામાં લાખોની રકમ સાથે જુગાર રમતા ઝડપાયેલ જુગારી ટોળકી છ માસ પહેલા રાજકોટમાં યુનિવર્સિટી રોડ પાસેના એક કોમ્પલેક્ષમાં લાખોની રકમ સાથે ઝડપાઈ હતી અને જુગાર રમતી વેળાએ દારૂની મહેફીલ પણ માણતી હોવાનુ અખબારોના પાને ચમકયું હતું. પરંતુ આ જ જુગાર રમાડનાર અને આ જ જુગાર રમનાર લોકો એક ચોક્કસ બ્રાંચ પોલીસ કાફલાને તગડી રકમનો પ્રસાદ ધરી છટકી ગયા હતાં. પકડાયેલા શખ્સો અવારનવાર અલગ અલગ સ્થળે જુગાર રમતા હોવાની ચર્ચા છે ત્યારે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા હોવાનું કે તેઓના મોટા તોળ થઈ ગયા હોવાનું મનાય છે. જો આ જ શખ્સોની નાર્કો ટેસ્ટ સહિતની પધ્ધતિથી તપાસ કરવામાં આવે તો કાંઈક માલ ખાઉં પોલીસ અધિકારીઓની પણ ચોંકાવનારી વિગતો પ્રકાસમાં આવી શકે તેમ પોલીસ બોર્ડમાં ચર્ચાઈ રહ્યું છે.
સાગઠીયા પ્રકરણમાં `બચી’ ગયા તો ટંકારાકાંડમાં ‘ઝપટે’ ચડયા !
શહેરના મોટાગજાના ઝવેરીનુ નામ સાગઠીયાના સાથીદારના લીસ્ટમાં સંડોવાયુ હતું જવેલર્સ ઉપરાંત પાછલા બારણે બિલ્ડર્સ તરીકે પણ જાણીતા એવા ભગવાનના દાસ એવા ઝવેરીનું નામ સાગઠીયા પાસેથી પકડાયેલા સોના અને જવેરાતમાં ચમકયુ હતું. પરંતુ પોલીસ તથા એસીબીની તપાસથી બચી ગયા પરંતુ કુદરતના ન્યાયમાં ઝપટે ચડી ગયા અને બદનામીના ખપ્પરમાં સપડાઈ ગયા હતાં.
ભાસ્કર અપહરણકાંડમાં પોલીસે જીવ સટોસટનો ખેલખેલી અપહૃતોને છોડાવ્યા હતાં પરંતુ એ અપહૃતો કોર્ટમાં થયા ‘હોસ્ટાઈલ’!
રાજકોટ,તા.27ઃ ટંકારા નજીકની હોટલ ક્નર્ફટ ખાતેથી લાખોની રોકડ સાથે જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં એક શખ્સ રાજકોટના શિલ્પા જવેલર્સના મુખ્ય સંચાલક પ્રભુદાસ પારેખનો પુત્ર ભાસ્કર પણ હતો. આ ભાસ્કર અને સત્યમ સ્ટોર્સ વાળા પરેશ શાહનું ઘણા વર્ષો પહેલા કાઠીયાવાડ જીમખાના પાસેથી દુબઈની ગેંગે અપહરણ કર્યુ હતું અને બાદમાં લાખોની ખંડણી માંગી હતી. જે પ્રકરણનો કેસ વર્ષો બાદ હાલમાં નામદાર કોર્ટમાં બોર્ડ ઉપર આવ્યો છે. ભાસ્કર અપહણ કાંડે રાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ અને ચકચાર મચાવી હતી. રાજકોટ પોલીસે જીવ સટોસટની બાજી લગાવી અપહણકારો પાસેથી બન્નેને છોડાવ્યા હતાં. આ પ્રકરણે પોલીસે એક એન્કાઉન્ટર પણ કર્યુ હતું.
આશ્ચર્યની વાત તો એ છે કે, રાજકોટના પોલીસ તંત્રએ ગજબના હિંમત અને કૂનેહ વાપરી આ પ્રકણની તપાસ કરી હતી. આ દુબઈના અમુક માફીયાઓ સહિતના આરોપીઓની ધરપકડ પણ કરી હતી. 20-25 વર્ષ પહેલા આ પ્રકરણમાં કાર્ય નિષ્ઠ પોલીસ અધિકારીઓ સર્વશ્રી સુધીર સિન્હા, સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓ શૌર્યતા દાખવી ઐતિહાસીક કામગીરી કરી હતી અને પ્રમાણિક અને નિષ્ઠાથી ફરજ બજાવી ખુંખાર ગુન્હેગારોને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
પોલીસે એન્કાઉન્ટ કરી માફીયાઓ સાથે કાયમી દુશ્મનાવટ પણ વ્હોરી લીધી હતી. પરંતુ જેમના માટે અને જેમને બચાવવા જીવ સટોસટની બાજી લગાવી હતી એ અપહૃત ભાસ્કર પ્રભુદાસ પારેખ ભારે આશ્ચર્ય સાથે કોર્ટમાં હોસ્ટાઈલ જાહેર થયો હતો. આમ જોઈએ તો ખુંખાર માફીયાઓને કોઈ અગમ્ય કારણોસર આડકતરી મદદગારી જ કરી ગણી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાસ્કર અપહણકાંડ સમયે પોલીસ, પ્રેસ અને પબ્લિકે પારેખ તથા શાહ પરિવાર માટે લાગણી અને હમદર્દી દાખવ્યા હતાં પરંતુ શિલ્પા જવેલર્સના સંચાલકો એટલે કે પારેખ પરિવાર રાજકોટની અસ્મિતા અને સંસ્કારીતા માટે કાળજી દાખવી શકવામાં નબળા પુરવાર થયા છે.
કારણ કે શહેરના મુખ્ય માર્ગો પર જર જવેરાતની જાહેરાતોમાં અશ્લિલતા લાગે તેવા અમુક હોર્ડિંગ્સ આજે પણ મુખ્ય માર્ગો પર નૈતિકતાના અધપતનની ચાળી ખાઈ રહ્યાં છે.
ભગવાનના દાસ જેવા નામ પણ કામ અસંસ્કારી?!
કઢંગી જાહેરાતોના કારણે કૈકના મસ્તક શરમથી ઝુકતા હતા પરંતુ ઈશ્વરે ઝુકાવનારાના ઝુકાવ્યા ! લોકવાયકા અને કહેવત હંમેશા સાચી પડી છે. એવુ કહેવાય છે કે જૈસી કરની વૈસી ભરની, કરેલા કરમના બદલા દેવા રે પડે છે, રાજકોટના મુખ્યમાર્ગો પરથી પસાર થતી બહેન દિકરીઓના મસ્તક શરમથી ઝુકી જાય તેવા હોર્ડિંગ્ઝો ભૂતકાળમાં લાગ્યા છે અને હજુ પણ લાગેલા જ છે રાજકોટ મિરરે આ અંગે લોકોની લાગણીને વાચા પણ આપી હતી અને તેમા અમુક જ્વેલર્સ રાજકોટની ગરિમા અને અસ્મિતા અંગે વિચારીને અમુક હોર્ડિંગ્ઝ બદલાવી પણ નાખ્યા પરંતુ ભગવાનના દાસ જેવા નામ પરંતુ સંસ્કારીતાના સતત પ્રદર્શન કરતા અમુક લોકોના પેટનું પાણી હલ્યુ ન હતુ અને હોર્ડિંગ્ઝ યથાવત રાખ્યા હતા પરંતુ `વાર્યા ન વળે તે હાર્યા વળે’ તેવી કહેવતો મુજબ જેવુ વાવશો તેવુ જ લણશો તે કહેવત મુજબ શહેરની અસ્મિતા અને સંસ્કારીતાને બાટ્ટો લગાડનારના પરિવારને જ પોલીસ સ્ટેશનની હવા ખાઇને બાપદાદાની આબરૂના ધજાગરા કરતા શહેરના નાગરિકો છાનાખૂણે એવુ ચર્ચી રહ્યા છે કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી હજુ વધુ ફટકા પડે તે પહેલા શહેરની સંસ્કારિતા અને અસ્મિતા અંગે વિચારાય તો સારૂ!
