શ્રીરામે જેટલી ચાવી ભરી હોય એટલું જ દેહ રૂપી રમકડું ચાલવાનું છે

ચિંતનની ક્ષણે

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે શુક્રવાર એટલે “તરાને કી તર્જ જીવન કાં અર્ક” એ અંતર્ગત વાત કરીશું. શિયાળો આવતાં હવે સૌ પોતપોતાના શરીર સ્વાસ્થ્ય માટે મંડી પડશે. સાંપ્રત સમયમાં લોકો શરીરને એટલું મહત્વ આપે છે કે, એની આળપંપાળ કરવામાં તેમજ બાહ્ય દેખાવને સુધારવા કે વધુ દેખાડવા થવામાં જ સમય અને ધન વાપરે છે, એટલે કે ભોગ કે મનોરંજનને પ્રાધાન્ય આપતાં આ સમાજમાં અમીર હોય કે ગરીબ દરેકની પોતાની જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે, કે એ પૂરી કરવામાં જ તેનું તમામ ધન ખર્ચાઈ જાય, અથવા તો ભવિષ્યમાં આ જરૂરિયાતો પૂરી થઈ શકે, એ માટે બચાવવામાં આવે છે. પરમ કૃપાળુ પરમાત્માનો જેમાં વાસ છે એવાં દેહ રૂપી દેવળનું જતન કરવું એ જરૂરી પણ છે. પરંતુ એનાં લાલન પાલનમાં એ પરમાત્મા વિસરાઈ જાય છે, અને માનવી માનવતા ભૂલીને પરમાર્થની બદલે સ્વાર્થનો માર્ગ પકડી એટલો આગળ નીકળી જાય છે, કે પછી પાછું ફરી શકાતું નથી. પરંતુ અહીંથી કોઈ કંઈ લઈ જઈ શકતું નથી, માટે ઈશ્વરે ધન એશ્વર્ય આપ્યું હોય, તો થોડું દાન ધર્મ પણ કરવું જોઈએ. માનવીનાં જન્મ સાથે જ તેનાં મૃત્યુની ઘડી નક્કી થઈ જતી હોય છે, એટલે કે આયુષ્ય કેટલું છે તે નક્કી થઈ જતું હોય છે. પરંતુ માનવી ખુદ તે જાણતો નથી, પણ અહીંથી જવાનું જ છે એક દિવસ, એ સત્ય તો સૌ કોઈ જાણે છે, પણ અજાણ્યું કરી જીવે છે. તો આજે આપણે એવા જ એક ગીતનો સંદર્ભ તારાને કી તર્જ જીવનકા અર્ક માં ચિંતન તરીકે જોઈશું.
રોતે રોતે હંસના શીખો,
હસતે હસતે રોના,
જીતની ચાબી ભરી રામને,
ઉતના ચલે ખિલોના.
1987માં બનેલી અંધા કાનૂન નામની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં, આ ગીતનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ, અને ગીતના શબ્દો આનંદ બક્ષી સાહેબના છે. એક ફોરેસ્ટ ઓફિસર તરીકેની સર્વિસ કરતા અમિતાભ બચ્ચનને કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ કહાની થી આપણે સૌ પરિચિત છીએ.
કવિએ આ બે લાઈનમાં જીવનનો સાર કહી દીધો છે. સમય સંજોગ ક્યારેક માનવી ને રડાવી જાય છે, તો ક્યારેક હસાવી જાય તેવા આવતા હોય છે, અને એમાંથી અનુભવ લઇ જીવન સરળ બનાવવાનું હોય. પરંતુ તેને લાંબો સમય મન ઉપર લેવા ન જોઈએ, કારણ કે સમય છે, આ પણ વીતી જશે, એ સત્ય જાણતા હોવા છતાં, સંસારી જીવથી એવું થતું નથી, અને કોઈ વાર તો નાની એવી સમસ્યા હોય તો પણ દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય, તેમ આપણે હતાશ પણ થઇ જતાં હોઈએ છીએ. આ હતાશામાંથી બહાર આવીએ ત્યાં બીજી સમસ્યા આંગણે આવીને ઉભી હોય છે. એટલે જીવનનો જે આનંદ લેવાની ક્ષણો હતી, એ આપણી જ ગેરસમજને કારણે આપણે ગુમાવી દીધી, અને પછી ઇશ્વરનો,કે પ્રારબ્ધનો દોષ કાઢીએ. પરંતુ ક્યારેક સહન શક્તિ ઓછી હોય છે, ક્યારેક ધીરજ ઓછી હોય છે, તો ક્યારેક વધુ પડતી ચંચળતાને પરિણામે, મન કે બુદ્ધિ શાંત થઈ શકતા નથી, અને એને પરિણામે દુ:ખ મોટા લાગતા હોય છે.
માનવીનાં જન્મ સાથે જ તેનું મૃત્યુ પણ છે, એ સત્ય નિશ્ચિત થઇ જતું હોય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ તો ત્યાં સુધી કહે છે કે, મૃત્યુની ક્ષણ પણ જન્મ સાથે જ નક્કી થઈ જતી હોય છે. એટલે કે આયુષ્ય કેટલું રહેશે, અને મૃત્યુ કેવું હશે! એ બાળકનાં જન્મની સાથે જ લખાયેલું હોય છે, અને એટલે જ આપણે ત્યાં બાળકની છઠ્ઠી માંડવાનો રિવાજ છે, અને એવું માનવામાં આવે છે કે બાળક છ દિવસનું થાય, ત્યારે વિધાતા લેખ લખવા આવે છે. માત્ર મૃત્યુની ઘડી નહીં, પરંતુ તેનો જીવનમાં વિકાસ કેવો થશે, એટલે કે કેટલી સફળતા પ્રાપ્ત કરશે, કે પછી નિષ્ફળ રહેશે, વગેરે પણ ત્યારે જ નક્કી થતું હોય છે. પણ આ સત્ય અદ્રશ્ય હોય છે, એટલે કે આપણે જાણતા નથી કે આપણે સફળ થવાના છીએ, કે નિષ્ફળ થવાના છીએ, આપણે જીવનમાં સારા કર્મ કરી શકવાનાં છીએ, કે નથી કરી શકવાનાં, કે એવું કંઈ વિચારી શકીએ એ પહેલાં જ મૃત્યુની ક્ષણ આવી જવાની છે, પણ આ બધું જ કોઈ જાણતું નથી.છતાં જાણવાં જેવું એક સત્ય તો સૌ કોઈ જાણે છે, એટલે કે અહીંથી એક દિવસ વિદાય લેવાની જ છે, અને એ સમયે ગમે ત્યારે આવી શકે છે, માટે જીવનમાં કંઈક વિશેષ કે સારું કાર્ય કરવાની તક આપણને મળી છે, તો કરી લેવું જોઈએ,
જેણે જીવનમાં પહેલા શુભને મહત્વ આપ્યું હોય એ વ્યક્તિ ક્યારેક સારુ કર્મ કરશે એવી સંભાવના રહે. પરંતુ જેની દ્રષ્ટીમાં સતત લાભની શોધ કે ખોજ હોય,કે જેની દ્રષ્ટી સતત મોજ પર ચીટકેલી હોય, કે ક્યાંથી લાભ મળે તેમ છે, એ મેળવી લેવાની વૃત્તિ જેનામાં હોય, એ ફક્ત અને ફક્ત પોતાના માટે જ જીવી અને અહીંથી વિદાય થશે, એ પોતાના જીવનમાં કોઈ જ વિશેષ કે સારું કાર્ય કરી શકે નહીં. સારુ કાર્ય એટલે કે કોઈ પ્રત્યે સંવેદના રાખવી એ જ માનવતાનો ધર્મ છે, અને જીવ માત્ર પ્રત્યે સંવેદના એ જ હિંદુ સંસ્કૃતિની મુખ્ય ધરોહર છે. અહીં નાનામાં નાના જીવને મારવો એને પણ હિંસા કહેવામાં આવે છે, અને એની સુરક્ષા માટે પણ વિચારવામાં આવે છે, જેમ કે ગાય કૂતરા ને રોટલી આપવી પક્ષીને ચણ નાખવું અને કીડીયારું પુરવું.
આમ પણ આ ગીતના શબ્દો મુજબ જેટલી ચાવી રામે ભરી હશે, એટલું જ આ દેહ રૂપી રમકડું ચાલવાનું છે, અને એ ક્યારે અટકી જશે, એ આપણામાંથી કોઈ જાણતું નથી, એ ઘડી ગમે ત્યારે આવી શકે એમ છે, અને આવતી ક્ષણ પણ હોય શકે, એટલે એ પહેલાં હું કંઈક સારું કરી લઉં, એવું વિચારીને જીવવાનો હવે સમય આવી ગયો છે. કારણકે આજકાલ કાળ મૃત્યુ એટલે કે શારીરિક અવસ્થા પ્રમાણેનાં મૃત્યુ કરતાં, અકાળ મૃત્યુ વધુ થાય છે, અને આપણું શું લખાયું હશે, તે તો રામ જાણે! એ જે હોય તે, પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કંઈક કરવાની એક આશા પણ છે, અને સૌ કોઈ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સારું કાર્ય કરી સંવેદના નું વહેણ હૃદયમાં વહેતું રહે, એવું કંઈક કાર્ય કરે, તો જ આ સમાજનું ચિત્ર બદલાશે,અને અસમાનતાનો આ ગ્રાફ તો જ સમાન થશે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેમજ સદગુરુદેવ એ જોયેલું રામરાજ્યનું સ્વપ્ન પણ તો જ સાકાર થશે. ભારતની ભૂમિ પર જન્મ મળ્યો છે, તો આ જન્મભૂમિની મહાનતા વિશ્વમાં ઉજાગર કરવી, એ દરેક ભારતીયની ફરજ છે, અને આપણે સૌ આપણી ફરજ નિભાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:58 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech