આજીડેમ ચોકડી નજીક તુલસી પાર્કમાં બનાવની અરેરાટી
રાજકોટ: લગ્ન જીવન બાદ અમુક સમય પછી લગભગ દરેક દંપતિની ઇચ્છા સંતાનસુખ મેળવવાની હોય છે. જો કે ઘણીવાર કોઇપણ કારણોસર આવા સુખથી કોઇ વંચીત રહી જતું હોય છે. આને કારણે ઘણીવાર જે તે પરિણીતા નાસીપાસ પણ થઇ જતી હોય છે. આવા એક બનાવમાં આજીડેમ ચોકડી નજીક માનસરોવર સોસાયટી પાસે તુલસી પાર્કમાં રહેતી અસ્મીતાબેન ગોૈતમભાઇ હેરભા નામની પરિણીતાએ ઘરના નવેળાની જાળીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. લગ્નના એક દસકા બાદ પણ તેણીને સંતાન સુખ પ્રાપ્ત ન થતાં દુ:ખી રહેતી હોવાનું જણાવાયું હતું. આત્યમહત્યાના બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે સ્ટેશનના હેમતભાઇ ધરજીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અસ્મીતાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણીના માવતર જુના માર્કેટ યાર્ડ પાછળ ભીચરી ગામે રહે છે. દસ વર્ષના લગ્ન જીવન બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહેતાં પોલીસે નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી.