નવીદિલ્હી, તા. 4
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ જ કારણ છે કે પાકિસ્તાન આ દિવસોમાં ડરમાં જીવી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ભારતની સરહદે નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો છે. પહેલગામ પર તણાવ વચ્ચે, પાકિસ્તાની સેના દ્વારા સતત 10મી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. બીજી તરફ, ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતના આ પગલાથી ગભરાયેલા પાકિસ્તાને સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાનું સત્ર 5 મેના રોજ યોજાવાનું છે. આ સત્રમાં પાકિસ્તાન-ભારત તણાવ, નિયંત્રણ રેખા (કજ્ઞઈ) પરની પરિસ્થિતિ અને પહેલગામ ઘટના પછીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. સત્ર પહેલા, સરકાર અને વિપક્ષના સભ્યો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રમાં ભારતની કાર્યવાહીની નિંદા કરતો સંયુક્ત ઠરાવ પણ લાવવામાં આવી શકે છે. 5 મેના રોજ યોજાનાર રાષ્ટ્રીય સત્ર વર્તમાન રાષ્ટ્રીય સભાનું 16મું સત્ર હશે. પહેલગામ હુમલા પછી ઉતાવળમાં બોલાવવામાં આવેલા આ સત્ર પર બધાની નજર ટકેલી છે.
પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે, તેથી જ ઘણી હોટલો અને હજારો મદરેસા બંધ કરી દેવામાં આવ્યા છે. અઝાન પણ લાઉડસ્પીકરના ઉપયોગને બદલે સામાન્ય રીતે કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન એસેમ્બલીનું સત્ર ચર્ચાનો વિષય બનેલું છે. પાકિસ્તાન સતત પોતાનો ખુલાસો રજૂ કરી રહ્યું છે, જ્યારે તેની વાસ્તવિકતા કોઈથી છુપાયેલી નથી.