પારિવારીક બખેડો: ઘરના ને ઘરના બન્યા આરોપી!
સાસુ-વહુ-મામાજીએ પુત્રવધૂને માર મારી તલવારથી ટૂકડા કરવા ધમકી દીધી, સામે પુત્રવધૂએ પણ સાસુ-સસરાને મારકુટ કરી ધમકાવ્યા: પ્રજાપતિ સોસાયટીનો ડખ્ખો
રાજકોટ: ઘણા એવા ઘર પરિવાર હોય છે જ્યાં અંદરો અંદર જ માથાકુટ થતી રહેતી હોય છે. ડખ્ખા થયા પછી ઘરમેળે પતાવટ થઇ જાય તો વાંધો નથી આવતો, પણ ઘણીવાર વાત પોલીસ સુધી પહોંચી જતાં ઘરના ને ઘરના એક બીજાને આરોપી બનાવી દેતાં હોય છે. આવી જ એક ઘટનામાં મવડી ચોકડી પાસે પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં પરિવારજનો વચ્ચે બટાઝટી બોલી ગઇ હતી. જેમાં પુત્રવધૂને સાસુ, સસરા, મામાજીએ ફટકારીને તલવારથી ટૂકડા કરવાની ધમકી આપી હતી, તો સામે પુત્રવધૂએ પણ સાસુ-સસરાને માર મારી પતાવી દેવાની ધમકી આપી દેતાં પોલીસે સામ સામે કાર્યવાહી કરી હતી.
ચર્ચા જગાવતાં આ બનાવમાં તાલુકા પોલીસે પ્રજાપતિ સોસાયટી-2 એંસી ફુટ રોડ પર રહેતાં પાંસઠ વર્ષના શિવનાથસિંગ જલદાનસિંગ ચોૈહાણની ફરિયાદ પરથી પૂજા અને શીલુ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શિવનાથસિંગે જણાવ્યું છે કે હું મારા પત્નિ ગુડન સાથે રહુ છું. મારે બે દિકરા અને બે દિકરી છે. જેમાં મોટો દિકરો શીલુ છે અને તેનાથી નાની દિકરી પ્રીતિ, બાદમાં સોની અને સોૈથી નાનો અનિલ છે. અનિલ મુંબઇ રહે છે અને મોટો દિકરો મારા મકાનમાં નીચેના માળે તેની પત્નિ સાથે રહે છે. તેમણે આગળ કહ્યું હતું કે મારી દિકરા શીલુની પત્નિ પૂજા અવાર-નવાર મારા પત્નિ ગુડન સાથે માથાકુટ કરતી રહે છે.
હું મંગળવારે કામ ઉપર ગયો હતો ત્યારે મારા પત્નિ ગુડને મને ફોન કરી કહેલુ કે પૂજા ઉપરના માળે કપડા સુકવવા આવી હોઇ મેં તેને ના પાડતાં તેણે માથાકુટ કરી છે, મેં પોલીસ બોલાવી છે અને ફરિયાદ કરવા આવી છું. બાદમાં હું પણ પોલીસ સ્ટેશને ગયો હતો અને અમે અરજી કરી હતી. પૂજાએ પણ અમારા વિરૂધ્ધ અરજી કરતાં સામ-સામે મામલતદાર પાસે જામીન લેવડાવાયા હતાં. જામીન લઇ ઘરે પહોંચ્યા પછી પૂજાને અમે તે વારંવાર ઝઘડા કરતી હોઇ ઘરમાંથી નીકળી જવાનું કહેતાં તે ગાળો દેવા માંડી હતી અને હોસ્પિટલમાં જઇ દાખલ થઇ ગયેલ અને અમારા ઉપર ખોટી ફરિયાદ કરી હતી. રાતે દોઢ વાગ્યે પૂજાએ ડેલીનું તાળુ ખોલવાનું કહેતાં ના પાડતાં તેણીએ મારી નાખવાની ધમકી આપી હતી.
આ માથાકુટમાં સામા પક્ષેથી પુત્રવધુ પૂજાબેન શીલુ શીલુસિંગ ચોૈહાણએ પણ પોતાના સસરા શિવનાથસિંગ, સાસુ ગુડનબેન અને મામાજી ગોવિંદસિંગ વિરૂધ્ધ એફઆઇઆર દાખ કરાવી છે. પૂજાબેને જણાવ્યું છે કે હું પતિ અને બાળકો સાથે રહુ છું. મારે દિકરો, દિકરી છે. મારા લગ્નને સત્તર વર્ષ થયા છે. મારા સાસુ અને સસરા ઘરના ઉપરના માળે રહે છે. આ બંને મને નાની-નાની વાતે મારકુટ કરે છે. સાંજે છએક વાગ્યે મને મજા ન હોઇ સુતી હતી અને દિકરો ઘર બહાર તથા દિકરી શાળાએ ગયા હોઇ તેમજ પતિ પણ હાજર ન હોઇ સાસુ ગુડનબેન, સસરા શિવનાથસિંગ અને મામાજી ગોવિંદસિંગે ઘરમાં આવી ગાળો દઇ તું બહાર નીકળ આ મકાન મારુ છે કહી પાઇપ લઇ મારવા દોડી ત્રણેયે ભેગા મળી મનેઢીકાપાટુનો માર માર્યો હતો.
પૂજાબેને વધુમાં કહ્યું હતું કે સાસુએ વાળ પકડી ઢસડી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ત્રણેયએ તું મકાન ખાલી કરી ભાગી જજે નહિતર તલવારથી ટૂકડા કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
માલવીયાનગરના હેડકોન્સ. જનકસિંહ ગોહિલે બંને ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડખ્ખામાં સવારે સામ સામે કાર્યવાહી કરી પોલીસે મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતાં છતાં રાતે ફરીથી બખેડો થતાં જામી પડી હતી. બાદમાં પોલીસે બંને પક્ષે એફઆઇઆર દાખલ કરવી પડી હતી.