હોમગાર્ડસ-નાગરિક સંરક્ષણ દળ રમોત્સવનું શુભારંભ
શાંત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે હોમગાર્ડઝ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે સરકારને વિશેષ સહાય કરી શકે છે.જિલ્લા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગી પામેલા 260 ખેલાડીઓ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે
ગાંધીનગર, તા. 28
ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સંકુલ ખાતે આયોજિત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-2024ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીએ હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના સુપર ફીટ જવાનોને જોઇને ચોક્કસપણે કહી શકાય કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડઝનું ચિત્ર બદલાયું છે.
રાજ્યના નાગરીકો વતી હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે જવાનો સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે. જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે રમત-ગમત મહત્વનો ભાગ ભજવતી હોવાથી, આ જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ જવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તો કેટલાક પ્રતિભાવાન જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.
આગામી સમયમાં ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે રાજ્ય સરકાર આયોજન કરશે. રમત-ગમતમાં રસ ધરાવતા પ્રતિભાવાન જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રોફેશનલ અને કાયમી તાલીમ આપવા માટે આગામી સમયમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજિત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પસંદગી પામેલા આશરે 260 ખેલાડીઓ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ખેલાડીઓ ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા અને નાગરિક સંરક્ષણ ઝોન એમ કુલ 6 ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં 100, 200 અને 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ અને ખો-ખો રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રમતોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના પ્રતિભાવાન જવાનોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે, નાના ભૂલકાઓ દ્વારા યોગ કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ સમારોહના પ્રારંભે ગુજરાત હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ખેલાડીઓને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.હોમગાર્ડઝ કમાન્ડન્ટ, જિલ્લા કમાન્ડન્ટઓ, ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રકટરઓ, ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.