વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં હંસ ગેટ પાસે મહત્વપૂર્ણ વિષયો પર માહિતી આપશે
નવીદિલ્હી તા. 24
સોમવાર 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. પરંપરા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં હંસ ગેટ પાસે મહત્વપૂર્ણ વિષયો પર માહિતી આપશે. 26 નવેમ્બરે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ સંવિધાન ગૃહમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે સંસદની જૂની ઇમારતને હવે બંધારણ ગૃહ કહેવામાં આવે છે, જ્યાં સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલયે કહ્યું કે 26 નવેમ્બરે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બંધારણ દિવસનો આ કાર્યક્રમ બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ સત્રમાં બંને ગૃહોની 19-9 બેઠકો થશે, જ્યારે 26 નવેમ્બરે રાજ્યસભા અને લોકસભાની કોઈ બેઠક નહીં હોય. સરકારે સત્રમાં વિચારણા માટે વક્ફ (સુધારા) બિલ સહિત 16 બિલોની યાદી તૈયાર કરી છે. લોકસભામાં આઠ અને રાજ્યસભામાં બે બિલ પેન્ડિંગ છે. સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર સંસદમાંથી ઘણા મહત્વપૂર્ણ બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
આમાં બેંકિંગ નિયમો (સુધારા) બિલ અને રેલવે (સુધારા) બિલનો સમાવેશ થાય છે, જે ગયા સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પસાર થઈ શક્યા ન હતા. ભારતીય એરક્રાફ્ટ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, જેને ચોમાસુ સત્રમાં લોકસભાની મંજૂરી મળી ગઈ છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ ઘણા મહત્વપૂર્ણ બિલ સામે વાંધો ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં સંસદનું શિયાળુ સત્ર તોફાની રહેશે તે નિશ્ચિત છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર સંસદના સત્ર પર પણ પડવાની ધારણા છે. બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનનો જંગી વિજય થયો છે. સરકાર પોતાના એજન્ડાને મજબૂત રીતે આગળ રાખીને જરૂરી બિલો પસાર કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, ઝારખંડમાં, ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ગઠબંધનને બહુમતી મળી છે. સંસદનું આ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી બે રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યું છે.
વક્ફ સુધારા બિલ સહિત 16 બિલ સૂચિબદ્ધ છે
શિયાળુ સત્ર સોમવારથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. વકફ સુધારા બિલ સહિત 16 બિલ આ સત્ર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. ઘણા વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે તેઓ સંસદમાં અદાણી સામેના આરોપોનો મુદ્દો ઉઠાવશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી છે. આ બેઠકમાં બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 26 નવેમ્બરે બંધારણ ગૃહ (જૂના સંસદ ભવન)ના સેન્ટ્રલ હોલમાં આયોજિત થનારા કાર્યક્રમ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. પેન્ડિંગ બિલોમાં વક્ફ (સુધારા) બિલનો પણ સમાવેશ થાય છે જે બંને ગૃહોની સંયુક્ત સમિતિ લોકસભામાં તેનો અહેવાલ રજૂ કરે તે પછી વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. સમિતિને શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
