રાજકોટની ભાગોળે નવાગામમાં રહી ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતાં પરિવારોમાં ઘટનાને પગલે અરેરાટી
સોળ-સોળ વર્ષના બંનેની આંખ મળી ગઇ, દિલ મળી ગયા પણ કુટુંબીઓ એક નહિ થવા દે તેવુ લાગતાં રાતે ઘરેથી નીકળી ગયા: સવારે લીમડાના ઝાડવે લટકતી લાશો મળી
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 19
લવ, ઇશ્ક, પ્રેમ…આ શબ્દો સાંભળવા જેટલા ગમે છે એટલા જ એનો અનુભવ કરવો પણ બધાને ગમતો હોય છે. પ્રેમ ગમે ત્યારે અને ગમે તેની સાથે થઇ જાય છે. સગીર વયના કિશોર વયના છોકરા છોકરીઓ પણ પ્રેમમાં પડી જતાં હોય છે. જો કે આ ઉમરે તેઓ પ્રેમની પાકટતાને જાણતા હોતા નથી, એક આકર્ષણ તેમને એક બીજાની નજીક લઇ જતું હોય છે. પરંતુ આગળ જતાં આવી પ્રેમકહાનીનો અંત ઘણીવાર કરૂણ આવતો હોય છે. આવી જ વધુ એક ઘટના રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં બની છે. જેમાં સોલહ બરસ કી બાલી ઉમર ધરાવતાં બે કુટુંબી ભાઇ-બહેને જીવતે જીવ પ્રેમમાં એક નહિ થઇ શકાય તેમ લાગતાં લીમડાના ઝાડવે લટકી જઇ પોતાની પ્રેમકહાની અને જિંદગીનો કરૂણ અંત આણી લીધો છે.
અરેરાટી ભરેલી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો કુવાડવા રોડ પર નવાગામમાં રહેતાં અને ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતાં સોળ સોળ વર્ષની વયતના કુટુંબી ભાઇ-બહેન સતિષ બાબુભાઇ બારીયા અને સુજીલા રતનભાઇ બારીયા રાતે ગૂમ થયા બાદ સવારે પોતે જ્યાં રહે છે અને કામ કરે છે તે ઇંટોના ભઠ્ઠા નજીક જ લીમડાના ઝાડ પર બંનેના મૃતદેહ લટકતાં મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને કુટુંબી ભાઇ-બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયા બાદ પરિવારજનો સ્વીકાર કરશે નહિ તેવો ભય લાગતાં આ પગલુ ભરી લીધાની શક્યતા છે. વધુ માહિતી અનુસાર નવાગામ દિવેલીયાપરામાં આવેલી બ્લેકસ્ટોન હોટલ પાછળ ઇંટોના ભઠ્ઠા નજીક લીમડાના ઝાડમાં દોરડુ બાંધી એક છોકરો અને છોકરી લટકી ગયાની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.
કોઇએ 108ને જાણ થતાં તેના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ એન. આર. વાણીયા, નિકુંજભાઇ સહિતના સ્ટાફે પહોંચી પંચનામુ કર્યુ હતું અને બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતાં. સજોડે આપઘાત કરી લેનારા આ છોકરો છોકરી બંને નવાગામમાં જ દિવેલીયાપરામાં રહી ઇંટોના ભઠ્ઠામાં કામ કરતાં હોવાનું ખુલ્યું હતું. આ બંને કુટુ઼બી ભાઇ બહેન થતાં હતાં અને રાતે ગૂમ થઇ ગયા હોઇ પરિવારજનો તેને શોધી રહ્યા હતાં. દરમિયાન સવારે બંનેના ઝાડ પર લટકતાં મૃતદેહ મળ્યા હતાં. આપઘાત કરનાર સતિષ બે ભાઇમાં નાનો હતો અને તેના ભાઇ સાથે રહી ઇંટોની મજૂરી કરતો હતો.
જ્યારે સુજીલા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તે પરિવારજનો સાથે રહી ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતી હતી. બંને પરિવાર એમપીથી અહિ બે મહિના પહેલા રહેવા આવ્યા છે અને મજૂરી કરે છે. બંને કુટુંબી ભાઇ બહેન થતાં હોઇ આમ છતાં પ્રેમમાં પડી ગયા હતાં. આ સંબંધને તેના પરિવારજનો કુટુંબીજનો કદાપી સ્વીકારશે નહિ તેવું લાગતાં બંને રાતે ઘરેથી નીકળી ગયા હતાં. સવારે તેઓ જોવા ન મળતાં પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી એ દરમિયાન દિવેલીયાપરાના ઇંટોના ભઠ્ઠા પાછળ લીમડાના ઝાડવે બંને લટકતાં મળતાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી. કાચી વયની આ પ્રેમકહાનીનો કરૂણ અંત આવતાં શોક છવાઇ ગયો હતો.
