રાજકોટમાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ : રાત્રી દરમિયાન હોટેલ બંધ ન રાખો, ગુજરાત સુરક્ષિત રાજ્ય :: રાત્રી દરમિયાન જ
ગુન્હા થાય છે તેવું ન કહી શકાય: અમદાવાદ પોલીસની કામગીરીને વખાણી, લુખ્ખોની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા DGP
રાજકોટ મિરર, તા.20
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ જાણવા, સુધારવા અંગેની ચર્ચા તેમજ ગુન્હાખોરીના આંકડાની સમીક્ષા માટે આજે રાજકોટમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ રાજ્યના તમામ રેંજ આઈજી અને રાજકોટ, અમદાવાદ, વડોદરા સહીત ચાર મહાનગરોના પોલીસ કમિશ્નરો સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. બાદમાં પત્રકારોને માહિતી આપી હતી. આ તકે રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં ક્રાઈમ રેઈટ ઘટ્યો હોવાનું જણાવ્યું ગુન્હા રાત્રીના જ બને છે તેવું કહેવું અનુચિત હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ પોલીસ સમક્ષ બની ગયેલી લુખ્ખાગીરીની ઘટનાને દુ;ખદ ગણાવીને વિકાસ સહાય એ વાત વાળવા અમદાવાદ પોલીસની કામગીરીને સારી બતાવી, ક્રાઈમ રેશિયો ઘટ્યો હોવાનું જણાવ્યું હતું.
પત્રકારોને રાજ્યના પોલીસ વડાએ એવું પણ જણાવ્યું હતું કે, આજની ક્રાઈમ કોન્ફરન્સમાં આગલા મહિનાના ક્રાઈમ અંગે સમીક્ષા કરતા રાજ્યના તમામ એકમોના વડાઓએ પ્રસંશનીય કામગીરી કરી હોવાનું બહાર આવ્યું છે. મુખ્યત્વે સાયબર ક્રાઈમ અને નારકોટીક્સ તેમજ મહિલા સુરક્ષાને લઈને ચર્ચાઓ થઇ છે. આ અનુસંધાને નવો રોડ મેપ તૈયાર કરવા કવાયત આદરી દેવાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ડીજીપીએ પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી અને કાર્યવાહી સંદર્ભે વધુ માહિતી આપતા કહ્યું કે, ગુજરાત પોલીસના ત્રણ પ્રોજેક્ટ તેરા તુજકો અર્પણ, ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અને ત્રીજો પ્રોજક્ટ મેન્ટર કાર્યક્રમ છે.
આ તમામ કાર્યક્રમો અંતર્ગત એટલે કે 570 જેટલા તેરા તુજકો કાર્યક્રમોના આયોજનો કરીને અંદાજે રૂ.17.47 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને સુપરત કરાયો છે. દર બે મહીને યોજાતા ત્રણ વાત તમારી અંતર્ગત 1428 કારાક્રમ યોજી લોક જાગૃતિ ફેલાવાઈ છે. તો એક કરતા વધુ ગુન્હા કરવાવાળાં રાજ્ય સ્તરે 8640 ગુન્હેગારો હોવાથી પ્રત્યેક આરોપીની એક પોલીસમેનને જવાબદારી સોંપાઈ છે અને આવા ગુન્હેગારો ફરીથી કોઈ ગુન્હો ન કરે તે સમજાવવાની સંબંધિત પોલીસમેનએ જવાબદારી સોંપાઈ હોવાથી મિલકત સંબધી ગુન્હાઓનો રેશિયો અંકુશમાં આવ્યો હોવાનું અને ઘટ્યું હોવાનું જાહેર કરાયું હતું.
14.78 કરોડ રૂપિયા પરત અપાવતી પોલીસ
સાયબર ક્રાઈમનો રેશિયો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને લોકો લાલચમાં ફસાઈને કરોડો રૂપિયા ગૂમાવી રહ્યા છે. આ બાબતે પણ સતત જાગૃતિ દાખવીને પોલીસે એક મહિનામાં 14.78 કરોડ રૂપિયા રાજ્યના છેતરાયેલા લોકોને પરત કરવાની સરાહનીય કામગીરી કરી છે.
અમદાવાદની ઘટનામાં બેદરકારો સામે શિક્ષાત્મક પગલા
જયારે અમદાવાદમાં બનેલી ઘટના અંગે ડીજી સહાયએ જણાવ્યું હતું કે, પોલીસ હાજરીમાં ખુલ્લી તલવાર સાથે દાદાગીરી કરતી ઘટનામાં પોલીસે તરત કાર્યવાહી કરી છે. રાત્રે જ કેટલાક પોલીસના અધિકરી પહોંચી ગયા હતા. જે પોલીસે પોતાની કામગીરી ચૂક રાખી છે તેવા અમુક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બનેલી ઘટના દુ:ખદ છે.
ગુજરાત સુરક્ષિત રાજ્ય : DGP વિકાસ સહાય
રાત્રી દરમિયાન જ ગુનાહિત પ્રવૃત્તિ થાય તેવું કહી ન શકાય કારણ કે એક ડેટા મુજબ સાંજના 7 થી 11 વાગ્યા સુધી શરીર સંબધીત ગુના બનતા હોવાનું સામે આવ્યું છે. રાત્રી દરમિયાન હોટેલ રેસ્ટોરન્ટ બંધ ન કરવા જોઈએ કારણ કે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે દરેકને રાત્રી દરમિયાન ખુલ્લીને છૂટથી ફરવાનો હક છે. દરેક નાગરિકની સુરક્ષા મારી જવાબદારી છે અને એ મારી જવાબદારી હું સ્વીકારું છું.
નાસતા-ફરતા 500 આરોપી ઝડપાયા, 38 વ્યાજખોરો સામે ગુન્હો
રાજ્યમાં પોલીસે પાછલા મહિને નાસ્તા ફરતા આરોપી માટે કાર્યવાહી કરવામાં આવી જેમાં એક મહિનામાં 500થી વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અને 171 પ્રોહિબિશન કેસમાં સંડોવાયેલ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. એટલું જ નહિ વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરી એક મહિનામાં 38 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી 60 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયારે દારૂનો નાશ કરવાની કાર્યવાહીમાં ગત મહિને ગુજરાત પોલીસે કુલ 32 કરોડ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનું કોન્ફરન્સ દરમિયાન જાહેર કરાયું હતું. ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ગુન્હાખોરી ઘટી હોવાની વાત દોહરાવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે, હત્યાના ગુનામાં 34, હત્યા કોશિશના 63, સામાન્ય ઇજા 196, લૂંટ 36, ચોરી 3853, દિવસના ઘરફોડ ચોરીના 66, રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી 412, પોક્સોમાં 50 અને એટ્રોસિટી 71 કેસનો ઘટાડો થવા પામ્યો છે. જયારે નારકોટીક્સના 12 ગુના વધારે દાખલ કરવામાં આવ્યા છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. નવા કાયદામાં દંડ બદલે ન્યાય ઉપર મહત્વ આપવામાં આવ્યું છે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી કેસ સ્ટ્રોંગ બનાવવા વધુ સજા અપાવવા કામ કરવામાં આવે છે. પંચનામા કામગીરીમાં ઈ સાક્ષીનો ઉપયોગ થાય તે માત્ર ખાસ વધુ અસરકારક રીતે કામ કરવા સૂચના આપવામાં આવી છે.
