બાતમીના આધારે હોટેલ ન્યૂ એરલાઈન્સના રૂમમાં પાડ્યા દરોડા : 60 વર્ષીય પંજાબી વૃદ્ધ-સ્થાનિક ઝડપાયો
રાજકોટ, તા. 24
પંજાબથી કચ્છમાં છૂટક ડ્રગ્ઝ વેચવા આવેલા શખ્સ 60 વર્ષિય પંજાબી શખ્સ અને માલ ખરીદવા આવેલા- સ્થાનિક ગ્રાહકની ગાંધીધામ પોલીસે હોટેલના રૂમમાંથી ધરપકડ કરીને 17.75 ગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે.બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી અને તેમની ટીમે નગરપાલિકા પાસે આવેલી હોટેલ ન્યૂ એરલાઈન્સના- રૂમ નંબર 8 રેઈડ કરી હતી.
રૂમમાં પંજાબના તરનતારન જિલ્લાનો 60 વર્ષિય ચનનસિંઘ કુંદનસિંઘ મજબીશીખ ડ્રગ્ઝ સાથે રોકાયો હોવાની પાકી બાતમી હતી. પોલીસે ચનનનસંઘની અંગઝડતી લેતાં કુર્તાના ગજવામાંથી 17.75 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આછા પીળાશ પડતાં સફેદ રંગના ગાંગડા અને પાઉડરવાળો આ પદાર્થ શું છે? તેમ પીઆઈ ચૌધરીએ પૂછતાં ચનનસિંઘે કહ્યું હતું કે ‘સાબ યે તો. ચિટ્ટા હૈ’ સામાન્યત: પંજાબી ભાષામાં સફેદ રંગને ચિટ્ટા કહેવાય છે. પરંતુ પંજાબમાં વર્ષોથી ડ્રગ્સની બદી વ્યાપકપણે ફેલાઈ ગયેલી છે. હેરોઈન કોકેઈન અને અન્ય સિન્થેટીક્સ ડ્રગ્ઝનો રંગ પણ સફેદ હોઈ પંજાબમાં ડ્રગ્ઝ ચિટ્ટા તરીકે વધુ પ્રચલિત છે.
પોલીસે 1 ગ્રામ કોકેઈનનો ભાવ 1 લાખ રૂપિયા ગણીને 17.71 ગ્રામ- કોકેઈનનો ભાવ 17.75 લાખ રૂપિયા ગણીને તેને જપ્ત કર્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્ઝના સરકારી ચોપડે ગણાતાં ભાવમાં જબરો ફરક છે. જેમ કે, બૂટલેગરો 750 એમએલની વ્હિસ્કીની એક બાટલી સામાન્યત: આઠસોથી એક હજાર રૂપિયામાં વેચતાં હોય છે. પરંતુ, સરકારી ચોપડે તે બાટલીનો ભાવ 350 રૂપિયા આસપાસ ગણવામાં આવે છે. જો કે, ડ્રગ્ઝના ભાવમાં તેનાથી ઊલટું છે. વાસ્તવિક માર્કેટમાં હેરોઈન અને કોકેઈન જેવા ડ્રગ્ઝ એક ગ્રામે બેથી પાંચ હજાર રૂપિયે વેચાય છે પરંતુ સરકારી ચોપડે તેની કિંમત લાખ્ખોમાં અંકાય છે. કેટલીક એજન્સીઓ તો વળી મોટો આંકડો દર્શાવવા- આંતરરાષ્ટ્રીય માર્કેટ રેટ મુજબ ભાવ લગાડે છે. પોલીસે રેઈડ પાડી ત્યારે રૂમમાં આદિપુરનો ઓટો રીક્ષાચાલક પરેશ- અરજણદાસ અડવાણી પણ ચનનસિંઘ જોડે બેઠેલો ઝડપાયો હતો. પોલીસે તેની અંગઝડતી લીધી પરંતુ મોબાઈલ ફોન સિવાય બીજું કંઈ મળ્યું નહોતું.
