ક્ષત્રીય સમાજના સુત્રધારો અને સરકાર વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર : સારા પરિણામની આશા
એક સાથે 1100 ભક્તો ગુરુદેવ લાલ બાપુનુ કરશે પૂજન : ઉપલેટા તાલુકાના તમામ ગામો માટે ધુવાણા બંધ પ્રસાદની કરાય છે વ્યવસ્થા
રાજકોટ, તા. 9
વેદમાતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપાથી શ્રી ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુપૂજન નું આયોજન ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગ 15 ડિસેમ્બર રવિવારના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ આ પાવન પ્રસંગમાં આશરે 1.5 લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથો સાથ ઉપલેટા સહિત એક 115 ગામમાં ધુવાણા બંધ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવો માટે પણ ખાસ પૂજ્ય લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે વિતરણ થશે જેથી દરેક લોકો શાંતિપૂર્વક પ્રસાદ લઈ શકે અને દિવ્ય દિવસની અનુભૂતિ કરે.
ગુરુદત્ત જયંતિ નિમિત્તે 25 વીઘામાં ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ કાર્યક્રમને દીપાન્વીત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી રહ્યા છે સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો છે. મહત્વનું તો એ છે કે ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો પૂજ્ય લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલ બાપુ ની પૂજા કરશે આશરે એક સાથે 1100 લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ ગુરુદેવ લાલ બાપુ નું ગુરુ પૂજન સવારે છ વાગ્યાથી શરૂૂ થઈ મોડી સાંજ સુધી ચાલશે જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂૂ થઈ મોડી રાત્રી સુધી ચાલશે જેથી દરેક ભક્તો મહાપ્રસાદનો ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક રીતે લાભ લઈ શકે.
ભૂતકાળમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે સાંસદ રૂૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ના પગલે રાજ્યના ક્ષત્રિય સમાજ ના લોકો ભાજપ સામે રોશે ભરાયા હતા ત્યારે 15 તારીખ રવિવારના રોજ ઉપલેટા પાસે આવેલા ગાયત્રી આશ્રમ ના લાલબાપુ દ્વારા યોજાયેલા દત્તાત્રે જયંતિ કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હાજર રહેશે તેવી વાત સામે આવતા જ સરકાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થયું હોય તેવું ચિત્ર ઉભું થયું છે.
આગેવાનોએ જણાવ્યું હતું કે યોજનાર કાર્યક્રમ સંપૂર્ણ ધાર્મિક છે અને તેનો કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ને ખાસ આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તેમની સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આમંત્રિત કર્યા છે અને બંને લોકો રવિવારે બપોરના 2:00 વાગે ગધેથડ આશ્રમ ખાતે આવશે. બીજી તરફ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માટે સરકાર અને ભાજપ સામે જે ક્ષત્રિય સંકલન સમિતિ જોવા મળી હતી તેમના આગેવાનો પણ ગાંધીનગર પહોંચ્યા હતા.
રૂૂપાલાએ કરેલા નિવેદન બાદ છેડાયેલા આંદોલન પછી તેમને કેન્દ્રમાં મંત્રીપદ ન અપાયું તેને લઇને ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને મહિલાઓનો રોષ થોડો ઠંડો થયો છે. અલબત્ત આ કાર્યક્રમમાં કોઈ રાજકીય કે અન્ય મુદ્દા પર પ્રવચનો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમ છતાં સામસામે આવી ગયેલા ન બન્ને ધ્રુવો અહીં એક મંચ પર હાજર રહેવાના હોવાથી તેને હકારાત્મક રીતે જોવાઈ રહ્યા છે.
