મહિલા ASIને મા-દિકરીએ રોડ પર પટકી બેફામ ઢીબ્યા
કુવાડવા રોડ ડી માર્ટ પાસે નો-પાર્કિંગમાં રખાયેલુ એક્ટીવા ટોઇંગ થતાં આ વાહનચાલકની બહેનપણી એવી હડાળાની મહિલાએ દિકરી સાથે મળી ટ્રાફિક શાખાના રાધીકાબેન મકવાણાને બેફામ ગાળો દીધી, ગડદા પાટા માર્યા: બનાવને પગલે લોકોના ટોળા ઉમટ્યા
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.14
રાજકોટ: રંગીલા રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા સમાન છે. અનેક વખત ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં કે પછી દંડ વસુલવાની કામગીરી વખતે જે તે ટ્રાફિક શાખાના કર્મચારીઓ ગરમી પકડી જાય છે અને તેના કારણે માથાકુટ થાય છે. થોડા દિવસો પહેલા કોટેચા ચોકમાં કાર ટો કરવા મામલે ટ્રાફિક શાખાના હેડકોન્સ્ટેબલની ફરજમાં કાર ચાલક ભાઇ બહેને રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો હતો. એ પછી વિડીયો વાયરલ થયા તેમાં ટ્રાફિક કર્મચારીએ પહેલા લાફા મારી લીધા બાદ કાર ચાલકે પણ ગરમી પકડ્યાનું સામે આવ્યું હતું. દરમિયાન શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવી વધુ એક ઘટના બની છે જેમાં ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇને હડાળા ગામની મા-દિકરીએ મળી ઢીબી નાંખી ગાળો દઇ ધમકી દીધી હતી. એક્ટીવા ટો કરવા મામલે આ ડખ્ખો થયો હતો.
ચકચાર જગાવતી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો શહેરમાં નો-પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ટો થાય કે પછી વાહન ચાલકોને નિયમ ભંગ બદલ દંડ ફટકારવાની કાર્યવાહી થાય ત્યારે ઘણીવાર વાહનચાલકો તપી જતાં હોય છે વાત બખેડા સુધી પહોંચી જતી હોય છે. કુવાડવા રોડ ડી-માર્ટ પાસે નો-પાર્કિંગમાં રખાયેલુ એકટીવા ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇએ ટોઇંગ કરાવી વાહનમાં ચડાવી દઇ એક્ટીવાચાલક મહિલા પાસે દંડ વસુલવાની તજવીજ કરતાં તેની સાથેની તેની હડાળા ગામે રહેતી બહેનપણી અને બહેનપણીની દિકરીએ તે શું કામ વાહન ટોઇંગ કર્યુ, નીચે ઉતારી દે, તું અમને ઓળખતી નથી કહી મહિલા એએસઆઇનો કાઠલો પકડી પછાડી ઢીકાપાટુનો માર મારી બેફામ ગાળો ભાંડતા મોટો બખેડો થયો હતો.
મા-બેટીએ ધમકી દઇ કહ્યું-એક્ટીવા ઉતારી દે નહિતર સારાવટ નહિ રહે, તું અમને ઓળખતી નથી, હવે કઇ રીતે નોકરી કરે છે તે જોઇ લેશું: બી-ડિવીઝન પોલીસે કરી ધરપકડ
વાત આટલેથી અટકી નહોતી, એક્ટીવા ચાલક મહિલાની બહેનપણી એવી મા-દિકરીએ તું નોકરી કઇ રીતે કરે છે એ જોઇ લેશું કહી ધમકી દેતાં બંને સામે ગુનો દાખલ કરાવાયો હતો. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં એએસઆઇ રાધીકાબેન અશોકભાઇ મકવાણાની ફરિયાદ પરથી રાજકોટના હડાળા ગામની ફીરોઝાબાનુ ગુલામહુશેન વળદડીયા અને તેની દિકરી શમશાબાનુ ગુલામહુશેન વળદડીયા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કરીગાળો દઇ મારકુટ કરી હાથની આંગળીમાં ઇજા પહોંચાડ્યાનો, ધમકી દીધાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા તજીવજ કરી હતી. ટ્રાફિક શાખાના એએસઆઇ રાધીકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક શાખામાં ફરજ બજાવુ છું, બુધવારે સાંજે પાંચથી રાતના નવ સુધી મારી નોકરી ટોઇંગ વાહનમાં હતી. અમારો રૂટ સેક્ટર-1માં આવે છે. આ વિસ્તારમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના કુવાડવા રોડનો વિસ્તાર પણ આવે છે. અમે ટોઇંગ વાહન નંબર જીજે05એસપી-0953ના ઇન્ચાર્જ તરીકે હતાં અને સાથે ડ્રાઇવર સુરેશભાઇ શીવાભાઇ પરમાર, હેલ્પર પ્રકાશભાઇ બાબુભાઇ વાળા, પાર્થભાઇ રાજેશભાઇ હેરમા હતાં.
અમે સાંજે સાતેક વાગ્યે પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં કુવાડવા રોડ ડી માર્ટ પાસે પહોંચ્યા હતાં. જ્યાં રોડ પર કાળા રંગનુ એક્ટીવા જીજે03એલએસ-9895 હતું. જે નો-પાર્કિંગમાં હોઇ જેથી અમે કાર્યવાહી કરી હતી અને હેલ્પર દ્વારા આ વાહન ટો કરવા તજવીજ કરી હતી.
આ દરમિયાન એક્ટીવાચાલક સેજલબેન ભટ્ટી આવી ગયા હતાં અને તેની સાથે અન્ય બે મહિલા પણ હતી. જેના નામ ફીરોઝાબાનુ વળદડીયા અને તેની દિકરી શમશાબાનુ હતાં. અમે સેજલબેન પાસે લાયસન્સ અને ગાડીના કાગળો માંગતા તે પોતાની પાસેના મોબાઇલ ફોનમાં સર્ચ કરતાં હતાં.
ત્યારે સેજલબેનની બહેનપણી ફિરોઝાબાનુએ મારી પાસે આવી કહેલુ કે-સેજલબેન મારી ફ્રેન્ડ છે, તેનુ વાહન ટોઇંગ કરવાની રહેવા દે અને નીચે ઉતારી દે, તું એને જાવા દે નહિ તો સારાવટ નહિ રહે તેમ કહી ઉધ્ધત વર્તન કર્યુ હતું. અમે સેજલબેનને દંડ ભરવાનું કહ્યું હતું અને તેના બહેનપણી માથાકુટ ન કરે તે માટે સમજાવવા કહ્યું હતું. પરંતુ આમ છતાં ફીરોઝાબાનુ અને તેની દિકરીએ પણ અમારી સાથે માથાકુટ ચાલુ રાખી હતી અને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડ્યા હતાં. તેમજ આ બંનેએ ટોઇંગ વાહનમાંથી એક્ટીવા નીચે ઉતારી દેવાનું કહ્યું હતું. તેમજ જો એક્ટીવા નીચે નહિ ઉતરે તો સારાવટ નહિ રહે તેવી ફરી ધમકી દીધી હતી. આ પછી મા-દિકરી બંંનેએ મારા શર્ટનો કાંઠલો પકડી મને નીચે પછાડી દઇ ઢીકાપાટુ માર્યા હતાં અને ગાળો દેવાનું ચાલુ રાખ્યું હતુ઼.
આ મારામારીમાં મારા ડાબા હાથના અંગુઠા પાસેની આંગળીમાં મને ઇજા થઇ હતી. મારામારી વખતે પણ આ બંને મા-દિકરીએ-અમે કોણ છીએ તે તું જાણતી નથી, હવે તું નોકરી કઇ રીતે કરે છે તે જોઇ લેજે કહી ધમકી આપી હતી. ત્યારબાદ મેં પોલીસ ક્ધટ્રોલ રૂમમાં જાણ કરતાં બી-ડિવીઝનની પીસીઆર ગાડી આવી હતી. અમે એક્ટીવા ચાલક સેજલબેનને 700 રૂપિયાનો હાજર દડ આપ્યો હતો.
આ સમગ્ર બનાવની અમારી સાથેના પ્રકાશ વાળાએ વિડીયોગ્રાફી પણ કરી હતી. ફીરોઝાબાનુ અને તેની દિકરીએ અમારી ફરજમાં રૂકાવટ કરી માર મારી ગાળો દઇ હાથની આંગળીમાં ઇજા પહોંચાડી હોઇ અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં એએસઆઇ રાધીકાબેન મકવાણાએ જણાવતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કે. સી. સોઢાએ ગુનો નોંધી મા-દિકરીની ધરપકડ કરવાની તજવીજ કરી હતી. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
