દરેકનાં જીવનમાંથી પ્રેમ તત્વ મિસિંગ થતું જાય છે! એને કારણે અશાંતિ અનુભવાય છે

ચિંતનની ક્ષણે

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઘણાંને એમ થતું હશે કે બેન રોજ સવારે શું જીવન સુધારવા કે સંન્યાસ અને વૈરાગની વાત કરે છે? આપણે તો સંસારી છીએ, અને સંસારમાં જ રહેવાનું છે, ત્યાં આવી તકિયાનુંસી વાતોનો શું મતલબ! પણ બહુ લાંબા સમયથી જે આ ચિંતનની ક્ષણેનો લેખ વાંચતા હશે, એ તો સમજી જાય કે બેન આપણને કંઈ સંન્યાસી કે વૈરાગી બની જાવ એવું કહેવા માંગતા નથી! પરંતુ વ્યક્તિગત જીવનમાં, પરિવાર જીવનમાં અને સામાજિક જીવનમાં શાંતિ આવે એવું જીવન જીવી શકવાની ક્ષમતા જ સંસારી માટે બુદ્ધત્વની દશા દર્શાવે છે, એ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
સાંપ્રત સમયમાં વ્યક્તિગત, પારિવારિક, કે સામાજિક, એકેય સ્તરે માનવી શાંતિ અનુભવી શકતો નથી! અને એને કારણે વિજ્ઞાનની આટલી મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરવાં છતાં, સુખ સુવિધાનાં સાધનોની હારમાળા હોય છે, તો પણ આપણે જોઈએ એટલા પ્રસન્ન રહી શકતા નથી. એના પરથી કહી શકાય કે વૈજ્ઞાનિક વિકાસ માટે ઘણું બધું સ્વાહા કરી દીધું, અને જેણે જેણે વિકાસના સાધનો વગર વિચાર્યે અપનાવ્યાં પણ સ્વ કેન્દ્રિત થઈ સંવેદના હીન થતાં જાય છે. મહાત્મા ગાંધીજીને યાદ કરીએ તો સંવેદનાહીન વિજ્ઞાન એ સામાજિક પાપ છે! પાપ પુણ્યની રીતે વિચારીએ તો આ પાપ વારંવાર થતું હોવાથી સમાજ એની સજા ભોગવી રહ્યો છે! એટલે બહુ સ્વાભાવિક રીતે જ આ સજામાંથી મુક્ત થવું હોય તો પુણ્ય પણ કરવા પડશે, અને પાપ પુણ્યનું એ પલ્લુ બેલેન્સ થાય તો જ સમાજ શાંતિ અનુભવી શકશે! દરેક વ્યક્તિ પોતાનાં હિસ્સામાં આવેલી સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારી નાનું નાનું સારું કર્મ કરે, તો આ પાપ પુણ્યનું પલ્લું સંતુલિત થઈ શકે, અને એ માટે આ ચિંતનની ધારા રોજ સવારે સદગુરુ કૃપાથી વહે છે. ચિંતનને લઈને રોજ કઈ કેટલાય પ્રતિભાવો આવે છે, કેટલાય ફોન આવે છે, અને સામેની વ્યક્તિ એને અહોભાવથી મૂલવે છે, એ બતાવે છે કે વાચકને પણ ખબર છે કે, પોતે જે જીવે છે એ સાચું નથી માટે શાંતિ નથી.
સીધો સાદો એક સવાલ દરેકના મનમાં ઊઠે કે આપણે જે જીવી રહ્યા છીએ તે સાચું નથી! આપણે સંસારી કે સંન્યાસી થવું નથી. પરંતુ જે સંસારનો માર્ગ આપણે પોતે કબૂલ્યો હતો, છતાં એમાંથી આપણને રસ કેમ નથી આવતો! ભોગ મળે ત્યાં સુધી સુખ અને ન મળે ત્યારે દુ:ખ, તો કોઈને આવતીકાલે નહીં મળે ત્યારે શું થશે! એનું દુ:ખ, તો કોઈને ભૂતકાળમાં આવું શું કામ થયું! એનું દુ:ખ, અને કોઈને પેલાને મળ્યું એવું મને કેમ નહીં એનું દુ:ખ, આમ ક્ષણિક સુખ આગળ આટલા મોટા દુ:ખનો જથ્થો એ સુખને ભુલાવી દે છે, અને માનવી એ સુખને મેળવવા સતત પ્રયત્નશીલ રહેવા લાગે છે. પણ કોઈપણ પ્રકારનું ભોગીક કે ભૌતિક સુખ કાયમી હોતું નથી, અને એને કારણે અસંતોષની પીડા વધતી જાય છે, જે જીવનમાં આનંદ કે શાંતિને ટકવા દેતી નથી.
સમયની રીતે આપણે ઘણીવાર સરખામણી કરી ચૂક્યા છીએ,અને દરેક કાળમાં સારાં ખરાબ લોકો હતા જ! પણ સારા લોકો વધુ હતાં. એટલે કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કળિયુગની સરખામણીમાં તો તફાવત હોય જ, પરંતુ માત્ર કળિયુગની જ સરખામણી કરીએ તો પણ જોવા મળે કે વીતેલા વર્ષોમાં આટલી બધી સામાજિક અશાંતિ નહોતી. સામાજિક સ્તરે શાંતિ સ્થાપવી હોય તો ચિંતન મનન કરવું પડશે.આ એક સવાલ સૌને થવો જરૂરી છે કે, વીતેલા સમયમાં એવું શું હતું? કે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક શાંતિ બનાવી રાખતું હતું. નરસિંહ નાં શબ્દોમાં કહીએ તો, પ્રેમ નામનું એ અમૂલ્ય રસાયણ કે ઔષધ! ,કે પછી મીરાં નાં શબ્દોમાં કહીએ પ્રીત નામની એ અમૂલ્ય સંજીવની, આ પ્રેમ તત્વ દિવસે દિવસે દરેકનાં જીવનમાંથી મિસિંગ થતું જાય છે, અને એને કારણે અશાંતિ અનુભવાય છે. આ પ્રેમ તત્વ ધીરે ધીરે ઓછું થતું ગયું, એને કારણે આપણી પ્રસન્નતા ઓછી થતી ગઈ તેથી અશાંતિ અનુભવાય છે. પ્રેમ અને પરમાત્માને સીધો સંબંધ છે, કારણ કે પરમાત્મ તત્વના બંધારણમાં જ પ્રેમ રહેલો છે, અને પરમાત્મામાં પ્રેમ રહેલો છે માટે જ તે હર ક્ષણ પ્રસન્ન રહી શકે છે. એટલે જો પ્રસન્ન રહેવું હોય તો પરમાત્મા સ્વરૂપ પ્રેમ તત્વને ભીતર પાંગરવા દેવું પડશે, તો જ હરક્ષણ પ્રસન્ન રહી શકાય.
આપણી તો પ્રેમની વ્યાખ્યા પણ શરીર સંબંધીત થઈ ગઈ છે, એટલે સાચે પ્રેમ તત્વ શું છે, એ એટલું આપણે જાણતા જ નથી. પરંતુ સાચે જ જ્યારે આ પ્રેમ તત્વ આપણી ભીતર ઉદ્ભવે ત્યારે જીવનમાં ઘણો બધો ફેરફાર આપોઆપ થઈ જાય છે.આપણે સંસારી છીએ, અને સંસારીને પોતાનો દેહ સૌથી વધુ વ્હાલો હોય છે, માટે તે જિંદગીભર દેહની આળપંપાળમાં વિતાવે છે. પુરુષ અને સ્ત્રી બંને લગ્ન કરી પોતાનો સંસાર શરૂ કરે, અને એ બંનેમાં એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી ન હોય, તો આ સંસાર બહુ લાંબો ટકતો નથી! પ્રેમ હોવો એટલે કે ત્યાગ સમર્પણ માટેની સંપૂર્ણ તૈયારી! એમાં સામાપાત્રના કોઈ ગુણ કે અવગુણ જોવામાં આવતા નથી. માતા પિતા પોતાના સંતાનને પ્રેમ કરે છે, માટે જ તે તેમના દૂરવ્યવહારને પણ માફ કરી દેતા હોય છે. પ્રેમની પહેલી શરત છે કે ત્યાં પોતિકાની ભાવના હોવી જોઈએ! આજનાં સમયમાં પરિવારમાં તકરાર થવાનું કારણ આ જ છે! એક જ ઘરમાં રહેવા છતાં, પોતાપણું અનુભવતા નથી, અને પ્રેમ નામનાં અમૂલ્ય રસાયણથી અલિપ્ત રહે છે.
જો પરિવારમાં પ્રસન્નતા રહે એવું ઈચ્છતા હોઈએ તો કેન્દ્ર બિંદુ તરીકે પ્રેમને પ્રસ્થાપિત કરવું પડે, અને દરેક વ્યક્તિએ એની સાથે સંકળાયેલા રહેવું પડે, તો જ સુંદર વર્તુળ બને, અને તો આ વર્તુળના પરિસરમાં પ્રસન્નતાનો પમરાટ કે પ્રકાશ પથરાય. કવિઓએ પ્રેમને અનૂભૂત કરીને રચનાઓ કરી હશે, પણ આપણો પ્રેમ એટલી કક્ષાનો ન્હોય, તો આપણે એવી કોઈ અનુભૂતિ થતી નથી અને આપણે સંબંધમાં રહેલા એ પ્રેમ પર શંકા કરી બેસીએ છીએ. ક્યારેય એવું વિચારતા નથી કે આપણું સમર્પણ ઓછું હશે, માટે પ્રેમ અનુભવાતો નથી. એની બદલે સામેવાળી વ્યક્તિ પ્રેમ નથી કરતી એવું વિચારવાની ભૂલ કરીએ છીએ, અને એમાંથી શરુ થાય છે આગ્રહ, નિગ્રહ, અપેક્ષા ઉપેક્ષા,શંકા શંસય,ના શાબ્દિક યુદ્ધ! જે તીવ્ર બને તો મારામારી પણ થઈ શકે, અને આમ અશાંતિનું બ્યુગલ શરુ!
જેમ વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવી હોય તો પેપરમાં પોતે જ લખવું પડે, તો જ પાસ થવાય! જિંદગી નામની આ પરીક્ષામાં પાસ થવું હોય અને શાંતિ અને પ્રસન્નતા નામના પરિણામને પ્રાપ્ત કરવું હોય તો, આપણે જ લખવું પડશે. એટલે કે એમાં કંઈક ઉમેરવું પડશે, કે જેના દ્વારા આ પરિણામ સુધી પહોંચી શકાય! આપણી સૌ આપણને જે રીતે અનુકૂળ પડે એ રીતે જિંદગીના પેપરમાં કંઈક એવું ઉમેરીએ કે જેના દ્વારા વ્યક્તિગતથી શરૂ કરી પારિવારિક અને પારિવારિકથી શરૂ કરી સામાજિક શાંતિ સુધીની સફર આપણે સૌ તય કરી શકીએ, એવી એક અન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:54 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech