દાદાગીરી: પડોશીએ રૂપિયા માંગ્યા, ન દેતા પાઇપ ફટકારી હાથ ભાંગી નાંખ્યો

પહેલો સગો પાડોશી…એવુ કહેવાય છે પણ અહિ પડોશી રોજ ઉઠીને કરતો હતો ડખ્ખા

ચામુંડાનગરમાં રહેતાં રિક્ષાચાલક અને તેના ભાઇને પડોશીઓએ જ બેફામ ફટકાર્યા: બીજા બનાવમાં કચરા ફેંકવાની વાતે મહિલાને પડોશીઓએ ફટકાર્યા: ત્રીજા બનાવમાં કપડા લેવા રૂપિયા ન દેતાં યુવાનને મિત્રએ ગાળો ભાંડી

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 23
શહેરમાં અનુક લોકો માથાકુટો કરવા માટે કોઇપણ કારણ ન હોય તો પણ મંડી પડતો હોય છે અને બીજા માટે ત્રાસરૂપ બની જતો હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક યુવાન પાસે તેની શેરીમાંં જ રહેતાં બે ભાઇઓ વારંવાર રૂપિયાની માંગણી કરતાં હોઇ પણ તે રૂપિયા આપતો ન હોઇ આ બાબતનો ખાર રાખી યુવાન તેના ભાઇને રિક્ષામાં બેસાડી મુકવા જતો હતો ત્યારે પડોશમાં જ રહેતાં બંને ભાઇઓ સહિત ત્રણ જણાએ જુના મોરબી રોડ પર રિક્ષા આંતરી ફરીથી રૂપિયા માંગતા ના પાડતાં આ ત્રણેયએ બંને ભાઇઓ પર લોખંડના પાઇપથી હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ હુમલો એવો હતો કે જેમાં રિક્ષાચાલક યુવાનનો એક હાથ ભાંગી ગયો હતો, તેના ભાઇને પણ માર પડ્યો હતો.
રૂપિયા માંગી દાદાગીરી કરી હુમલો કરવાની આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ નજીક ચામુંડા સોસાયટી-13માં રહેતાં પાંત્રીસ વર્ષના રિક્ષાચાલક સંજયભાઇ શંકરદાસ અગ્રાવતની ફરિયાદ પરથી દિપક ઉર્ફ પડોશમાં જ રહેતાં દીપો જીવણપુરી રામાવત, હકો જીવણપુરી રામાવત અને સુનિલ ઉફર્ર્ શેટ્ટી ઉર્ફ ભવન મોતીદાસ ગોસ્વામી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. સંજય અગ્રાવતે જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. મારે એક પુત્ર છે. અમારા સમાજનો દિપક રામાવત, તેનો ભાઇ હકો અમારી શેરીમાં જ રહે છે. તે અવાર-નવાર મારી પાસે રૂપિયાની માંગણી કરતાં હોઇ હું ના પાડુ તો મારી સાથે ઝઘડો કરી ગાળો દેતાં હતાં. પરંતુ તે અમારા સમાજના જ હોઇ જેથી હું સમાધાન કરી લેતો હતો અને પોલીસ ફરિયાદ કરતો નહોતો, મેં તેની પાસે કદી રૂપિયા લીધા નથી.
સંજયભાઇએ આગળ જણાવ્યું હતું કે રવિવારે હું અને મારા મોટા ભાઇ ચાલીસ વર્ષના મગનભાઇ શંકરદાસ અગ્રાવત (રહે. મોરબી રોડ જય જવાન જય કિસા સોસાયટી) મારી રિક્ષામાં બેસી પરોવડી ચોકથી મોરબી રોડ જતાં હતાં જુના મોરબી રોડ ધોકળીયા સ્કૂલ પાસે પહોંચતા દિપક ઉર્ફ દિપો, હકો અને સુનિલ ઉર્ફ શેટ્ટી ઉર્ફ ભવન ગોસ્વામી રિક્ષામાં બેસીને મારી પાસે આવ્યા હતાં અને મારી રિક્ષા ઉભી રખાવી હતી. ત્યાર બાદ ત્રણેયએ મારી પાસે આવી ફરીથી રૂપિયા માંગતા મેં તેને રૂપિયા આપવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયા હતાં અને દિપકે પાઇપથી હુમલો કરી મને પગના નળામાં ઘા મારી દીધો હતો. હકાએ પણ પાઇપથી મારા ભાઇને કોણી પર ઇજા પહોંચાડી હતી. તેમજ દિપકે ફરીથી મને કપાળે અને આંખ પાસે લોખંડના પાઇપના ઘા ફટકારતાં મને લોહી નીકળવા માંડ્યા હતાં. સુનિલ ઉર્ફ શેટ્ટીએ પણ ગાળો દીધી હતી અને ઝઘડો કર્યો હતો.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. અમારા ઓળખીતા નીકળતાં અમને દવાખાને લઇ ગયા હતાં. તબિબે નિદાન કરતાં મારા જમણા પગમાં ફ્રેકચર થયાનું જણાયુ હતું. આંખ પાસે છ સાત ટાંકા લેવા પડ્યા હતાં. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડાએ એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
બીજા બનાવમાં ન્યુ રાજદીપ સોસાયટી મેઇન રોડ પર રહેતાં અને ઇમીટેશનનું કામ કરતાં વંદનાબેન ધર્મેન્દ્રભાઇ ચાવડા નામના મહિલાને પડોશી રિધ્ધીબેન અને તેના પતિ અજયભાઇએ ધોકાથી માર મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપતાં તાલુકા પોલીસ સ્ટેશનના જનકસિંહે ગુનો નોંધ્યો છે. ઘર પાસે કચરો નાખવા જેવી વાતે આ ડખ્ખો થયો હતો.
ડખ્ખાની ત્રીજી ઘટનામાં જીલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર રહેતાં મોહિત હરેશભાઇ રાઠોડ નામના ચોત્રીસ વર્ષના યુવાનને તેના મિત્ર નવી ઘાંચીવાડના ધર્મેશ ભનુભાઇ પરમાર અને તેના ભાઇ હિતેષ પરમારે ગાળો દઇ ઝઘડો કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે. મિત્રએ કપડા લેવા પૈસા માંગતા મોહિતે ન આપતાં આ માથાકુટ થઇ હતી. હેડકોન્સ. હિતેન્દ્રસિંહે ફરિયાદ દાખલ કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:30 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech